અનુપમ ખેર અને કાજોલને મહારાષ્ટ્ર સરકારનો રાજ કપૂર ફિલ્મ પુરસ્કાર મળશે
કાજોલને રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ મળશે, જ્યારે અનુપમ ખેરને રાજ કપૂર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે ગુરુવારે જાહેરાત કરી કે ઉત્કૃષ્ટ અભિનેતા અનુપમ ખેર અને લોકપ્રિય અભિનેત્રી કાજોલ દેવગણને આ વર્ષના મહારાષ્ટ્ર સરકારના પ્રતિષ્ઠિત રાજ કપૂર ફિલ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, અનુપમ ખેરને રાજ કપૂર લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે કાજોલને રાજ કપૂર સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ મળશે. આ પુરસ્કારોમાં અનુક્રમે 10 લાખ રૂપિયા અને 6 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારો આપવામાં આવે છે.
પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મહેશ માંજરેકરને ચિત્રપતિ વી. શાંતારામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે, જેમાં 10 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિચિહ્ન અને રજત ચંદ્રકનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ઇન્ટનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં શોર્ટ ફિલ્મ ‘ઓધ’ને મળ્યો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર
અભિનેત્રી મુક્તા બર્વેને ચિત્રપતિ વી. શાંતારામ સ્પેશિયલ કોન્ટ્રીબ્યુશન એવોર્ડ આપવામાં આવશે, જેમાં 6 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિચિહ્ન અને રજત ચંદ્રક આપવામાં આવશે.
1993માં શરૂ કરાયેલ લતા મંગેશકર સંગીત પુરસ્કાર આ વર્ષે પીઢ મરાઠી ગઝલ ગાયક ભીમરાવ પંચાલેને એનાયત કરવામાં આવશે. આ સન્માનમાં 10 લાખ રૂપિયા રોકડા, સ્મૃતિચિહ્ન, પ્રશસ્તિપત્ર અને શાલનો સમાવેશ થાય છે.
‘આ પુરસ્કારો ભારતીય સિનેમા અને સંગીતને સમૃદ્ધ બનાવનારા કલાકારોના અપ્રતિમ યોગદાનને માન્યતા આપે છે. સરકાર માટે તેમના કાર્યની ઉજવણી કરવી એ સન્માનની વાત છે,’ એમ શેલારે મંત્રાલય ખાતે આયોજિત એક પત્રકાર પરિષદમાં પુરસ્કારોની જાહેરાત કરતા જણાવ્યું હતું.
આ પણ વાંચો: ફોનથી ફિલ્મ શૂટ કરનારા ડિરેક્ટરે ઓસ્કરમાં બનાવ્યો રેકોર્ડ, જાણો કેટલા જીત્યા એવોર્ડ્સ?
તેમણે ઉમેર્યું હતું કે પુરસ્કાર વિતરણ સમારોહ 25 એપ્રિલે અહીંના એનએસસીઆઈ ડોમ ખાતે યોજાશે. પુરસ્કાર સમારોહ ઉપરાંત સાંસ્કૃતિક બાબતોનો વિભાગ 20 એપ્રિલે ‘બંધારણ અમૃત મહોત્સવ’ અને બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે એક ખાસ સંગીતમય શ્રદ્ધાંજલિનું પણ આયોજન કરશે.