દીપિકાને ‘અનફોલો’ કરવાની વાત પર ફરાહ ખાન ભડકી, ટ્રોલર્સને કહ્યું ‘બીજું કામ શોધી લો’

મુંબઈ: આજના સમયમાં સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો કરવું એને સોશિયલ સ્ટેટ્સ ગણવામાં આવે છે, જ્યારે એક પ્રકારનો વ્યવહાર પણ માનવામાં આવે છે. ફિલ્મી હસ્તીઓને લઈને પણ તેમના ચાહકોનો આ જ મત છે. ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાન અને અભિનેત્રી દીપિકા પદુકોણનો વિવાદ ચાલી રહ્યો છે. જેમાં ફરાહ ખાને દીપિકા પદુકોણને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યાની વાત સોશિયલ મીડિયા પર વહેતી થઈ છે. જેને લઈને ફરાહ ખાન ટ્રોલર્સ અને યુઝર્સ પર ભડકી ઊઠી છે.
બીજુ કોઈ કામ શોધી લો
ફરાહ ખાને પોતાના બે વ્લોગમાં દીપિકા પદુકોણને લઈને કટાક્ષભર્યો શબ્દોનો ઉપયોગ કર્યો છે. થોડા સમય પહેલા ફરાહ ખાન અભિનેત્રી રાધિકા મદાનના ઘરે વ્લોગ બનાવવા ગઈ હતી. ત્યારે તેઓ રાધિકાને પૂછ્યું હતું કે, “મને લાગે છે કે, તારી શિફ્ટ 8 કલાકની નહીં હોય” ત્યારે રાધિકાએ જવાબ આપ્યો હતો કે, “56 કલાક, કોઈ પણ વિરામ વગર” રાધિકાનો આ જવાબ સાંભળીને ફરાહ ખાને કહ્યું હતું કે, “આ રીતે તપીને જ સોનું બને છે.” આવી જ વાત ફરાહ ખાને અભિનેતા રોહિત સરાફના ઘરે બનાવેલા વ્લોગમાં પણ કરી હતી.

રોહિત સરાફના ઘરે જમવાનું બનાવતી વખતે ફરાહ ખાનના શેફ દીલિપે પૂછ્યું હતું કે, “દીપિકા પદુકોણ તમારા શોમાં ક્યારે આવશે?” દીલિપના સવાલના જવાબમાં ફરાહ ખાને મજાક કરતા કહ્યું કે, “દીપિકા પદુકોણ હવે માત્ર 8 કલાક શૂટ કરે છે. હવે તેની પાસે શોમાં આવવાનો સમય નથી.” આ બધાની વચ્ચે ફરાહ ખાને દીપિકા પદુકોણને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યાની વાત વહેતી થઈ છે. ફરાહ ખાનના ઇન્સ્ટાગ્રામ આઈડી પર જોઈ શકાય છે કે તે દીપિકા પદુકોણ કે રણબીર સિંહ બે પૈકીને એકેયને ફોલો કરી રહીં નથી. જોકે, યુઝર્સ દ્વારા આ વાતનો ખોટો પ્રચાર કરાતા ફરાહ ખાન યુઝર્સ પર ગુસ્સે થઈ છે.
અમે પહેલેથી જ એકબીજાને ફોલો કરતા નથી
દીપિકા પદુકોણને અનફોલો કરવા અંગેની એક પોસ્ટમાં ફરાહ ખાને કમેન્ટ કરીને લખ્યું કે, “શું બકવાસ લખી રહ્યા છો, કૃપયા કોઈ બીજું કામ શોધી લો.” આ સિવાય ફરાહ ખાને દીપિકા પદુકોણ સાથેના પોતાના સંબંધોને લઈને સ્પષ્ટતા પણ કરી છે. ફરાહ ખાને મીડિયાને જણાવ્યું કે, “અમે તો પહેલા પણ એકબીજાને ફોલો કરતા નહોતા!!
‘હેપ્પી ન્યૂ યર’ના શૂટિંગ દરમિયાન અમે નક્કી કર્યું હતું કે, અમે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત નહીં કરીએ. તેના બદલે ડાયરેક્ટ મેસેજ અને કોલ કરીશું. અમે ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપતા નથી. કારણ કે દીપિકાને તે ગમતું નથી. આ મેં કરેલી 8 કલાકની વાત કોઈ કટાક્ષ ન હતો. હું મારા શેફ દિલીપને કહેવા માંગતી હતી કે, તે હવે 8 કલાક પણ કામ કરશે, કારણ કે તે હકીકતમાં ફક્ત 2 કલાક કામ કરે છે!”
લોકો દ્વારા ફેલાવવામાં આવેલી અફવાને લઈને ફરાહ ખાને જણાવ્યું હતું કે, “કોઈને એ ખબર નહીં હોય કે, જ્યારે દુઆનો જન્મ થયો હતો ત્યારે દીપિકાને મળવા જનારા થોડા લોકો પૈકીની હું એક હતી. બધું ઇન્સ્ટાગ્રામ અને પેપ્સ માટે કરવામાં આવતું નથી.”