રણવીર સિંહથી લઈને આમીર ખાન સુધી: 2025માં આ સિતારાઓએ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

મુંબઈ: ભારતીય સિનેમાના ઇતિહાસમાં વર્ષ 2025 એક એવા વર્ષ તરીકે ઓળખાશે જ્યાં અનુભવી કલાકારોએ પોતાની પ્રતિભાનો ફરી એકવાર પરિચય આપ્યો છે. આ વર્ષે માત્ર બ્લોકબસ્ટર ફિલ્મો જ નથી આવી, પરંતુ કલાકારોએ પોતપોતાની આગવી શૈલીમાં જે રીતે ‘ક્રિએટિવ રીઇન્વેન્શન’ કર્યું છે તેનાથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા છે. રણવીર સિંહની રેકોર્ડબ્રેક સફળતા હોય કે વિકી કૌશલનો ઐતિહાસિક અંદાજ, આ તમામ સિતારાઓએ સાબિત કરી દીધું છે કે ટેલેન્ટ ક્યારેય જૂનો નથી થતો.

આ વર્ષ રણવીર સિંહ માટે ગોલ્ડન વર્ષ સાબિત થયું છે. તેની ફિલ્મ ‘ધુરંધર’ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર રહી છે અને તેણે બોક્સ ઓફિસના જૂના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન અને ડાયલોગ્સ અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. બીજી તરફ, વિકી કૌશલે ‘છાવા’ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવીને ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મની સફળતાએ વિકીને બોક્સ ઓફિસના સુપરસ્ટાર્સની નવી લીગમાં લાવીને ઉભો કરી દીધો છે. દર્શકો થિયેટરોમાં વિકીના અભિનય પર ઓવારી ગયા છે.

લાંબા વિરામ બાદ આમીર ખાને ‘સિતારે જમીન પર’ ફિલ્મ દ્વારા ભાવુક અને યાદગાર કમબેક કર્યું છે. આ ફિલ્મે માત્ર કમાણી જ નથી કરી પરંતુ લોકોના દિલ પણ જીતી લીધા છે. એ જ રીતે, સતત નિષ્ફળતાઓનો સામનો કરી રહેલા અક્ષય કુમારે ‘સ્કાય ફોર્સ’ અને ‘હાઉસફુલ 5’ જેવી ફિલ્મો આપીને પોતાની ડૂબતી નૈયાને કિનારે લગાવી છે. અક્ષયની દેશભક્તિ અને કોમેડીના મિશ્રણને દર્શકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. આ સાથે જ નિર્દેશક આદિત્ય ધરે ‘ધુરંધર’ દ્વારા સાબિત કર્યું છે કે મજબૂત વાર્તા જ ફિલ્મની અસલી તાકાત છે.
વર્ષ 2025માં રજત બેદી અને ઇમરાન હાશ્મી જેવા કલાકારોએ આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ દ્વારા ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને રજત બેદીના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે. અક્ષય ખન્ના પણ ‘છાવા’ અને ‘ધુરંધર’માં વિલનના રોલ દ્વારા આ વર્ષના સૌથી ચર્ચિત કલાકાર બન્યા છે. અભિનેત્રીઓમાં રશ્મિકા મંદાનાએ ‘છાવા’ અને ‘ધ ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મો દ્વારા પાન-ઈન્ડિયા સ્તરે પોતાની બાદશાહત જાળવી રાખી છે, જેના કારણે તે વર્ષની સૌથી સફળ અભિનેત્રીઓની યાદીમાં ટોચ પર છે.
આ પણ વાંચો…જયા બચ્ચનના તોછડા વર્તન સામે હિંદુસ્તાની ભાઉ ભડ્ક્યો, પાપારાઝીને આપી સલાહ…



