ગુજરાત મૂળના બોલીવૂડના જાણીતા સંગીતકારની જાતીય શોષણના આરોપસર ધરપકડ…

મુંબઈ: બોલિવૂડનાં જાણીતા ગાયક અને મ્યુઝિક કમ્પોઝર સચિન સંઘવીની મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ સચિન પર એક મહિલાને સંગીત આલ્બમમાં કામ અપાવવા અને લગ્ન કરવાની લાલચ આપીને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. IPCની સંબંધિત કલમો હેઠળ ગઈ કાલે ગુરુવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. સચિનના વકીલે તમામ આરોપો નકારી દીધા છે.
નોંધનીય છે કે સચિન મૂળ ગુજરાતનો સંગીતકાર છે, તેનો જન્મ અમદાવાદમાં થયો હતો. કરિયરની શરૂઆતમાં તેને નવરાત્રી દરમિયાન ગરબા આયોજનમાં સંગીત આપવાનું અને ગાવાનું શરુ કર્યું હતું. ત્યાર બાદ મુંબઈમાં જીગર સાથે મળીને તેણે સફળતા મળેવી હતી.

યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ:
અહેવાલ મુજબ સચિને વર્ષે ફેબ્રુઆરી યુવતીનો સંપર્ક કર્યો હતો. સચિને ઇન્સ્ટાગ્રામ પર તેને મેસેજ મોકલ્યો હતો. સચિને યુવતીને તેના આગામી મ્યુઝિક આલ્બમમાં કામ આપવાનું વચન આપ્યું હતું, પછી બંનેએ ફોન નંબરોની આપ-લે કરી હતી. સચિને ફરિયાદી યુવતીને તેના મ્યુઝિક સ્ટુડિયો પર બોલાવી હતી. બાદમાં સચિને યુવતીને લગ્નનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. આરોપ મુજબ સચિને તેનું જાતીય શોષણ પણ કર્યું હતું.
સચિનના વકીલે આરોપો ફગાવ્યા:
સચિન સંઘવીના વકીલે ફરિયાદી યુવતીએ લગાવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. તેમણે સચિનની અટકાયત ગેરકાયદે ગણાવી. વકીલે જણાવ્યું, “મારા અસીલને તાત્કાલિક જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અમે બધા આરોપો સંપૂર્ણપાને નકારીએ છીએ.”
સચિનનું મૌન!
સચિને અત્યાર સુધી આ મામલે કોઈ ટીપ્પણી કરી નથી. તેમનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડી-એક્ટીવેટ કરવામાં આવ્યું છે. તેના સાથી કમ્પોઝર જીગરે પણ આ બાબતે કોઈ ટીપ્પણી કરી નથી.
સચિન-જીગરે આપ્યા છે અનેક હીટ ગીતો:
સચિન-જીગરે અત્યાર સુધીમાં 84 થી વધુ ફિલ્મો માટે મ્યુઝિક કમ્પોઝ કર્યું છે, આ ઉપરાંત ઘણા આલ્બમ અને સિગલ્સ માટે પણ મ્યુઝિક આપ્યું છે. સચિન ઘણા હીટ ગીતો પણ ગાયા છે.
સચિન-જીગરે તાજેતરમાં રિલીઝ થયેલી થમ્મા ફિલ્મ માટે સંગીત આપ્યું છે. ગયા વર્ષે રિલીઝ થયેલી સ્ત્રી-2 ફિલ્મ માટે પણ સચિન-જીગરે સંગીત આપ્યું હતું. આ ફિલ્મનું ગીત આજ કી રાત ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. કોક સ્ટુડિયો માટે સચિન-જીગરે કમ્પોઝ કરેલું “લાડકી” ગીત ઘરે ઘરે પહોંચ્યું હતું.
આ ઉપરાંત સચિન-જીગરે તાજેતરમાં “જીને લગા હું” (રમૈયા વસ્તાવૈયા), “સુન સાથિયા” (ABCD 2), “ચુનર” (ABCD 2), “અપના બના લે” (ભેડિયા), અને “માના કે હમ યાર નહીં” (મેરી પ્યારી બિનદુ) જેવા ચાર્ટબસ્ટર ગીતો કમ્પોઝ કર્યા છે.



