અનિલ કપૂર પર દુઃખનો પહાડ તૂટયો: 90 વર્ષની જૈફ વયે માતાનું નિધન

મુંબઈઃ બોલીવુડમાંથી એક દુખના સમાચાર જાણવા મળ્યા છે. અભિનેતા અનિલ કપૂરની માતાનું અવસાન થયું છે. માતાના મૃત્યુના સમાચાર બાદ સમગ્ર કપૂર પરિવાર શોકમાં છે. અનિલ કપૂરની માતા નિર્મલા કપૂર 90 વર્ષના હતા અને છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. આ પછી તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સાંજે 5.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અનિલ કપૂરની માતા આવતા સપ્ટેમ્બર મહિનામાં તેમનો 91મો જન્મદિવસ ઉજવવાના હતા, પરંતુ તે પહેલાં જ તેમની તબિયત બગડવા લાગી હતી. તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિર્મલા કપૂરે અહીં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. માતાના મૃત્યુથી આખો પરિવાર શોકમાં છે.
નજીકના પરિવારના સભ્યો પણ આ દુઃખની ઘડીમાં અભિનેતાના ઘરે તેમને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. એક તસવીરમાં અનિલ કપૂરના ઘરની બહાર વીર પહાડિયા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. બોની કપૂર અને તેમની પુત્રી અંશુલા કપૂર પણ ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા.
નિર્મલા કપૂર એક ભર્યોભાદર્યો પરિવાર છોડીને ગયા છે. તેમને 3 પુત્ર અનિલ કપૂર, બોની કપૂર અને સંજય કપૂર છે. ત્રણેય ઈન્ડસ્ટ્રીના મોટા નામ છે. નિર્મલા કપૂરનો મોટો દીકરો બોની કપૂર એક ફિલ્મ નિર્માતા છે. આ અગાઉ અનિલ કપૂરે 27 સપ્ટેમ્બરના સોશિયલ મીડિયા પર અનિલ કપૂરે માતાની તસવીર શેર હતી, જેમાં અનિલની સાથે સંજય અને બોની કપૂર હતા. પરિવારની તસવીરમાં અનિલ કપૂરની પત્ની સુનીતા તથા બોની કપૂરની દીકરી જાહન્વી અને સંજય કપૂરની દીકરી શનાયા પણ હતા.
આ સાથે, સંજય કપૂર પણ તેમના સમયના હીરો રહ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી તે બહુ ઓછી ફિલ્મોમાં જોવા મળ્યો છે. એવરગ્રીન અનિલ કપૂર પણ બોલિવૂડનો સુપરસ્ટાર છે અને તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ અગાઉ 14 વર્ષ પહેલા અનિલ કપૂરના પિતા સુરિંદર કપૂરનું નિધન થયું હતું.
આ પણ વાંચો: સુપરસ્ટારના સંતાનો કેટલું ભણેલા છે? રણબીર કપૂરથી લઈ સારા અલી ખાન વિશે જાણો એક ક્લિકમાં