મનોરંજન

ધર્મેન્દ્રના ટોચના 10 રોમેન્ટિક ગીતો: ગર તુમ ભુલા ના દોગે…

રોમેન્સ, દોસ્તી અને પ્રેમભગ્નના ગીતો ધર્મેન્દ્રની ફિલ્મોમાં હતા

મુંબઈ: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સ ઈમેજમાં બંધાયેલા રહ્યા છે. કાં તો પહેલવાની – મર્દાનગી દર્શાવતા હી મેન અથવા ઋજુતા દર્શાવતા અને પ્રેમમાં ગળાડૂબ રહેતા રોમેન્ટિક હીરો. ધર્મેન્દ્ર એક એવા કલાકાર હતા જેઓ ‘હી-મેન’ તરીકે તો પ્રભાવી સાબિત થયા જ, રોમેન્ટિક અંદાજમાં પણ ધારી અસર ઉપજાવી ચાહકોના હૃદયમાં બિરાજમાન થયા. બાવડાની તાકાતથી રોમન સ્કર્ટ પહેરી ગુંડાઓને ધીબેડી નાખનારા ધરમજી હિરોઈનના માશુક બની રોમેન્સ કરવા માટે પણ જાણીતા હતા. 65 વર્ષ દરમિયાન 300થી વધુ ફિલ્મોમાં અભિનય કરનારા ધરમજીના 10 અત્યંત લોકપ્રિય ગીત દ્વારા એમની સ્મૃતિ મમળાવીએ.

1) ‘આજ મૌસમ બડા બેઇમાન હૈ’ – ‘લોફર’: મોહમ્મદ રફીએ ગાયેલા આ રોમેન્ટિક સોન્ગમાં ધર્મેન્દ્ર અને મુમતાઝની પ્રેમ ભાવના મનભાવન છે. ધરમજીના કેટલાક ક્યારેય ન ભૂલાય એવા ગીતોમાં રફીએ પ્લેબેક આપ્યું છે. ‘આજ મૌસમ…’ નવા પ્રેમની અપેક્ષાને ઉજાગર કરે છે. ગીતકાર આનંદ બક્ષી પ્રેમ અને પ્રકૃતિનું આહલાદક મિશ્રણ કર્યું છે.

ધર્મેન્દ્રના યૌવનને સલામ તરીકે આ ગીતનું એક સંસ્કરણ કરણ જોહરની 2023ની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પીઢ અભિનેતા ધર્મેન્દ્ર શબાના આઝમી સાથે રોમેન્સ કરતા નજરે પડે છે.

2) ‘પલ પલ દિલ કે પાસ’ – ‘બ્લેકમેલ’: કલ્યાણજી – આનંદજીના સ્વરાન્કનમાં કિશોરકુમારે ગાયેલા આ સુંદર ગીતમાં રાખીનું પાત્ર ધર્મેન્દ્રએ ભજવેલા પ્રેમીનો પત્ર વાંચે છે. પત્રમાં રાખી કાયમ પોતાના હૃદયમાં ધબકે છે એવું એલાન ધર્મેન્દ્રનું પાત્ર કરે છે. પ્રેમની આ મીઠી કબૂલાત સાથે નાયિકા ધર્મેન્દ્ર વિશે વિચારે છે અને ધર્મેન્દ્ર મધુર સ્વપ્ન તરીકે પડદા પર ગીત ગણગણતા જોવા મળે છે.

3) ‘આપ કે હસીન રુખ પે’ – ‘બહારેં ફિર ભી આયેંગી’: 1966ની ફિલ્મમાં ધર્મેન્દ્ર અને માલા સિન્હા આ બ્લેક એન્ડ વ્હાઇટના સમયના પ્રેમ ગીતમાં જોવા મળે છે. આ ગીત પણ રફીએ ગાયું હતું. શહીદ લતીફ નિર્દેશિત આ ફિલ્મમાં ગુરુ દત્ત મુખ્ય રોલ કરવાના હતા, પરંતુ તેમના અકાળે અવસાન બાદ ધર્મેન્દ્રની એન્ટ્રી થઈ હતી. પોતાના પ્રેમીની સુંદરતાનું વર્ણન કરતું આ ગીત ગીતકાર અંજાને લખ્યું હતું.

4) ‘ગર તુમ ભુલા ના દોગે’ – ‘યકીન’: 1969માં આવેલી આ ફિલ્મમાં ધર્મેન્દ્રનો ડબલ રોલ હતો. ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર પર ફિલ્માવાયેલા આ ગીતમાં પણ પાર્શ્વ ગાયન રફીનું જ છે. રફી અને ધર્મેન્દ્રના એમ બંનેના ચાહકોમાં આ ગીત લોકપ્રિય રહ્યું છે. સાચા પ્રેમના સામર્થ્ય અને સુંદરતાને પ્રતિબિંબિત કરે છે આ મૃદુ રોમેન્ટિક ગીત.

5) ‘મૈં જટ યમલા પગલા દીવાના’ – ‘પ્રતિજ્ઞા’: 1975ની આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમા માલિની, અજિત, જગદીપ અને મુકરી મુખ્ય ભૂમિકામાં છે. આ ગીત પણ રફીએ જ ગાયું છે અને સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે આપ્યું છે. નશામાં અને અતિશય આનંદિત ધર્મેન્દ્ર પ્રેમના સ્વીકારનો ખ્યાલ આવતા આનંદથી નૃત્ય કરી રહ્યો છે. અભિનેતાને નૃત્યમાં ફાવટ નહોતી, પણ આનંદના ઊભરા સાથે એ પોતાની ણ આવડત ઢાંકી દે છે.

6) ‘યે દોસ્તી હમ નહીં છોડેંગે’ – ‘શોલે’: કિશોર કુમાર, મન્ના ડે અને સંગીતકાર આર ડી બર્મનનું આ અવિસ્મરણીય મિત્રગીત, જય (અમિતાભ બચ્ચન) અને વીરુ (ધર્મેન્દ્ર)ની મિત્રતાને મધુરતાથી રજૂ કરે છે. આ જોડી રમતિયાળ રીતે બાઇક ચલાવી એકતા, વફાદારી અને ભાઈચારાની ભાવનાનું ગીત ગાય છે.

7) ‘કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ તો’.. – ‘શોલે’: કિશોર કુમારના અંદાજના આ લોકપ્રિય રોમેન્ટિક ગીતમાં વીરુ (ધર્મેન્દ્ર) નારાજ અને ગુસ્સે ભરાયેલી બસંતી (હેમા માલિની) ને મનાવી એનું દિલ જીતવાની કોશિશ કરે છે.

8) ‘હમ બેવફા હરગીઝ ન થે’ – ‘શાલીમાર’: 1978માં ભારત – અમેરિકાના સહયોગથી બનેલી આ ફિલ્મ માટે કિશોર કુમારે વ્યથા વ્યક્ત કરતું ધર્મેન્દ્ર અને ઝીનત અમાન પર ફિલ્માવાયેલું ગીત ગાયું છે. આ ફિલ્મમાં ‘મેરા પ્યાર શાલીમાર’ જેવા અન્ય લોકપ્રિય ગીતો સુધ્ધાં હતા, પરંતુ અફસોસ અને ગેરસમજની લાગણી વ્યક્ત કરતુ આ ગીત આજે પણ લોકપ્રિય છે.

9) ‘અબ કે સજન સાવન મેં’ – ‘ચુપકે ચુપકે’: ઋષિકેશ મુખરજીની મજેદાર ફિલ્મના લતા મંગેશકરે ગાયેલા આ ગીતમાં શર્મિલા ટાગોર અને ધર્મેન્દ્રની જોડી છે. આ ગીત ફિલ્મમાં પરિવાર સાથે બિરાજમાન શર્મિલા ટાગોરનું પાત્ર ધર્મેન્દ્ર માટે પોતાના રોમાંસને છુપાવે છે ત્યારે આવે છે. ગીતમાં ધર્મેન્દ્ર અને ટાગોરનો રમતિયાળ અભિનય ગીતને યાદગાર બનાવે છે.

10) ‘જાનેમન જાનેમન’ – ‘છોટી સી બાત’: 1976ની અમોલ પાલેકર અભિનીત ફિલ્મમાં ધર્મેન્દ્ર અને તેની પ્રેમિકા હેમા માલિની આશા ભોસલેએ ગાયેલા ગીતમાં દેખાય છે. ફિલ્મનું આ ગીત જોતી વખતે અમોલ પાલેકર પડદા પર ધર્મેન્દ્ર – હેમા માલિનીના સ્થાને પોતાને અને એ જેના પ્રેમમાં છે એને (વિદ્યા સિન્હા) હિરોઈન તરીકે જુએ છે. ફિલ્મમાં ધરમજીની હાજરી માત્ર ગીત પૂરતી છે. ફિલ્મ નિર્માતા ઋષિકેશ મુખરજીની ફિલ્મોમાં ધરમજીને તેમની એક્શન સ્ટારની ઈમેજથી વિપરીત રોલમાં ચમકાવવામાં આવ્યા હતા.

(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button