અમાલ મલિક ‘બીગ બોસ 19’નું ઘર છોડશે? શા માટે વહેતી થઈ આ અટકળ…

મુંબઈ: બિગ બોસની 19મી સીઝન સારી રીતે આગળ વધી રહી છે. દરેક સ્પર્ધકો સારી રીતે રમી રહ્યા છે. એવામાં આ શોના એક સ્પર્ધકને લઈને એક અટકળ વહેતી થઈ છે. બિગ બોસ 19ના સૌથી મજબૂત સ્પર્ધકોમાં પૈકી એક એવા અમાલ મલિક ઘરમાંથી બહાર થશે. આ અટકળ શા માટે વહેતી થઈ છે, આવો જાણીએ.
પિતાની સોશિયલ મીડિયા પોસ્ટથી વહેતી થઈ અટકળ
મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, ગાયક અમાલ મલિક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે શો અધવચ્ચે જ છોડી શકે છે. આ અટકળો વચ્ચે તેના પિતા ડબ્બુ મલિકની એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ છે, જેનાથી અમાલના ઘરે પાછા ફરવાની અટકળો વધારે મજબૂત બની રહી છે.
ડબ્બુ મલિકે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “બસ થઈ ગયું… હવે બસ… ચાલો 28 ઓક્ટોબરે મળીએ… સંગીત આપણું વાસ્તવિક ભાગ્ય છે.” ડબ્બુ મલિકની આ પોસ્ટને લઈને ‘બીબી ઇનસાઇડર એચક્યુ’ નામના એક ફેન એકાઉન્ટ પરથી દાવો કરવામાં આવ્યો છે કે, અમાલ શોના અંતિમ તબક્કા પહેલા જ બહાર નીકળી જશે.
28 ઓક્ટોબરે શું થવાનું છે
તાજેતરમાં અમાલ મલિકના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં તેના નવા મ્યુઝિક આલ્બમ “ક્યૂં મુઝસે દૂર થા”ની લોન્ચિંગ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, “ક્યૂં મુઝસે દૂર થા” આલ્બમ 28 ઓક્ટોબરે રિલીઝ થશે.
આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, અમાલિઅન્સ અમારી પાસે તમારા માટે કંઈક છે. અમને ખબર છે કે તમે ઘણા સમયથી મારા સંગીતની રાહ જોઈ રહ્યા છો અને આખરે તે ક્ષણ આવી ગઈ છે! તમારા માટે
એક ખાસ ભેટ છે.
જોકે, અમાલ ખરેખર શો છોડી રહ્યો છે કે કેમ, તે હજુ રહસ્ય છે. કારણ કે આ અંગે અમાલ મલિક અથવા ચેનલ કે શો તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, અમાલ મલિકના ફેન્સ તેને ‘બિગ બોસ 19’ના વિજેતા તરીકે જોવા માંગે છે.
આ પણ વાંચો…અરમાન મલિક જ નહીં આ અભિનેતાએ પણ ડિવોર્સ લીધા વિના રાખી છે બે પત્ની



