IMDb લિસ્ટમાં પણ જોવા મળ્યો ‘ધુરંધર’નો દબદબો: 20 વર્ષની સારા અર્જુને ટોચના કલાકારોને આપી ટક્કર

મુંબઈ: ‘ધુરંધર’ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. જેનો શ્રેય તેના કલાકારો અને પ્રોડક્શન ટીમને ફાળે જાય છે. જોકે, ફિલ્મની સફળતાની અસર આ તેના કલાકારોની કારકિર્દીમાં દેખાઈ રહી છે. તાજેતરમાં IMDbએ ‘લોકપ્રિય ભારતીય સેલિબ્રિટી’ની યાદી જાહેર કરી છે. જેમાં પહેલો અને બીજો ક્રમ ‘ધુરંધર’ ફિલ્મની ટીમના સભ્યોનો છે.
પહેલી ફિલ્મમાં મળી સારા અર્જુનને પ્રસિદ્ધિ
બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યા બાદ રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ ના કલાકારો હવે લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા છે. ફિલ્મની અભિનેત્રી સારા અર્જુન IMDb ની તાજેતરની યાદીમાં ભારતની સૌથી લોકપ્રિય સેલિબ્રિટી બની ગઈ છે. 20 વર્ષીય સારા અર્જુને IMDb ની ‘લોકપ્રિય ભારતીય સેલિબ્રિટી’ ની સાપ્તાહિક યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેણે યામી ગૌતમ, તારા સુતારિયા, વિજય, પ્રભાસ અને અગસ્ત્ય નંદા જેવા મોટા સ્ટાર્સને પાછળ રાખી દીધા છે. ફિલ્મ ‘ધુરંધર’માં સારા અર્જુને ભજવેલા ‘યાલીના’ના પાત્રને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે.
IMDbની યાદીમાં ‘ધુરંધર’ ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ધર બીજા ક્રમે છે. તાજેતરમાં પોતાની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ને લઈને ચર્ચામાં આવેલ સાઉથનો અભિનેતા જોસેફ વિજય 8માં ક્રમે છે. આ યાદીમાં અગસ્ત્ય નંદા 12માં, ભાગ્યશ્રી બોરસે 15માં, યામી ગૌતમ 17માં, પ્રભાસ 19માં, તારા સુત્તરિયા 24માં તથા સિમર ભાટિયા 42માં ક્રમે છે.
‘ધુરંધર’ ફિલ્મનો રેકોર્ડ અને સારા અર્જુનનું કરિયર
‘ધુરંધર’ ફિલ્મે પાંચમાં અઠવાડિયે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે 6 જાન્યુઆરી 2026ના રોજ અંદાજીત 5.70 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ‘ધુરંધર’ ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 831.40 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ કરતાં વધારે છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મે અંદાજીત 830 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘પુષ્પા 2: ધ રૂલ’ ફિલ્મ પહેલા સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ ‘બાહુબલી 2’ના નામે હતો.
ઉલ્લેખનીય છે કે, અભિનેતા રાજ અર્જુનની દીકરી સારા અર્જુને માત્ર 21 મહિનાની ઉંમરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. સારા અર્જુને બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. 2 વર્ષથી ઓછી ઉંમરે સારાએ બાળ કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ગ્લેમરની દુનિયામાં સૌથી મોંઘા બાળ કલાકાર તરીકે ઉભરી આવી છે. પોતાના કરિયરમાં 100 થી વધુ જાહેરાતોમાં કામ કરી ચૂકેલી સારા અર્જુને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. સારાએ ‘એક થી ડાયન’, ‘404’, ‘જઝ્બા’ અને ‘સોંગ ઓફ સ્કોર્પિયન’ જેવી હિન્દી ફિલ્મોમાં તથા સાઉથની ‘પોન્નીયિન સેલ્વિન’ જેવી હિટ ફિલ્મમાં કામ કર્યું છે.



