
નવી દિલ્હી: ઓવર ધ ટોપ(OTT) પ્લેટફોર્મ્સ પર વિના નિયંત્રણે સ્ટ્રીમ કરવામાં આવતી અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ સામે અવારનવાર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. હવે કેન્દ્ર સરકારે આવા OTT પ્લેટફોર્મ્સ પર સપાટો બલાવ્યો છે. સરકારે 25 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવ્યો છે, જેમાં Ullu, ALTT અને Desiflix જેવા પ્લેટફોર્મ્સનો પણ સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ સરકારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ(ISPs)ને 25 OTT પ્લેટફોર્મનું પબ્લિક ઍક્સેસ ડિસેબલ કરવાનો નિર્દેશ આપ્યો છે. મીનીસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ(MIB)એ એક નોટિસ જાહેર કરીને આ જાહેરાત કરી છે. નોટીસ મુજબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડીએટરી ગાઈડલાઈન્સ એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ, 2021 હેઠળ ગેરકાયદેસર માહિતીની ઍક્સેસને દૂર કરવા આદેશ આપવામાં આવ્યા છે.
મંત્રાલયના જણાવ્યા મુજબ આ પગલાનો ઉદ્દેશ્ય ઉત્તેજક તેમજ ભારતના કાયદાકીય અને સાંસ્કૃતિક ધોરણોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને રોકવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહી મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ(MHA), મીનીસ્ટ્રી ઓફ વૂમન એન્ડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ(MWCD), મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી(MeitY), ડીપાર્ટમેન્ટ ઓફ લિગલ અફેર્સ(DoLA), ઉદ્યોગ સંસ્થાઓ FICCI અને CII, અને મહિલા અધિકારો અને બાળ અધિકારોના ક્ષેત્રના નિષ્ણાતો સાથે પરામર્શ કર્યા બાદ કરવામાં આવી છે.
આ OTT પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ:
અહેવાલ મુજબ સરકારે ALTT, ઉલ્લુ(Ullu), દેસીફ્લિક્સ(Desiflix) બિગ શોટ્સ એપ (Big Shots App), બૂમેક્સ (Boomex), નવરસા લાઇટ(Navarasa Lite), ગુલાબ એપ (Gulab App), કંગન એપ(Kangan App), બુલ એપ(Bull App), જલવા એપ(Jalva App,), વાઉ એન્ટરટેઈનમેન્ટ(Wow Entertainment), લુક એન્ટરટેઈનમેન્ટ (Look Entertainment), હિટપ્રાઈમ(Hitprime), ફેનીઓ(Feneo), શોએક્સ(ShowX), સોલ ટોકીઝ(Sol Talkies), અડ્ડા ટીવી(Adda TV), હોટએક્સ વીઆઈપી(Adda TV), હલ્ચલ એપ(Hulchul App), મૂડએક્સ(MoodX), નિયોનએક્સ વીઆઈપી(NeonX), ફુગી(Fugi), મોજફ્લિક્સ(Mojflix), ટ્રાઇફ્લિક્સ(Triflicks)નો સમાવેશ થાય છે.
આપણ વાંચો: વોર-2નું ટ્રેલર લોન્ચ થયું; ઋતિક રોશન અને જુનિયર NTR વચ્ચે જોરદાર લડાઈ; જાણો રિલીઝ ડેટ
સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી:
નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટે OTT અને સોશિયલ મીડિયા પર અશ્લિલ કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી અરજી પર સુનાવણી કહ્યું હતું કે, “એ અમારા કાર્યક્ષેત્રમાં આવતું નથી.” જોકે, ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્રએ કાર્યવાહી કરવી જોઈએ.
સરકારે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ ભારતમાં આ વેબસાઇટ્સની પબ્લિક એક્સેસ બંધ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે.