સુપરહીટ મૈને પ્યાર કીયાની સુમન બનવાની હતી આ હીરોઈન, પણ હાઈટ નડી ગઈ ને…
દિલ દીવાના બિન સજના કે માને ના…જેવા એકથી એક ચડિયાતા સુપરહીટ ગીત અને સલમાન ખાન અને ભાગ્યશ્રીની રોમાન્ટિક જોડીને ચમકાવતી 1989ની ફિલ્મ મૈને પ્યાર કીયા આજે પણ જોવી ગમે તેવી છે. આ ફિલ્મ સાથે 90ના દાયકાના યુવાનીયાઓની ઘણી યાદો જોડાયેલી છે તો ભાગ્યશ્રી જેવા ડ્રેસિસ અને તેમની કેપ તે સમયે ખૂબ જ ટ્રેન્ડ થયા હતા અને હજુ પણ ઘણા પહેરે છે.
આ ફિલ્મ સલમાન ખાનને ખૂબ જ ફળી, પરંતુ કમનસીબે અભિનેત્રી ભાગ્યશ્રી આ ફિલ્મની સફળતાનો ફાયદો ઉઠાવી શકી નહીં. આ ફિલ્મ બાદ ભાગ્યશ્રીએ હિમાલય સાથે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા અથવા તો જાહેર કર્યા અને એક વિચત્ર શરત એવી રાખી કે તે પતિ સાથે જ ફિલ્મો કરશે. અમુક નિર્માતાએ એકાદ બે ફિલ્મો બનાવવાનું જોખમ ઉઠાવ્યું પણ સુપર ફ્લોપ સાબિત થઈ ત્યાર બાદ ભાગ્યશ્રી ખોવાઈ ગઈ. હવે તે થોડા સમય પહેલા ફરી એક્ટિવ થઈ છે.
જોકે તમને જાણીને નવાઈ લાગશે કે આ ફિલ્મમાં ભાગ્યશ્રીએ જે સુમનનો રોલ કર્યો હતો તે પહેલા અન્ય એક અભિનેત્રીને ઓફર થયો હતો. આ અભિનેત્રી હાલમાં તો કૉમેડિયન અને સાઈડ એક્ટ્રેસ તરીકે જાણીતી છે, પરંતુ જો તે સુમન બની હોત તો તેની કિસ્મત ચમકી ગઈ હોત.
આપણ વાંચો: Sikandar Teaser: ફિલ્મ સિકંદરનું ટીઝર રિલીઝ , સલમાન ખાન એક્શન સિનમાં જોવા મળ્યો
આ અભિનેત્રીનું નામ છે ઉપાસના સિંહ. જી હા, ઉપાસનાને રાજશ્રી પ્રોડક્શનના સુરજ બડજાત્યાએ આ ફિલ્મ માટે અનઓફિશિયલી સાઈન કરી લીધી હતી. ઉપાસના ઓડિશન માટે આવી હતી અને સુરજને તેનું કામ ગમ્યું હતું. તેણે બીજા દિવસે પિતા રાજ કુમાર બડજાત્યાને મળવા આવવા કહ્યું.
રાજકુમાર બડજાત્યાએ ઉપાસના સિંહને સુમનનો રોલ આપવા ઈનકાર કર્યો. આનું કારણ થોડા સમય પહેલા અભિનેત્રીએ જણાવ્યું. તેમણે કહ્યું કે તેઓ એટલા સારા હતા કે મને પ્રેમથી મળ્યા અને ત્યારે ન કહ્યું કે મને રિજેક્ટ કરી છે. મને પાછા મળીશું તેમ કહ્યું. ત્યારબાદ મને ખબર પડી કે તેમના મતે હું અભિનેતા સલમાન ખાન કરતા હાઈટમાં ઊંચી હતી આથી તેમને આ જોડી મનમાં બેસી નહીં.
આપણ વાંચો: આવી રહી ભાઈજાનની પ્રિ- બર્થ ડે પાર્ટીઃ સલમાન ખાન સાથે કોણે કાપી કેક?
ઘણા સમય પછી બડજાત્યાએ મૈં પ્રેમ કી દિવાની હું બનાવી હતી. તે સમયે ઉપાસનાને પણ તેમાં રોલ આપ્યો હતો ને સુરજ બડાજાત્યાએ આખી ટીમ સામે કહ્યું હતું કે તેમની સુમન સૌથી પહેલા તો ઉપાસના જ હતી, પછી ભાગ્યશ્રી બની હતી.
ખેર જેમ કહેવાય છે કે દાને દાને પે લીખા હૈ ખાનેવાલે કા નામ, તેમ ફિલ્મ ફિલ્મ પે લિખા હૈ હીરો-હીરોઈન કા નામ.