મનોરંજન

ધર્મેન્દ્રએ અમિતાભ બચ્ચન અને શાહરૂખ કરતાં વધુ સુપરહિટ ફિલ્મ આપી હતી, જાણો યાદગાર સફર…

બોલીવુડના “હી-મેન” ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું છે. ધર્મેન્દ્રનું સ્ટારડમ એવું હતું કે તેમની દરેક ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેની ચર્ચા થવા લાગતી હતી અને લોકો આતુરતાથી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોતા હતા. એક્શન, રોમેન્સ અને કોમેડીથી લઈને દરેક શૈલીમાં શ્રેષ્ઠ કરવાની તેમની ક્ષમતાએ તેમને બોલીવુડના સાચા ‘હી-મેન’ બનાવ્યા.

ધર્મેન્દ્રએ માત્ર ફિલ્મોમાં તેમની ભૂમિકાઓથી જ નહીં, પરંતુ તેમના અભિનયથી પણ દર્શકોના દિલ જીતી લીધા હતા. પડદા પર તેમના એક્શન દ્રશ્યોને ખૂબ જ પસંદ કરવામાં આવતા હતા. ધર્મેન્દ્ર સતત ફિલ્મોમાં વ્યસ્ત રહેતા હતા. હવે, તેમની છેલ્લી ફિલ્મ, “ઈક્કીસ” આવતા મહિને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ધર્મેન્દ્રએ તેમની કારકિર્દી દરમિયાન હિન્દી સિનેમાને અનેક હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી. તેમને 60 અને 70ના દાયકામાં બોક્સ ઓફિસના સૌથી લોકપ્રિય સ્ટાર્સમાંના એક ગણવામાં આવતા હતા. “શોલે,” “ચુપકે ચુપકે,” “ધરમ વીર,” “દોસ્ત,” “અનુપમા,” અને “સીતા ઔર ગીતા” જેવી ફિલ્મોએ તેમને ઘર-ઘરમાં જાણીતા બનાવી દીધા. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના એવા સુપરસ્ટાર હતા, જેમણે અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન કરતાં વધુ હિટ ફિલ્મો આપી હતી.

ધર્મેન્દ્રએ 1960માં 24 વર્ષની ઉંમરે ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ ‘બંદિની’, ‘આઈ મિલન કી બેલા’ અને ‘કાજલ’ જેવી હિટ ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓમાં દેખાયા, પરંતુ 1965ની ફિલ્મ ‘હકીકત’એ તેમને બોક્સ ઓફિસ પર હિટ હીરો બનાવ્યા.

“હકીકત” ફિલ્મની સફળતા પછી “ફૂલ ઔર પથ્થર” રિલીઝ થઈ, જેણે તેમને સ્ટાર બનાવ્યા. ત્યારથી ધર્મેન્દ્ર 1970ના દાયકાના અંત સુધી સતત બોલિવૂડના ટોચના અભિનેતાઓમાંના એક રહ્યા અને તેમણે ‘અનુપમા’, ‘આદમી ઔર ઇન્સાન’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘સીતા ઔર ગીતા’, ‘શોલે’, ‘લોફર’, ‘યાદો કી બારાત’ અને ‘ધરમ વીર’ જેવી ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મો આપી.

80ના દાયકામાં બોલીવુડના ‘હી-મેન’ એ એક્શન ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને ‘બદલે કી આગ’, ‘ગુલામી’, ‘લોહા’ અને ‘આઈલાન-એ-જંગ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા. 64 વર્ષના કરિયરમાં, ધર્મેન્દ્રએ 75 હિટ ફિલ્મો આપી, જે કોઈ પણ હિન્દી ફિલ્મ અભિનેતા દ્વારા મુખ્ય ભૂમિકામાં આપેલી સૌથી વધુ હિટ ફિલ્મો છે, તેમાંથી છ બ્લોકબસ્ટર ફિલ્મ હતી.

અમિતાભ બચ્ચન (57), રાજેશ ખન્ના (42), શાહરૂખ ખાન (35) અને સલમાન ખાન (38) જેવા સુપરસ્ટારોએ તેમની કારકિર્દીમાં ધર્મેન્દ્ર કરતાં ઓછી હિટ ફિલ્મો આપી છે. તમને જણાવી દઈએ કે આ માહિતી અત્યાર સુધી આ તમામ સ્ટાર્સની રિલીઝ થયેલી ફિલ્મો અનુસાર છે.

આ પણ વાંચો…ધર્મેન્દ્રને હી-મેનની ઉપાધિ કઈ રીતે મળી? શું છે આ પાછળની સ્ટોરી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button