હીટ ફિલ્મ માટે વરૂણ ધવને આવતા વર્ષની જોવી પડશે રાહ, બેબી જ્હોન તો બીજા જ દિવસે પટકાઈ

એક સારો અભિનેતા હોવા છતાં વરૂણ ધવન સારી ફિલ્મ માટે તરસી રહ્યો છે. 2024માં નોંધ લેવાઈ તેવી એકપણ ફિલ્મ તે આપી શક્યો નથી. વરૂણનો અભિનય વખણાયો છે, પરંતુ ફિલ્મોને સારો રિસ્પોન્સ નથી મળ્યો અને સારી કમાણી પણ થઈ નથી.
વર્ષના અંતે આવેલી બેબી જ્હોન પણ આ ફ્લૉપ ફિલ્મોની કેટેગરીમાં આવી છે. ફિલ્મ પહેલા કે બીજા દિવસે કઈ નોંધપાત્ર કમાણી કરી શકી નથી. ક્રિસમસની રજાનો લાભ લઈને ફિલ્મ ગુરુવારે રીલિઝ કરવામાં આવી હતી, પણ બે દિવસમાં ખાસ કમાણી કરી શકી નથી. પહેલા દિવસે ફિલ્મે રૂ. 11.25 કરોડની કમાણી કરી હતી, પરંતુ બીજા દિવસે માંડ સાડા ચાર કરોડની કમાણી કરી શકી છે, તેમ મીડિયા અહેવાલો જણાવે છે.
આપણ વાંચો: આ ઘટનાએ વરૂણ ધવનને બદલી નાખ્યો, રામાયણ, મહાભારત વાંચવા માંડ્યો
કાલિસ દ્વારા દિગ્દર્શિત ‘બેબી જોન’ 2016માં રિલીઝ થયેલી થલપતિ વિજયની ‘થેરી’ની રિમેક છે. 75 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે 150 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું અને તે બ્લોકબસ્ટર બની હતી. વરૂણની ‘બેબી જોન’નું બજેટ 185 કરોડ રૂપિયા છે. આટલો મોટો આંકડો આબવો લગભગ અશક્ય જેવો છે એટલે નિર્માતાઓએ ઝાઝી અપેક્ષા રાખવી નહીં તેમ ફિલ્મી પંડિતો કહી રહ્યા છે.
પુષ્પા-2 ધ રૂલનું ફાયર પણ ઓછું થયું
ગુરુવારે બોક્સ ઓફિસ પર માત્ર ‘બેબી જોન’ જ નહીં પરંતુ મેગા બ્લોકબસ્ટર ‘પુષ્પા 2’ની કમાણીમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. 22 દિવસમાં પહેલીવાર અલ્લુ અર્જુનની ફિલ્મે 10 કરોડ રૂપિયાથી ઓછો બિઝનેસ કર્યો છે. ‘પુષ્પા 2’ એ 22માં દિવસે તમામ 5 ભાષાઓમાં 9.60 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે ભારતમાં ત્રણ સપ્તાહમાં ફિલ્મનું કુલ નેટ કલેક્શન હવે 1119.20 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.