સ્કાયડાઇવિંગમાં પેરાશૂટ ન ખૂલ્યું: અજય દેવગણને આંખ સામે દેખાયું હતું મોત…

મુંબઈ: એક સ્ટંટમેનના દીકરાએ પોતાની મહેનતના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્થાન જમાવ્યું છે. આ સ્ટંટમેનનો દીકરો બીજો કોઈ નહીં પરંતુ અજય દેવગણ છે. અજય દેવગણે પોતાની ફિલ્મોમાં આઇકોનિક અને હાઇ-રિસ્ક સ્ટન્ટ્સ કરવા માટે જાણીતો છે. જોકે, એક વખતે અજય દેવગણને પણ હાઇ-રિસ્ક સ્ટન્ટ્સ દરમિયાન મોતના દર્શન થયા હતા.
અજય દેવગણને સ્કાયડાઇવિંગનો ડરામણો અનુભવ
તાજેતરમાં અજય દેવગણની ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અજય દેવગણે પોતાના જીવનનો એક ડરામણો અનુભવ જણાવ્યો હતો. અજય દેવગણે એક વ્યક્તિને પોતાની આંખ સામે મરતા જોયો હતો.
ફિલ્મી મીડિયા સાથેના ઇન્ટરવ્યુમાં અજય દેવગણે જણાવ્યું કે, અમેરિકામાં સ્કાયડાઇવિંગની ટ્રેનિંગ દરમિયાનના મને એક જીવલેણ અનુભવ થયો હતો. સ્કાયજડાઇવિંગમાં હું જેવો ઉતર્યો કે મેં કોઈ વ્યક્તિને નીચે પડતા જોયો હતો. કારણ કે તેનું પેરાશૂટ ખુલ્યું ન હતું, તે મારી સામે જ મૃત્યુ પામ્યો હતો. હું તેની આગળ હતો.”
અજય દેવગણે વિમાનમાંથી કૂદકો માર્યો
આ ઇન્ટરવ્યુમાં આર. માધવન પણ અજય દેવગણ સાથે હતો. આર. માધવને પણ અજયની નિડરતાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે, “એક વખત અજય દેવગણ કોઈ પણ પ્રેક્ટિસ વિના સ્કાયડાઇવિંગના સીન માટે વિમાનમાંથી કૂદી પડ્યો હતો.” અજય દેવગણે વધુમાં જણાવ્યું કે, હોલિવૂડ અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો સાથે પણ આવું જ કંઈક બન્યું હતું, પરંતુ તેના ટ્રેનરે તેને બચાવી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, અજય દેવગણે તેની પહેલી ફિલ્મ “ફૂલ ઔર કાંટે”માં બે બાઇક પર સવાર થઈને આઇકોનિક એન્ટ્રી કરી હતી. તેના પિતા, એક્શન ડિરેક્ટર વીરુ દેવગણના પગલે ચાલીને અજય દેવગણ પણ હંમેશા જોખમી સ્ટંટ કરતો રહ્યો છે.



