અક્ષય ખન્નાને ‘દ્રશ્યમ 3’ના પ્રોડ્યુસરે મોકલી લિગલ નોટિસ, જાણો શું છે મામલો…

અજય દેવગનની સુપરહિટ ફ્રેન્ચાઈઝી ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ફિલ્મ શરૂ થાય તે પહેલા જ વિવાદોના વંટોળમાં ફસાઈ છે. ફિલ્મના નિર્માતા કુમાર મંગત પાઠકે અભિનેતા અક્ષય ખન્ના સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અક્ષય પર ગેરજવાબદાર વર્તણૂકનો આક્ષેપ મૂકતા પ્રોડ્યુસરે સ્પષ્ટ કર્યું છે કે હવે તે આ ફિલ્મનો ભાગ નથી. આ અચાનક થયેલા ફેરફારને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક ચર્ચાઓ જાગી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અક્ષય ખન્નાએ શૂટિંગના માત્ર દસ દિવસ પહેલા જ પ્રોજેક્ટ છોડી દીધો હતો. વિવાદનું મુખ્ય કારણ અક્ષયની ‘વિગ’ પહેરવાની જીદ હતી. ડિરેક્ટર અભિષેક પાઠકે તેમને સમજાવ્યા હતા કે ‘દ્રશ્યમ 3’ એ સીક્વલ હોવાથી પાત્રની સાતત્યતા જાળવવી જરૂરી છે, તેથી વિગ પહેરવી પ્રેક્ટિકલ નથી. શરૂઆતમાં સંમત થયા બાદ, અક્ષયે પોતાના નજીકના લોકોની સલાહ માનીને ફરી વિગ પહેરવાની માંગ કરી અને અંતે ફિલ્મમાંથી પીછેહઠ કરી લીધી.
એક ઇન્ટરવ્યુમાં પ્રોડ્યુસરે અક્ષયના કરિયર અને તેના સ્વભાવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારે અક્ષય પાસે કામ નહોતું ત્યારે મેં તેને ‘સેક્શન 375’ અને ‘દ્રશ્યમ 2’ જેવી ફિલ્મો આપી હતી, પરંતુ હાલની સફળતા તેના માથા પર ચડી ગઈ છે. સેટ પર તેના ‘ટોક્સિક’ વર્તનને કારણે થતા આર્થિક નુકસાન માટે પ્રોડ્યુસરે તેને લીગલ નોટિસ પણ ફટકારી છે. કુમાર મંગતે ઉમેર્યું કે અક્ષય પોતાને સુપરસ્ટાર માને છે પરંતુ તેણે સમજવું જોઈએ કે ફિલ્મની સફળતામાં ઘણા પરિબળો કામ કરે છે.
અક્ષય ખન્નાના બહાર નીકળ્યા બાદ હવે ટેલેન્ટેડ એક્ટર જયદીપ અહલાવતની સત્તાવાર એન્ટ્રી થઈ છે. પ્રોડ્યુસરે કટાક્ષમાં જણાવ્યું કે તેને અક્ષય કરતા પણ વધુ સારા અભિનેતા અને વધુ સારા માણસ મળી ગયા છે. ‘દ્રશ્યમ’ એક મોટું બ્રાન્ડ નામ છે, એટલે કોઈ એક એક્ટરના જવાથી ફિલ્મ પર અસર નહીં પડે. ફિલ્મની રિલીઝની વાત કરીએ તો, ‘દ્રશ્યમ 3’ ગાંધી જયંતીના અવસરે એટલે કે 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.
આ પણ વાંચો…આ તારીખે સિનેમાઘરોમાં દસ્તક આપશે દ્રશ્યમ 3, નિર્માતાઓ સત્તાવાર રીતે કરી જાહેરાત…



