પ્રભાસની ધ રાજા સાબના તૂફાન વચ્ચે પણ અવતાર: ફાયર એન્ડ એશનો દબદબો યથાવત્, જાણો કોણે કેટલી કમાણી કરી

જેમ્સ કેમેરોનની જાદુઈ દુનિયા ‘અવતાર’ ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ ‘અવતાર: ફાયર એન્ડ એશ’ ને રિલીઝ થયાને હવે 22 દિવસ વીતી ચૂક્યા છે. વિઝ્યુઅલ ટ્રીટ તરીકે ઓળખાતી આ ફિલ્મે વિશ્વભરના સિનેમાઘરોમાં તરખાટ મચાવ્યો છે. જોકે, દર્શકોના મતે ફિલ્મની વાર્તા પાછલા ભાગોની સરખામણીએ થોડી નબળી સાબિત થઈ છે, પરંતુ કમાણીના મામલે આ ફિલ્મે તમામ અપેક્ષાઓ પર ખરું ઉતરીને શાનદાર પ્રદર્શન કર્યું છે.
ભારતમાં આ ફિલ્મને સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘ધ રાજા સાબ’ સામે ટક્કર મળી હતી. પ્રભાસની ફિલ્મે બે દિવસમાં અંદાજે 62.9 કરોડની કમાણી કરીને 100 કરોડનો વર્લ્ડવાઈડ આંકડો પાર કરી લીધો છે. તેમ છતાં, ‘અવતાર 3’ ના કલેક્શન પર તેની ખાસ અસર પડી નથી. 22માં દિવસે પણ ફિલ્મે ભારતભરમાં 1.15 કરોડ રૂપિયા જેવી સરેરાશ કમાણી કરી છે. હાલમાં ભારતમાં આ ફિલ્મનું કુલ કલેક્શન 180.90 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
‘અવતાર: ફાયર એન્ડ એશ’ ની વાર્તા ‘ધ વે ઓફ વોટર’ થી આગળ વધે છે. ફિલ્મમાં જેક સુલી અને નેત્રી પોતાના પુત્ર નેટિયમને ગુમાવ્યા બાદ દુખમાં ડૂબેલા જોવા મળે છે. બીજી તરફ, કનૅલ માઈલ્સ ક્વાર્ટિઝ હજુ પણ સુલીને કેદ કરવાના મિશન પર છે. આ ફિલ્મે ‘નાવી’ અને આકાશવાસીઓ વચ્ચેના સંઘર્ષને વધુ ઊંડાણપૂર્વક રજૂ કર્યો છે. જોકે ટેકનિકલ રીતે ફિલ્મ અદભૂત છે, પણ પ્રેક્ષકોને વાર્તાના પ્રવાહમાં ક્યાંક ઉણપ વર્તાઈ રહી છે.
વિશ્વભરમાં આ ફિલ્મની લોકપ્રિયતા અકબંધ છે. 21 દિવસના અંતે ‘અવતાર 3’ એ 10150 કરોડ રૂપિયાથી વધુની અધધ કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. જેમાંથી વિદેશી માર્કેટમાં 7075 કરોડથી વધુનું કલેક્શન નોંધાયું છે. જેમ્સ કેમેરોનની કારકિર્દીની આ 18મી ફિલ્મ છે. આ સફળતા બાદ હવે પ્રેક્ષકો ‘અવતાર 4’ અને ‘અવતાર 5’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે અનુક્રમે 2029 અને 2031 માં રિલીઝ થવાની શક્યતા છે.



