મનોરંજનનું મેઘધનુષઃ અનન્યા પાંડે સતત ફ્લોપ જતી આ અભિનેત્રીને આગામી ફિલ્મનાં બોલ્ડ દૃશ્યો સફળતા અપાવશે?

ઉમેશ ત્રિવેદી
એકાદ-બે સફળ ફિલ્મોને બાદ કરતાં ચંકી પાંડે અને ભાવના પાંડેની પુત્રી અનન્યા પાંડેને હજી સુધી જોઈએ એવી સફળતા મળી નથી. હા, પણ એ એક અલગ વાત છે કે તેણે અવોર્ડ અનેક મેળવ્યા છે. તેમાં તેની પહેલી ફિલ્મ ‘સ્ટુન્ડટ્સ ઑફ ધ યર-ટુ’ માટે ‘બેસ્ટ ફીમેલ ડેબ્યૂ’નો 26મો સ્ક્રીન અવોર્ડ, ઝી-સિને અવોર્ડ, 21મો આઈફા અવોર્ડ સહિત અનેક અવોર્ડ મળ્યા છે.
નેપોટીઝમ-સગાવાદનું જીવતું જાગતું ઉદાહરણ છે. અનન્યા પાંડે અનેક વર્ષો સુધી હીરો અને ત્યાર પછી કોમેડિયન તરીકે અનેરી નામના ધરાવનારા ચંકી પાડેની આ પુત્રીને એક અભિનેત્રી તરીકે સ્થાપિત કરવાનું બીડું કરણ જોહરે ઉપાડ્યું હતું.
2019માં આવેલી ‘સ્ટુન્ડટ ઑફ ધ યર-ટુ’માં અનન્યાની સાથે ટાઈગર શ્રોફ, આદિત્ય સીલ અને તારા સુતરિયાની મુખ્ય ભૂમિકા હતી. એ ફિલ્મમાં અનન્યા પાંડેની ભૂમિકાના ખૂબ જ વખાણ થયા અને એક મુખ્ય અભિનેત્રી તરીકે તેની ગણના થવા લાગી.
આપણ વાચો: ફિલ્મફેર એવોર્ડમાં બાંધણી અને પટોળાના કોમ્બિનેશનથી અનન્યા પાંડે છવાઈ ગઈ
જોકે, આ ફિલ્મને બોક્સ ઓફિસ પર નબળો પ્રતિસાદ મળ્યો હતો. એ જ વર્ષે એટલે કે 2019માં જ તેની કાર્તિક આર્યન અને ભૂમિ પેડણેકર સાથે બીજી ફિલ્મ રજૂ થઈ ‘પતિ-પત્ની ઔર વોહ’. કાર્તિક આર્યન હોવા છતાં આ ફિલ્મ સુપર ફ્લોપ સાબિત થઈ હતી.
જોકે, આ બે ફિલ્મની અસફળતાથી જરાય ડગમગ્યા વગર અનન્યા આગળ જ વધતી ગઈ. ત્યાર પછી પણ તેનાં માથેથી ફ્લોપ અભિનેત્રીનું લેબલ હટ્યું નહોતું. 2020માં ઈશાન ખટ્ટર સાથેની ‘ખાલીપીલી’, 2022માં દીપિકા પદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કારવા સાથેની ‘ગહરાઈયાં’ અને 2022માં જ વિજય દેવરકોંડા સાથેની ‘લાઈગર’, વગેરે પણ બોકસ ઓફિસ પર ધબાય નમ: થઈ. 2022માં તેને ફિલ્મમાં નિષ્ફળતા મળી, પણ આખું વર્ષ તેનું નામ ગાજતું રહ્યું.
‘ગહરાઈયા’ ફિલ્મમાં અનન્યા પાંડેએ દિપીકા પદુકોણ સાથે કોણ વધુ ટૂંકા અને દેહપ્રદર્શન કરે એવાં કપડાં પહેરેની સ્પર્ધા કરી હતી. આ જ ફિલ્મનાં બોલ્ડ દ્રશ્યોએ અનન્યા પાંડેનું નામ ગાજતું રાખ્યું હતું. પછી આવી વિજય દેવરકોંડા સાથેની ‘લાઈગર’. આ ફિલ્મ વખતે અનન્યાનું નામ વિજય દેવરકોંડા સાથે સાંકળવામાં આવ્યું હતું. તેમનાં પ્રેમપ્રકરણ વાતો ખૂબ ચગી હતી, પણ તેનાં કારણે ય ફિલ્મ ચાલી નહોતી.
2023માં ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’ અનન્યા માત્ર એક ગીતમાં દેખાઈ હતી. પછી આયુષ્યમાન ખુરાના સાથેની ‘ડ્રીમગર્લ-ટુ’ આવી. જે થોડી ઘણી સફળ થઈ હતી.
ત્યાર પછી તેની સિદ્ધાંત ચતુર્વેદી સાથેની ફિલ્મ આવી ‘ખો ગયે હમ કહાં’ જે સીધી ‘નેટફિલક્સ’ પર રજૂ થઈ હતી. 2024માં તેની એક જ ફિલ્મ ‘કન્ટ્રલો’ રજૂ થઈ જે સીધી જ ઓટીટી પર રજૂ થઈ હતી. 2025માં તેની અક્ષયકુમાર અને આર. માધવન સાથેની ‘કેસરી ચેપ્ટર-ટુ’ રજૂ થઈ હતી. આ ફિલ્મમાં તેની સુંદરતાના અને અભિનયના ખૂબ જ વખાણ થયા હતા.
આપણ વાચો: આર્યન ખાનની ફિલ્મની પ્રીમિયર પર અનન્યા પાંડેએ આ શું કર્યું? વીડિયો થયો વાઈરલ…
આગામી દિવસોમાં હવે તેની કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ રજૂ થવાની છે. આ ફિલ્મનો નિર્માતા પણ કરણ જોહર જ છે. યોગાનુયુગ, અનન્યાની અત્યાર સુધીની મોટાભાગની ફિલ્મોનો નિર્માતા કરણ જોહર જ રહ્યો છે. સતત ફલોપ જતી અનન્યાની અભિનય ગાડી પાટે ચડાવવા તે સતત પ્રયત્ન કરતો જ રહે છે.
કાર્તિક આર્યનની આ ફિલ્મનું નામ ખૂબ જ વિચિત્ર છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ટૂંકુ નામ ‘ડીડીએલજે’ હતું અને તે પણ લોકોના હોઠે ચડી ગયું હતું, જ્યારે અનન્યા પાંડેની કાર્તિક સાથેની આ ફિલ્મનું ટૂંકુ નામ બોલતાં પણ જીભના લોચા વળી જાય છે.
ક્રિસમસના દિવસે જ એટલે કે 25 ડિસેમ્બરના રજૂ થનારી આ ફિલ્મનું ટૂંકુ નામ ‘ટીએમએમટી ટીટીએમ (તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી) બોલવામાં પણ અટપટું લાગે છે. સફળ હીરો કાર્તિક આર્યન સાથેની અનન્યા પાંડેની પહેલી ફિલ્મ ‘પતિ-પત્ની ઔર વોહ’ તો ફ્લોપ સાબિત થઈ હતી, પણ સતત સફળ ફિલ્મો આપનારા કાર્તિક આર્યનની સથવારે અનન્યા પાંડેને પણ સફળતા મળે એવી શક્યતા છે.
એક આડ વાત… આ ફિલ્મમાં અનન્યા દેશપાંડેએ કદાચ અત્યાર સુધીની ફિલ્મોમાં ન આવી હોય એટલી બોલ્ડ બિકની પહેરી છે, જે કદાચ તેનાં માટે સફળતાના તાળાની ચાવી બની શકે. બાય ધ વે, અનન્યા પાંડેના કાકાનો દીકરો અહાન પાંડે તેની પહેલી જ ફિલ્મ ‘સૈયારા’થી સુપરસ્ટાર બની ગયો છે ત્યારે આશા રાખીએ કે હવે તો અનન્યાને પણ અનન્ય સફળતા મળે.
OTTનું હોટસ્પોટ
20 થી 26 ડિસેમ્બર દરમિયાન શું નવું જોવા મળશે?
કપિલ શર્મા ફિલ્મોમાં તો ફ્લોપ સાબિત થયો છે, પણ પોતાના કોમેડી શોમાં તે છવાઈ જાય છે. હાલમાં જ તેની ‘કિસ કિસ કો પ્યાર કષલં-ટુ’ રિલીઝ થઈ છે, જે ‘ધૂરંધર’ની આંધીમાં સાવ ઊડી ગઈ છે. ‘નેટફિલક્સ’ પર 20 ડિસેમ્બરથી ‘ધ ગ્રેટ ઈન્ડીયન કપિલ શો’ની ચોથી સીઝન શરૂ થઈ રહી છે. શનિ-રવિ રજૂ થનારા આ કાર્યક્રમમાં તે ફરી એકવાર છવાઈ જવા માટે તત્પર છે. એમાં રાબેતા મુજબ નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પુરણસિંહનો ‘ડબલ ડોઝ’ તો છે જ.
જિયો હોટસ્ટાર પર આજે એટલે કે 19 ડિસેમ્બરે સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘મિસેસ દેશપાંડે’ રજૂ થશે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માધુરી દીક્ષિતે ભજવી છે.
ઝી ફાઈવ પર આજે મલયાલમ સસ્પેન્સ કોમેડી અને થ્રીલર ફિલ્મ ‘ડોમિનીક એન્ડ ધ લેડીઝ પર્સ’ નામની ફિલ્મ જોઈ શકાશે.
આ ઉપરાંત ‘નેટફિલક્સ’ પર યશ ચોપરાની ફિલ્મોનો જે ફેસ્ટિવલ ચાલી રહ્યો છે તેમાં યશરાજ બેનર્સની કેટલીક સફળ અને કેટલીક નિષ્ફળ ફિલ્મો ઘરબેઠાં જોઈ શકાશે. તેમાં 20 ડિસેમ્બરે ‘નીલ એન્ડ નિક્કી’, ‘પ્યાર ઈમ્પોસિબલ’, 21ના રોજ઼ ‘લવ કા ધી એન્ડ’, ‘મુઝસે ફ્રેન્ડશીપ કરોગે’, 22મીએ ‘આજા નચ લે’ અને ‘લફંગે-પરિન્દે’ 23મીએ ‘લાગા ચૂનરીમેં દાગ’,
24મીએ ‘બદમાશ કંપની’ અને ‘રોકેટ સિંહ: સેલ્સમેન ઓફ ધ યર’, 25મીએ ‘બંટી ઔર બબલી’, ‘તારા રમ પમ’ અને 26 ડિસેમ્બરે ‘દિલ બોલે હડિપ્પા’ અને ‘થોડા પ્યાર થોડી મેજીક’ જોઈ શકાશે. 26 ડિસેમ્બરે આ જ ચેનલ પર હુમા કુરેશી, શ્રેયસ તળપદે અને સની સિંહ અભિજીત કોમેડી ફિલ્મ ‘સિંગલ સલમા’ પણ જોવા મળશે.



