કોરોના મહામારી પછી સિક્વલ ફિલ્મો બનાવવામાં કોણ સફળ? બોક્સઓફિસના આંકડા જાણો

મુંબઈ: વર્ષ 2020માં કોરોનાને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ મહામારીને કારણે મનોરંજન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો અને સિનેમાઘરો લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. પરિસ્થિતિ સામાન્ય થયા પછી પણ, ઘણા કલાકારોની ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ રહી. જોકે, કેટલાક કલાકારોએ સિક્વલ (Sequel) ફિલ્મો દ્વારા દર્શકોનો વિશ્વાસ ફરી જીત્યો છે. આમાં અજય દેવગણ અને અક્ષય કુમાર મુખ્ય છે. કોરોનાકાળ બાદ આ અભિનેતાઓનું પર્ફોમન્સ કેવું રહ્યું આવો જાણીએ.
છેલ્લા 5 વર્ષમાં કોણે કેટલી સિક્વલ બનાવી
અજય દેવગણનો સફળતા દર હંમેશાં મજબૂત રહ્યો છે. કોવિડ-19 પછી સમયાંતરે અજય દેવગણ પોતાની સિક્વલ ફિલ્મો લઈને થિયેટરમાં આવતો રહ્યો છે. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર હીટ પણ રહી છે. કોરોનાકાળ બાદ અજય દેવગણની 4 સિક્વલ ફિલ્મ રિલીઝ થઈ છે, જેમાં 2022માં આવેલી ‘દ્રશ્યમ 2’એ રૂ. 238.69 કરોડ, 2024માં આવેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’એ રૂ. 247.85 કરોડ અને 2025માં આવેલી ફિલ્મ ‘રેડ 2’એ રૂ. 173.05 કરોડની કમાણી કરી હતી.
જોકે, તાજેતરમાં આવેલી ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’એ માત્ર રૂ. 46.82 કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. આમ, અજય દેવગણની 4 સિક્વલ ફિલ્મ પૈકી માત્ર 3 ફિલ્મ જ બોક્સ ઓફિસ પર હિટ રહી છે. જોકે, 14 નવેમ્બરે અજય દેવગણની પાંચમી સિક્વલ ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ રિલીઝ થવાની છે.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanનો આ વીડિયો જોઈને જયા અને શ્વેતા તો…
સિક્વલ ફિલ્મો બનાવવામાં અજય દેવગણ બાદ અક્ષય કુમારનો નંબર આવે છે. કોરોનાકાળ બાદ અક્ષય કુમારે 4 સિક્વલ ફિલ્મો કરી છે. જોકે અક્ષય કુમારની સિક્વલ ફિલ્મો બોક્સઓફિસ પર 200 કરોડને પાર પહોંચી શકી નથી. 2023માં આવેલી ‘ઓહ માય ગોડ 2’ ફિલ્મે રૂ. 151.16 કરોડની કમાણી કરી હતી. જોકે એક વર્ષના વિરામ બાદ અક્ષય કુમાર 2025માં ત્રણ સિક્વલ ફિલ્મો લઈને આવ્યો હતો. જેમાં ‘હાઉસફુલ 5’ ફિલ્મે રૂ. 183.3 કરોડ, કેસરી 2 ફિલ્મે 92. 73 કરોડની કમાણી કરી હતી. ‘જોલી એલએલબી 3’ ફિલ્મે અત્યાર સુધીમાં 114.21 કરોડની કમાણી કરી છે. જોકે, હજુ પણ આ ફિલ્મ થિયેટર્સમાં ચાલી રહી છે.
સોલો હીટ ફિલ્મ આપવામાં અક્ષય કુમાર નિષ્ફળ
બંને સિનિયર અભિનેતાઓ બાદ ટાઇગર શ્રોફનો નંબર આવે છે. કોવિડ પછી ટાઇગર શ્રોફે પોતાની બે સિક્વલમાં કામ કર્યું હતું. જેમાં 2022માં આવેલી ફિલ્મ ‘હીરોપંતી 2’ અને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાઘી 4’નો સમાવેશ થાય છે. બંને ફિલ્મોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત આંકડાઓ પરથી એટલું જાણી શકાય છે કે, પાછલા ચાર વર્ષોમાં અક્ષય કુમાર સરખામણીમાં અજય દેવગણે વધારે સિક્વલ ફિલ્મો આપી છે. આ સિવાય અજય દેવગણે કેટલીક સોલો હીટ ફિલ્મો પણ આપી છે. પરંતુ અક્ષય કુમાર હજી સુધી એક પણ સોલો હીટ આપી શક્યા નથી.