નેશનલમનોરંજન

સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ના ટ્રેલરે ચીનમાં મચાવ્યો ખળભળાટ

મુંબઈ: ભારતીય સિનેમાના સુપરસ્ટાર સલમાન ખાન જ્યારે પણ મોટા પડદા પર આવે છે ત્યારે કંઈક નવું લઈને આવે છે, પરંતુ આ વખતે મામલો માત્ર મનોરંજનનો નથી, પણ રાષ્ટ્રીય ગૌરવનો છે.

વર્ષ 2020માં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ આધારિત ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ટ્રેલર રિલીઝ થતા જ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો આવી ગયો છે. ખાસ કરીને ચીનમાં આ ફિલ્મને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે, જે દર્શાવે છે કે સલમાનની આ ફિલ્મની અસર સરહદ પાર સુધી પહોંચી છે.

મીડિયા અહેવાલ મુજબ, ચીની નિષ્ણાતોએ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે કોઈ પણ “અતિ-ઉત્સાહી” ડ્રામા વાસ્તવિકતાને બદલી શકતો નથી. સલમાન ખાને 27 ડિસેમ્બરે આ ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કર્યું હતું, જેમાં ભારતીય સેનાની બહાદુરીને વણી લેવામાં આવી છે.

એપ્રિલ 2026માં રિલીઝ થનારી આ ફિલ્મમાં સલમાન ખાન આર્મી ઓફિસરના રોલમાં છે. ચીનનો દાવો છે કે આવી ફિલ્મોથી કોઈ પણ દેશના પવિત્ર ક્ષેત્રને પ્રભાવિત કરી શકાતું નથી, પરંતુ ટ્રેલર જોયા બાદ ત્યાંના મીડિયામાં તેની ગંભીર નોંધ લેવામાં આવી છે.

અપૂર્વ લાખિયાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનો ટીઝર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ટીઝરની શરૂઆત સલમાનના ઘેઘૂર અવાજથી થાય છે, જેમાં તે કહે છે, “જખ્મ લાગે તો મેડલ સમજજો અને મોત દેખાય તો સલામ કરજો… અને કહેજો- જય બજરંગ બલી! બિરસા મુંડાની જય! ભારત માતાની જય!” આ ડાયલોગ્સે ભારતીય ચાહકોમાં રોમાંચ જગાવ્યો છે. સલમાન ખાને પોતે ઇન્સ્ટાગ્રામ પર આ ટીઝર શેર કર્યું છે, જેમાં તે અઘરા પહાડી વિસ્તારોમાં દુશ્મનોનો સામનો કરતા જોવા મળે છે.

ફિલ્મમાં એક્શનનો ગ્રાફ ઘણો ઊંચો રાખવામાં આવ્યો છે. ટીઝરમાં જોવા મળ્યા મુજબ, લોહીથી લથબથ ચહેરો અને ધારદાર હથિયારો સાથે સલમાન ખાન ચીની સૈનિકો સાથે ટકરાતા જોવા મળે છે. બરફીલા પવનો અને ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ફિલ્માવવામાં આવેલા દ્રશ્યો પ્રેક્ષકોના રૂંવાડા ઉભા કરી દે તેવા છે. સલમાનનો આ નવો લુક અને દેશ માટે મરી ફીટવાનો જઝબો સોશિયલ મીડિયા પર અત્યારથી જ ટ્રેન્ડ કરી રહ્યો છે.

આ પણ વાંચો…સલમાન ખાને જન્મદિવસ પર આપ્યું મોટું સરપ્રાઈઝ: ‘બેટલ ઓફ ગલવાન’નું દમદાર ટીઝર રીલિઝ, રીલિઝ ડેટ પણ એનાઉન્સ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button