નિર્માતા વાશુ ભગનાની સાથે છેતરપિંડી: ડિરેક્ટર સહિત ત્રણ સામે ગુનો નોંધવાનો કોર્ટનો આદેશ

મુંબઈ: પીઢ નિર્માતા વાશુ ભગનાનીની ફરિયાદને આધારે મુંબઈની કોર્ટે ફિલ્મ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર અને અન્ય બે જણ વિરુદ્ધ છેતરપિંડી, ફોજદારી કાવતરું અને ઠગાઈનો ગુનો નોંધવાનો આદેશ પોલીસને આપ્યો હતો.
મૅજિસ્ટ્રેટ કોમલસિંહ રાજપૂતે ફોજદારી ગુનો નોંધવાનો આદેશ આપતાં ત્રણેય વિરુદ્ધના આરોપો ગંભીર હોવાનું નોંધ્યું હતું.
2024માં ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ બનાવનારા ઝફર અને તેના બે સહાયક હિમાંશુ મહેરા અને એકેશ રણદીવે વિરુદ્ધ ગુનો નોંધવાની માગણી સાથે ભગનાની બાન્દ્રા કોર્ટમાં ગયા હતા. પોતાની સાથે કથિત છેતરપિંડી અને રૂપિયાની ઉચાપતનો આક્ષેપ ભગનાનીએ કર્યો હતો.
બીજી ડિસેમ્બરે મૅજિસ્ટ્રેટે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે આ ગુનો દખલપાત્ર અને બિનજામીનપાત્ર છે. આક્ષેપો ગંભીર છે અને આ મામલે દરેક પાસાંની સઘન પૂછપરછ જરૂરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું.
આ પ્રકરણે બાન્દ્રા પોલીસ સ્ટેશનને ઝફર અને બે સહાયક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 120(બી), 406, 420, 465, 471, 500 અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ કરવાનો આદેશ અપાયો હતો.
આપણ વાંચો: CBI એ કર્યો ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, આટલા કરોડની છેતરપિંડીનો ખુલાસો…
કોર્ટે નોંધ્યું હતું કે ત્રણેય જણે ભગનાનીને સમયાંતરે વિવિધ રકમ ચૂકવવા પ્રેરિત કર્યા અને ખર્ચમાં વધારો બતાવ્યો હતો, પરંતુ આ ખર્ચનો કોઈ હિસાબ આપ્યો નહોતો. ભગનાનીએ આરોપો સામે એગ્રીમેન્ટ, નાણાંની ચુકવણીનાં વાઉચર્સ, કોસ્ટ શીટ્સ અને વ્હૉટ્સઍપ ચૅટ્સ રજૂ કર્યાં હતાં.
ફરિયાદ અનુસાર ભગનાનીએ ફેબ્રુઆરી, 2021માં બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર સાથે ઍક્શન-કૉમેડી બડે મિયાં છોટે મિયાં સહિત ચાર ફિલ્મ સાઈન કરી હતી. નવેમ્બર, 2021માં ફિલ્મનું દિગ્દર્શન અને રાઈટિંગ માટે ઝફરનો સંપર્ક કરાયો હતો.
ઝફરે કથિત શરત મૂકી હતી કે તે મહેરા અને રણદીવે સાથે કામ કરશે, કારણ કે તેના આ બન્ને સહાયક એકાઉન્ટ્સ, ઓડિટ અને ફિલ્મમાં સહાય કરે છે અને મૅનેજ કરે છે. ડિરેક્ટર અને તેના સહાયકોએ ખાતરી આપી હતી કે બધા ખર્ચ પૂર્વ મંજૂરી માટે રજૂ કરાશે અને ફિલ્મનો મિનિમમ પ્રોડક્શન ખર્ચ 125 કરોડ રૂપિયા નક્કી કરાયો હતો, જે ચૂકવવા ભગનાની તૈયાર થયા હતા.
આપણ વાંચો: સિડકોની જમીન ગેરકાયદે વેચી વેપારી સાથે 18 કરોડની છેતરપિંડી: બે પકડાયા…
ભગનાનીએ ફરિયાદમાં દાવો કર્યો હતો કે ત્રણેયે પછીથી વધુ ખર્ચ બતાવીને ચેડાં કરેલા દસ્તાવેજો રજૂ કર્યા હતા. હિસાબમાં ગરબડ કરીને મોટા ભાગની રકમની ઉચાપત કરી હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.
ભગનાનીએ આક્ષેપ કર્યો હતો કે ફરિયાદ સાથે તેણે બાન્દ્રા પોલીસનો સંપર્ક સાધ્યો હતો, પરંતુ પોલીસે કોઈ પગલાં ન લેતાં તેણે કોર્ટમાં ફરિયાદ કરી હતી.
પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેઈન્મેન્ટના સ્થાપક ભગનાનીએ કૂલી નંબર-1, હીરો નંબર-1, પ્યાર કિયા તો ડરના ક્યા, બિવી નંબર-1 અને રહેના હૈ તેરે દિલ મેં જેવી હિટ ફિલ્મો આપી છે. (પીટીઆઈ)



