ભગવાને આપેલા દીમાગનો ઉપયોગ કેમ નથી કરતાં? જ્હાન્વી કપૂરના ફોટોવાળા થંબનેલને લઈને ધ્રુવ રાઠીએ આપ્યો જવાબ

મુંબઈ: યુટ્યુબર ધ્રુવ રાઠી અવનવા મુદ્દાઓ પર અવારનવાર વીડિયો બનાવતા રહે છે. તાજેતરમાં તેણે ‘ધ ફેક બ્યુટી ઓફ બોલીવૂડ સેલિબ્રિટીસ’ નામના ટાઇટલ સાથે એક વીડિયો બનાવ્યો છે. જેના થંબનેલમાં ‘ફેક બ્યુટી’ના ટેક્સ્ટ સાથે જ્હાન્વી કપૂરના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ થંબનેલને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. જ્હાન્વી કપૂરે તાજેતરમાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલી હિંસાને લઈને અવાજ ઉઠાવ્યો હતો. જેને લઈને ધ્રુવ રાઠીએ તેને ટાર્ગેટ કરી છે. સોશિયલ મીડિયા પર છેડાયેલા આ વિવાદને લઈને હવે ધ્રુવ રાઠીએ જવાબ આપ્યો છે.

ઓરીએ ધ્રુવ રાઠીને આડે હાથ લીધો
ધ્રુવ રાઠીના વીડિયોમાં પોતાના ફોટોને લઈને જ્હાન્વી કપૂરે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ બોલિવૂડ સેલિબ્રિટીના ફંક્શનનો ભાગ બની ગયેલા ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણીએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. ઓરી એક કોમેન્ટ કરીને કહ્યું હતું કે, “જ્હાન્વી કપૂર કદાચ એ જાણતી પણ નહીં હોય, કે તે કોણ છે.” ઓરીએ અન્ય કોમેન્ટમાં કહ્યું હતું કે, “હું તેને એક એવા એન્ટિ-નેશનલિસ્ટ તરીકે જાણું છું, જે ઘણા ફોલોઅર્સ હોવા છતાં ટ્રેન સ્ટેશન પર પેપરાઝી દ્વારા ફોટા ન ખેંચાવાને લઈને ફરિયાદ કરતો રહે છે.”

આ સિવાય એક ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક પોસ્ટ કરવામાં આવી છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘હિંદુઓ જાગો. જ્હાન્વી કપૂરે બાંગ્લાદેશી હિંદુઓને લઈને પોસ્ટ કરી અને ધ્રુવ રાઠીએ તેની સુંદરતા પર સવાલ ઊઠાવતો એક વીડિયો બનાવ્યો.’ આ સિવાય પણ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આવી પોસ્ટ કરવામાં આવી છે.
તમે ક્યાં સુધી આંધળો વિશ્વાસ કરતા રહેશો
પોતાના વીડિયોને લઈને ઊભા થયેલા વિવાદને લઈને ધ્રુવ રાઠીએ સોશિયલ મીડિયા યુઝરને જવાબ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ આઇડી પર થયેલી પોસ્ટને લઈને ધ્રુવ રાઠીએ જણાવ્યું કે, “તમને ભગવાને દીમાગ આપ્યું છે, ઉપયોગ કેમ નથી કરતાં? એટલે બીજેપીના આઈટી સેલવાળા જે પોસ્ટ મૂકશે, તમે એના પર આંધળો વિશ્વાસ કરતા રહેશો. પહેલી વાત તો એ કે, જે દિવસે જ્હાન્વી કપૂરે પોસ્ટ મૂકી, એ જ દિવસે મેં અડધા કલાકનો વીડિયો પોસ્ટ કરી દીધો. શું આ હકીકતમાં શક્ય છે?”
Did I mock Janhvi Kapoor for her post on Bangladeshi Hindus?
— Dhruv Rathee (@dhruv_rathee) December 27, 2025
Watch full video: https://t.co/xEdy3U616h pic.twitter.com/tlZNQy1D3i
હું કોઈના બાપથી ડરતો નથી
ધ્રુવ રાઠીએ આગળ જણાવ્યું કે, “બીજું કે મેં પોતે બાંગ્લાદેશી હિંદુઓ પર રીલ બનાવી છે, તો હું તેને લઈને કેમ નિંદા કરૂં? હું તમારા જેવો નથી કે કોઈની અપ્રત્યક્ષ રીતે નિંદા કરૂં. મારે જે કહેવું હોય છે, તે મોઢા પર કહું થું. હું ન તો તમારા બાપથી ડરૂં છુ અને ન તો કોઈ બોલીવૂડ સેલિબ્રિટીથી ડરૂં છું. ત્રીજું એ કે સૌથી રસપ્રદ વાત એ છે કે, આ સમગ્ર વીડિયો પ્લાસ્ટિક સર્જરી પર છે, તેનાથી સમાજ પર શું અસર પડે છે. આખા વીડિયોમાં મેં જ્હાન્વી કપૂર પર કોઈ સવાલ ઊઠાવ્યો નથી.”



