ધર્મેન્દ્રએ ‘શોલે’ સ્ટાઇલમાં પ્રચાર કરતા સંસદની છત પરથી કૂદી જવાની આપી ધમકી: જાણો ધરમપાજીનો રાજકીય કારકિર્દીનો કિસ્સો

મુંબઈ: બોલીવુડના સૌથી લોકપ્રિય અને ‘હિ-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલનું 89 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાદુરસ્ત ચાલી રહી હતી અને તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
12 નવેમ્બરના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આપી હતી. ધર્મેન્દ્રના નિધનથી બોલીવુડ અને તેમના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફિલ્મી પડદા પર તેમનો દમદાર અભિનય અને વ્યક્તિત્વ હંમેશાં યાદ રહેશે.
રાજકીય કારકિર્દી
ધર્મેન્દ્રના જીવન સાથે ઘણી રસપ્રદ વાર્તાઓ જોડાયેલી છે, જેમાં તેમની રાજકીય કારકિર્દીનો એક ખાસ કિસ્સો પણ છે. વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ‘શાઇનિંગ ઇન્ડિયા’ કેમ્પેનથી પ્રભાવિત થઈને તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
શત્રુઘ્ન સિન્હા સાથે તેઓ લાલકૃષ્ણ અડવાણીને મળ્યા અને ભાજપે તેમને રાજસ્થાનની બીકાનેર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા. તેમની લોકપ્રિયતાના કારણે ધર્મેન્દ્રએ કોંગ્રેસના ઉમેદવાર રામેશ્વર લાલ ડૂડીને લગભગ 60 હજાર મતથી હરાવીને સંસદમાં પ્રવેશ કર્યો હતો.
ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મેન્દ્રએ પોતાની ફિલ્મી શૈલીનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો. તેમણે પ્રચારમાં પોતાની બ્લોકબસ્ટર ફિલ્મ ‘શોલે’નો જોશ ઉમેર્યો. એક સંબોધન દરમિયાન તેમણે કહ્યું હતું કે, “જો સરકાર મારી વાત નહીં માને, તો હું સંસદની છત પરથી છલાંગ લગાવી દઈશ!” ચૂંટણીના મેદાનમાં આ ફિલ્મી ઢબથી તે અવારનવાર હેડલાઈન્સ પણ બન્યા હતા. જોકે, રિયલ લાઇફમાં રાજકારણમાં તેમની આ દમદાર શૈલી લાંબો સમય ટકી શકી નહીં.
આપણ વાચો: ધર્મેન્દ્રના મોતની ચાલી અફવા, જાણો ઈશા દેઓલ અને હેમા માલિનીએ શું કહ્યું?
ભવ્ય જીત સાથે લોકસભામાં પહોંચ્યા પછી ધીમે ધીમે ધર્મેન્દ્ર પર આરોપો કરવામાં આવતા હતા. તેમના પર એવા આક્ષેપો થયા કે તેઓ બીકાનેરના લોકો સાથે ઓછો સંપર્ક રાખતા હતા, સંસદમાં તેમની હાજરી પણ ઘણી ઓછી રહેતી હતી અને તેઓ મોટા ભાગે ફિલ્મોના શૂટિંગમાં કે પોતાના ફાર્મહાઉસ પર વ્યસ્ત રહેતા હતા. આના કારણે તેમની છબિ એક નિષ્ક્રિય સાંસદ તરીકેની બની ગઈ હતી.
જોકે, તેમના સમર્થકોએ તેમનો હંમેશા બચાવ કરતા રહ્યા કે ભલે તેઓ જાહેરમાં હાજર ન હોય, પરંતુ પડદા પાછળ કામ ચોક્કસ કરાવતા હતા.
તેમ છતાં 2009માં તેમનો કાર્યકાળ પૂરો થતાં જ ધર્મેન્દ્રએ રાજકારણ છોડી દીધું અને ફરી ક્યારેય ચૂંટણી નહીં લડવાનો સંકલ્પ લીધો. તેમણે પોતે સ્વીકાર્યું હતું કે રાજકારણ તેમના માટે યોગ્ય જગ્યા નહોતી. તેમણે સ્વીકાર્યું હતું કે,”કામ હું કરતો હતો, ક્રેડિટ કોઈ બીજું લઈ જતું હતું… કદાચ આ દુનિયા મારા માટે નહોતી.”



