બોલીવુડના સ્ટાર્સ બાપ્પાના શરણેઃ જુઓ બાપ્પાના શરણે ગયેલા સિતારાઓની સુંદર તસવીરો

મુંબઈઃ હાલ બોલીવુડ સ્ટાર્સ પણ ગણેશોત્સવની ઉજવણીમાં વ્યસ્ત છે અને ખૂબ જ ઉત્સાહી છે. ઘણી ફિલ્મી હસ્તીઓએ તેમના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું છે, જ્યારે ઘણા સેલેબ્સે ‘લાલ બાગચા રાજા’ના દર્શન કર્યા છે. કેટલાક સ્ટાર્સે ગણપતિ દર્શન કરવા માટે અન્ય સેલિબ્રિટીઓના ઘરે મુલાકાત લીધી હતી. સલમાન ખાનથી લઈને જાહ્નવી કપૂર અને રકુલપ્રીત સિંહ સુધી બધા જ ગણપતિ બાપ્પાના શરણમાં જતા જોવા મળ્યા હતા. સલમાન ખાનની બહેન અર્પિતા ખાને પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. આખો ખાન પરિવાર તેની બહેનના ઘરે પહોંચ્યો અને બાપ્પાના આશીર્વાદ લીધા.

જાહ્નવી કપૂર પરમ સુંદરી અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લાલબાગચા રાજા અને મનીષ મલ્હોત્રાના ઘરે બાપ્પાના દર્શન કરવા ગઈ હતી. આ દરમિયાન તે લાલ રંગની સાડી, કપાળ પર બિંદી અને સોનેરી ઘરેણાં પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીએ વાળમાં ચોટલો બાંધ્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

અભિનેત્રી રકુલ પ્રીતસિંહ અને જેકી ભગનાનીના ઘરે પણ બાપ્પાની પધરામણી થઇ છે. અભિનેત્રીએ ગણેશ ચતુર્થીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ફ્લોરલ પ્રિન્ટેડ કફ્તાન પહેરીને, અભિનેત્રી ભગવાન ગણપતિ સાથે પોઝ આપતી જોવા મળી હતી.

જેકલીન ફર્નાન્ડીઝે પહેલી વાર પોતાના ઘરે ગણપતિ બાપ્પાનું સ્વાગત કર્યું છે. અભિનેત્રીએ પૂજાના ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ ફોટામાં તે લવંડર રંગની સાડી અને વાળમાં ગજરો પહેરીને પૂજા કરતી જોવા મળી રહી છે.

ભૂમિ પેડણેકરે પણ ગણેશ ચતુર્થીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી હતી. અભિનેત્રીના ઘરે પણ બાપ્પા બિરાજમાન છે. પૂજા દરમિયાન, અભિનેત્રી લીલી બનારસી સાડી,સોનેરી બ્લાઉઝ અને કમરબંધ પહેરીને ખૂબ જ સુંદર દેખાતી હતી.

જેનેલિયા દેશમુખ અને રિતેશ દેશમુખે પણ ભગવાન ગણેશના આશીર્વાદ લીધા. આ દંપતીએ તેમના બાળકો સાથે અર્પિતા ખાનના ઘરે ગણપતિ પૂજામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, તેઓ જેકી ભગનાનીના ઘરે પણ ગયા હતા.

હેમા માલિનીએ પણ પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી હતી. તેમણે પોતાની પુત્રી એશા દેઓલ સાથે પૂજા કરી હતી અને કેમેરા માટે પોઝ આપતી પણ જોવા મળી હતી.

છૂટાછેડાના સમાચાર વચ્ચે ગોવિંદા અને સુનિતા આહુજાએ ખૂબ જ ઉત્સાહથી ગણપતિબાપ્પાની પૂજા કરી હતી. આ દંપતી મરૂન કલરના ડ્રેસમાં જોવા મળ્યા હતા . આ દરમિયાન ગોવિંદા અને સુનિતાએ પેપ્સ અને મીડિયાને મીઠાઈ પણ વહેંચી હતી.

રાની મુખર્જીએ કરણ જોહર સાથે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લીધા હતા. પૂજા દરમિયાન બંનેનો એક સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ગણપતિ ઉજવણી પ્રસંગે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે સેલિબ્રિટીઝની ભીડ હતી. અભિનેત્રી કાજોલ અને પીઢ અભિનેત્રી રેખા બાપ્પાના આશીર્વાદ લેવા ડિઝાઇનરના ઘરે પહોંચી હતી.
આ ઉપરાંત, અદિતિ રાવ હૈદરી અને નુસરત ભરૂચા સહિત ઘણા અન્ય સ્ટાર્સે પણ મનીષ મલ્હોત્રાના ઘરે જઈને બાપ્પાના દર્શન કર્યા હતા.