સલમાન ખાન અને મોહનલાલ ફિક્કા પડી ગયા આ એક્ટર સામે

ફિલ્મોની જ્યારે જાહેરાત થાય અને ત્યારબાદ જ્યારે તેનું માર્કેટિંગ થાય ત્યારે જ ઘણા લોકો ભવિષ્ય ભાખી દેતા હોય છે કે કઈ ફિલ્મ કેટલું ચાલશે અને કેટલું કમાશે, પરંતુ દર્શકોના મનને જાણી શકાતું નથી. જે ફિલ્મો સુપરહીટ સાબિત થશે તેમ માનવામાં આવે તે ઘણીવાર ફ્લોપ અથવા એવરેજ સાબિત થાય અને અપેક્ષા ન હોય તેવી ફિલ્મ જબરજસ્ત બિઝનેસ કરી નાખે.
2025ની શરૂઆતમાં આમ જ થયું છે. બહુ ગાજેલી સલમાન ખાનની સિકંદર અને મલ્યાલમ સ્ટાર મોહનલાલની ફિલ્મ એલ2-એમ્પરાન બોક્સ ઓફિસ પર માંડ માંડ ચાલી રહી છે જ્યારે વિકી કૌશલની ફિલ્મ છાવા હજુ પણ છવાયેલી રહી છે. ફિલ્મ ભલે બિઝનેસ ઓછો કરતી હોય પણ બીજા બધી ફિલ્મોની વચ્ચે પણ થિયેટરમાં ટકી રહી છે.
આપણ વાંચો: લોકો સિકંદરને વખોડતા રહ્યા અને સલમાન ખાને કર્યું કંઈક એવું કે…
સિકંદરે 11 દિવસ બાદ રૂ. 100 કરોડનો આંકડો પાર કર્યો છે. રવિવારે ફિલ્મે સાડા ચાર કરોડનું કલેક્શન કર્યું અને તે સાથે ફિલ્મ રૂ. 102 કરોડ સુધી પહોંચી. ફિલ્મનું ગ્લોબલ કલેક્શન માંડ 200 કરોડ સુધી પહોંચશે તો નિર્માતાનો માત્ર ખર્ચ નીકળશે, ફિલ્મ કમાણી કરે તેમ લાગતું નથી.
આવી જ હાલત એમ્પરાનની છે. મોહનલાલ જેવા સુપરસ્ટારની ફિલ્મ 27 માર્ચના રોજ રિલિઝ થઈ હતી અને હજુ સુધી 98 કરોડ કલેક્ટ કરી શકી છે.
જ્યારે છાવા હજુ સુધી થિયેટરોમાં ટકી રહી છે. રવિવારે છાવાએ 1.30 કરોડનું કલેક્શન કર્યુ છે. 130 કરોડના ખર્ચે બનેલી ફિલ્મે 600 કરોડની કમાણી કરી છે. હજુ ફિલ્મ શનિ-રવિમાં સારા દર્શકો મેળવી શકે છે.
વિકી કૌશલના કરિયરની આ સૌથી વધુ કમાણી કરનારા ફિલ્મ બની છે અને સાથે તેની એક્ટિંગ પણ વખાણવામાં આવી રહી છે.