કેન્સરથી સ્વસ્થ થઈ દીપિકા કક્કર: ચાહકોને આપી મોટી સરપ્રાઈઝ

મુંબઈઃ સ્ટેજ 2 લીવર કેન્સરની સર્જરી કરાવનાર અભિનેત્રી દીપિકા કક્કર હવે પોતાની રિકવરી યાત્રા વિશે ખુલીને વાત કરી રહી છે. સર્જરીના એક મહિના પછી દીપિકાએ પોતાની યુટ્યુબ ચેનલ પર લાઈવ આવી અને પોતાના સ્વાસ્થ્ય, સારવાર અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર વાત કરી. તેણે કહ્યું કે દરેક દિવસ સરખા નથી હોતા કેટલાક દિવસો ખૂબ જ કંટાળાજનક અને મુશ્કેલ હોય છે, જયારે ઊઠવું અને બેસવું પણ મુશ્કેલ લાગે છે. આ સાથે, દીપિકા કક્કરે બીજી એક સરપ્રાઈઝ આપી છે, જે તેના પુત્ર રૂહાન સાથે સંબંધિત છે.
દીપિકાએ યુટ્યુબ પર પોતાની ગેરહાજરી વિશે જણાવતા કહ્યું કે, ‘પહેલાં હું ક્યારેય એક જગ્યાએ જંપીને બેસતી નહોતી. હું હંમેશા કંઈક ને કંઈક કરતી રહેતી હતી. પણ હવે એવો સમય આવી ગયો છે જ્યારે શરીર સાથ આપતું નથી. ડૉક્ટરે શરીરને એક્ટિવ રાખવાની સલાહ આપી છે, પરંતુ ઘણા દિવસો એવા હોય છે જ્યારે ફક્ત આરામ કરવાનું મન થાય છે.’
આ પણ વાંચો: કેન્સર સામે ઝઝૂમી રહેલી દીપિકા કક્કરે શેર કરી ભાવનાત્મક પોસ્ટ, પતિ માટે લૂંટાવ્યો પ્રેમ…
દીપિકાએ એમ પણ જણાવ્યું કે તેની સર્જરીના ટાંકા હવે રૂઝાઈ રહ્યા છે અને તે આવતા અઠવાડિયાથી ઓરલ ટાર્ગેટ થેરાપી નામની નવી દવા લેવાનું શરૂ કરશે. આ થેરાપીમાં, તેણે નિયમિતપણે એક ગોળી લેવી પડશે. દીપિકાએ એમ પણ કહ્યું કે શોએબ મારા જીવનમાં આવ્યો ત્યારે મેં લખવાનું શરૂ કર્યું હતું. હવે જ્યારે મને થોડો સમય મળી રહ્યો છે, ત્યારે મેં ફરીથી મારો જૂનો શોખ કવિતાઓ લખવાનું શરૂ કર્યું છે.
એક ચાહક દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે તે ડૉક્ટરની મંજૂરી મળ્યા પછી જ ચોક્કસપણે અભિનયમાં પાછી ફરવા માંગે છે. તેણે કહ્યું, ‘મારી યોજના એવી હતી કે એકવાર રૂહાન સ્તનપાન બંધ કરે એના પછી હું ફરીથી ફિટ થઈને કામ પર પાછી ફરીશ, પરંતુ પછી આ બધું થયું… કોઈએ આની કલ્પના પણ નહોતી કરી. પણ હા, જ્યારે ડૉક્ટર લીલી ઝંડી આપશે, ત્યારે હું ચોક્કસ પાછી ફરવા માંગીશ.’
આ પણ વાંચો: મોનોકિની પહેરીને કરિના કપૂર-ખાને ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર, યુઝર્સે કહ્યું…
આ સાથે અભિનેત્રીએ આજે એક સરપ્રાઈઝ આપી છે. તાજેતરમાં દીપિકા અને શોએબ ઇબ્રાહિમના પુત્ર રૂહાન માટે એક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ એકાઉન્ટમાં માતા-પિતા દ્વારા શેર કરાયેલા સુંદર ફોટા અને વીડિયો છે, જે ચાહકોને રૂહાનના સુંદર ક્ષણો અને પારિવારિક જીવનની ઝલક આપશે. દીપિકા રુહાનને ફોલો કરનારી પહેલી વ્યક્તિ હતી. તેણે એક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે માતાએ સૌથી પહેલા દીકરાને ફોલો કર્યો.
નોંધનીય છે કે મે 2025માં દીપિકાને તેના લીવરમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. પાછળથી જાણવા મળ્યું કે તે કેન્સરગ્રસ્ત છે. જૂનમાં તેણે 14 કલાક લાંબી જટિલ સર્જરી કરાવી હતી જેમાં તે ગાંઠ દૂર કરવામાં આવી હતી. શોએબ ઇબ્રાહિમે તેની યુટ્યુબ ચેનલ પર આ વાતની પુષ્ટિ કરી અને સમગ્ર સારવારની વિગતો શેર કરી. બાદમાં દીપિકાએ પણ આ અંગે અપડેટ આપ્યું અને કહ્યું કે તે હવે સ્વસ્થ થઈ રહી છે.