અન્નુ કપૂરની ફિલ્મને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે આપી મંજૂરી
અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’ હાલમાં ચર્ચામાં છે. અન્નુ કપૂરની આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. જેના કારણે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. હવે બોમ્બે હાઈકોર્ટે એકાદ-બે સીન કટ કરીને ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે.
બૉમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરીને ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ ફિલ્મ અગાઉ 7 જૂને રિલીઝ થવાની હતી. હવે બોમ્બે હાઈકોર્ટે કેટલાક ફેરફારો સાથે ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપી છે, જેના પછી મેકર્સ અને કલાકારો ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: અનિલ કપૂરના કારણે પોતાનું નામ બદલી નાખ્યું આ સેલિબ્રિટીએ…
ફિલ્મ ‘હમારે બારહ’માં અન્નુ કપૂર, મનોજ જોશી અને પરિતોષ ત્રિપાઠી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની વાર્તા વસ્તી વધારાના ગંભીર મુદ્દા અને તેની અસરો પર આધારિત છે. ઘણા લોકો એવો આરોપ લગાવે છે કે ફિલ્મના ટ્રેલરમાં અસંસ્કારીતા અને સાંપ્રદાયિક પ્રચારની ઝલક છે. ઘણા લોકો કહે છે કે તેમાં એવી વસ્તુઓ છે જે લોકોની માનસિકતામાં ઝેર રેડે છે.
આ ફિલ્મમાં પિતા અને પુત્રી વચ્ચેની કોર્ટમાં લડાઇ બતાવવામાં આવી છે. ફિલ્મનું મુખ્ય પાત્ર અન્નુ કપૂરની પહેલી પત્ની બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામી છે. તેની બીજી પત્ની છઠ્ઠી વાર ગર્ભવતી છે. ડૉક્ટરનું કહેવું છે કે બાળકને જન્મ આપતા માતાનું મૃત્યુ થઇ શકે છે. ડૉક્ટર ગર્ભપાતની સલાહ આપે છે. પોતાની સાવકી માતાને બચાવવા માટે દીકરી કોર્ટના દ્વાર ખટખટાવે છે અને પિતાની વિરુદ્ધ જાય છે. ફિલ્મના કેટલાક દ્રશ્યો ભાવુક કરી દે તેવા છે.
હવે જ્યારે આ ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી મળી ગઇ છે ત્યારે હવે તમને થિયેટરોમાં આ ફિલ્મ જોવા મળશે.