રણવીરની ‘ધુરંધર’ સામે અગસ્ત્ય નંદાની ‘ઈક્કીસે’ જમાવ્યો સિક્કો, જાણો કેટલી કમાણી કરી…

મુંબઈ: ભારતીય સિનેમામાં હાલ બે અલગ અલગ વિષયોની ફિલ્મો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, જેની સામે આવવું કોઈ પણ નવી ફિલ્મ માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતું. પરંતુ ધુરંધરની કમાલ વચ્ચે પણ એક નવા અભિનેતાએ પોતાની શાનદાર એન્ટ્રી કરી છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ‘ઇક્કીસ’ ગત શુક્રવારે રિલીઝ થઈ છે અને ‘ધુરંધર’ના પ્રભાવ વચ્ચે પણ આ ફિલ્મે દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળતા મેળવી છે.
વર્ષ 2026ના પ્રથમ દિવસે રિલીઝ થયેલી ‘ઇક્કીસ’ માટે બોક્સ ઓફિસ પર પોતાની જગ્યા બનાવવી શક્ય નહોતી, કારણ કે તેની સામે ‘ધુરંધર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ પહેલેથી મેદાનમાં હતી. ટ્રેડ એક્સપર્ટ્સને ડર હતો કે આ મોટી ફિલ્મ સામે અગસ્ત્યની ફિલ્મ કદાચ ટકી નહીં શકે, પરંતુ પરિણામ આશ્ચર્યજનક રહ્યા છે. ફિલ્મે પહેલા દિવસે 7.28 કરોડની મજબૂત ઓપનિંગ કરી હતી. શુક્રવારે વર્કિંગ-ડે હોવાને કારણે કમાણીમાં થોડો ઘટાડો થયો અને આંકડો 3.5 કરોડ રહ્યો, પરંતુ શનિવારે ફરી ઉછાળો જોવા મળ્યો હતો. રવિવારના ટ્રેડ મુજબ ફિલ્મે ચોથા દિવસે આશરે 5 કરોડનું કલેક્શન કર્યું છે, જેની સાથે પ્રથમ વીકેન્ડનું કુલ નેટ કલેક્શન 20 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે.

‘ઇક્કીસ’ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના શહીદ અને પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલના જીવન પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા અગસ્ત્ય નંદાએ બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મની ખાસ વાત એ પણ છે કે ગત નવેમ્બરમાં દુનિયાને અલવિદા કહી ગયેલા લેજન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર આ ફિલ્મમાં છેલ્લીવાર મોટા પડદે જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં જયદીપ અહલાવત પાકિસ્તાની બ્રિગેડિયરની ભૂમિકામાં છે. યુદ્ધની આસપાસ વણાયેલી આ વાર્તામાં દુશ્મન દેશના બ્રિગેડિયર અને અરુણના પિતા (ધર્મેન્દ્ર) વચ્ચેની મુલાકાતને ખૂબ જ ભાવુક રીતે દર્શાવવામાં આવી છે, જે અંતે શાંતિનો સંદેશ આપે છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ધુરંધર અને ઈક્કીસ બંને ભારત પાકિસ્તાનના સંબંધો પર આધારિત હોવા છતા બંને ફિલ્મના અંદાજ અલગ અલગ છે. ‘ધુરંધર’ વર્ષ 2000 પછીના આતંકવાદી હુમલાઓ અને આધુનિક પ્રોક્સી વોર પર આધારિત બિગ બજેટ ફિલ્મ છે, જેમાં એક ગુપ્તચર એજન્ટની સાહસકથા છે. બીજી તરફ, ‘ઇક્કીસ’ એ 1971ના રિયલ વોરની વાર્તા છે, જે યુદ્ધમાં શહીદ થનારા જવાનો અને તેમના પરિવારોની લાગણીઓ પર ભાર મૂકે છે. ‘ધુરંધર’માં આક્રમકતા છે, જ્યારે ‘ઇક્કીસ’ પ્રેક્ષકોને વિચારવા પર મજબૂર કરે તેવી સંવેદનશીલ ફિલ્મ છે.
આ પણ વાંચો…અમિતાભ બચ્ચને કોના માટે કહ્યું કે હું એક ક્ષણ માટે પણ એના પરથી નજર હટાવી શક્યો નહીં…પોસ્ટ થઈ વાઈરલ
મર્યાદિત સ્ક્રીન્સ અને એવરેજ બજેટમાં બનેલી ‘ઇક્કીસ’ જે રીતે રણવીર સિંહની હાઈ-વોલ્ટેજ ફિલ્મ સામે ટકી રહી છે, તે દર્શાવે છે કે પ્રેક્ષકો હવે સારા કન્ટેન્ટને વધાવી રહ્યા છે. એક તરફ ‘ધુરંધર’ની ધમાલ છે અને બીજી તરફ ‘ઇક્કીસ’ની ઈમોશનલ સ્ટોરીટેલિંગ છે. આ બંને અલગ અલગ અંદાજની ફિલ્મોને બોક્સ ઓફિસ પર જે રીતે આવકાર મળી રહ્યો છે, તે ભારતીય સિનેમા માટે એક સકારાત્મક સંકેત છે. એક જ ટોપિક સાથે જોડાયેલી હોવા છતાં અલગ અંદાજ ધરાવતી આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી છે.



