
મુંબઈ: ‘RRR’ અને ‘બાહુબલી’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોના મેકર એસએસ રાજામૌલીએ તાજેતરમાં પોતાની નવી ફિલ્મ ‘વારાણસી’ની જાહેરાત કરી છે. જેમાં મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા જોનાસ અને પૃથ્વીરાજ સુકુમારન જોવા મળશે. જોકે, આ ફિલ્મની લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન એસએસ રાજામૌલીએ ‘ભગવાન હનુમાનજી’ને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને રાજામૌલીની જોરદાર ટીકા થઈ રહી છે. પરંતુ હવે એસએસ રાજામૌલીના સમર્થનમાં એક ફિલ્મ મેકર આવ્યા છે. જેમણે રાજામૌલીના નિવેદનને લઈને એક મોટી વાત કરી છે.
બંધારણ નાસ્તિક હોવાનો પણ અધિકાર આપે છે
જાણીતા ફિલ્મમેકર્સ રામગોપાલ વર્મા એસએસ રાજામૌલીના સમર્થનમાં આવ્યા છે. રામગોપાલ વર્માએ એક્સ પર લખીને જણાવ્યું કે, “તથાકથિત શ્રદ્ધાળુઓ દ્વારા રાજામૌલી વિરૂદ્ધ આવી રીતે થઈ રહેલા દુષ્પ્રચારને લઈને એ જાણી લેવું જોઈએ કે, ભારતમાં નાસ્તિક હોવું કોઈ ગુનો નથી. બંધારણનો અનુચ્છેદ 25 કોઈ પ્રત્યે આસ્થા ન રાખવાનો અધિકાર પણ આપે છે. તેથી તેઓને એ કહેવાનો સંપૂર્ણ અધિકાર છે કે, તેઓ શ્રદ્ધા રાખતા નથી. જેટલો દુષ્પ્રચાર કરનારાઓને એ કહેવાનો અધિકાર છે કે, તેઓ શ્રદ્ધા રાખે છે.
રામગોપાલ વર્માએ તર્ક આપતા લખ્યું કે, “હવે એ તર્ક પર આવીએ કે, જો તેઓ ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા નથી, તો તેઓ પોતાની ફિલ્મોમાં ભગવાનને કેમ બતાવે છે? આ તર્કના આધારે વિચારીએ તો, શું એક ફિલ્મ મેકર્સે ગેંગ્સ્ટર ફિલ્મ બનાવવા માટે ગેંગસ્ટર બનવું જોઈએ અથવા હોરર ફિલ્મ બનાવવા માટે ભૂત બનવું જોઈએ?”
ભગવાન કોઈ નિર્બળ વ્યક્તિ નથી
રામગોપાલ વર્માએ આગળ લખ્યું કે, “ભગવાન તેમનામાં આસ્તિક કરતા નાસ્તિકને વધારે ચાહે છે. જ્યારે ભગવાનને કોઈ વાંધો નથી. તો, પછી આસ્તિકો પોતાનું બ્લડ પ્રેશર શા માટે વધારે છે. સાચી સમસ્યા રાજામૌલીનું નાસ્તિક હોવું નથી. તેઓ ભગવાન પર શ્રદ્ધા રાખ્યા વગર સફળ થઈ ગયા એ સાચી સમસ્યા છે. આ વાત એ લોકોને ડરાવે છે કે, જે લોકો ગાંડાની જેમ પ્રાર્થના કરવા છતાં પણ ખરાબ રીતે નિષ્ફળ થઈ ગયા છે. આસ્તિકોએ ભગવાનનો બચાવ કરવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે તે ભગવાનના અપમાન સમાન છે. ભગવાન કોઈ નિર્બળ વ્યક્તિ નથી, કે તેમને સુરક્ષાની જરૂર પડે. સાચી વાત તો એ છે કે, રાજામૌલીના નાસ્તિક હોવાથી ભગવાનનું કદ ઘટી જતું નથી.”
એસએસ રાજામૌલીનું વિવાદિત નિવેદન કેવું હતું
ઉલ્લેખનીય છે કે, રાજામૌલીએ વારાણસીના લોન્ચિંગ વખતે એવા સમયે ટિપ્પણી કરી હતી, જ્યારે શોમાં ટેકનિકલ મુશ્કેલીઓ આવતી હતી. તેમણે કહ્યું, “હું ભગવાનમાં બહુ માનતો નથી. મારા પિતાએ કહ્યું હતું કે ભગવાન હનુમાન મારી સમસ્યાઓનું નિરાકરણ લાવશે, પણ જ્યારે આ સમસ્યા ઊભી થઈ, ત્યારે મેં ગુસ્સામાં કહ્યું, “શું તે આ રીતે મદદ કરે છે?
એસએસ રાજામૌલીની આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ઘણા લોકોએ કહ્યું હતું કે તેનાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ટિપ્પણીને લઈને વાનર સેના સંગઠને સરૂરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…એસએસ રાજામૌલીની મુશ્કેલી વધી: હનુમાનજીની અંગેની ટિપ્પણીથી વિવાદ, નોંધાઈ ફરિયાદ…



