અગસ્ત્ય ‘ઇન’, વરૂણ ‘આઉટ’! બોલીવુડમાં હવે નેપોકિડ્સ આમને સામને થયા

‘ધ આર્ચીઝ’માં લોકો કામ જુએ, વખાણે તેની પહેલા તો બીગબી અમિતાભ બચ્ચના દોહિત્ર અગસ્ત્ય નંદાને તરત જ બીજી ફિલ્મ મળી પણ ગઇ છે. નવાઇની વાત એ છે કે તેણે વરુણ ધવનનો રોલ પડાવી લીધો છે.
શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઇક્કીસ’ જે તેઓ પહેલા વરૂણ ધવન સાથે કરવાના હતા, તેમાં હવે વરૂણ ધવનને પડતો મુકીને તેમણે અગસ્ત્ય નંદાને મુખ્ય રોલમાં લીધો છે. અગત્સ્ય આ ફિલ્મમાં પરમવીર ચક્ર મેળવનાર આર્મી ઓફિસર અરુણ ખેતપાલની ભૂમિકા ભજવવાનો છે. જેણે ભારતીય આર્મીનો ભાગ બનીને ઇન્ડો-પાકના 1971ના યુદ્ધમાં વીરગતિ મેળવી હતી.
આ ઉપરાંત અગસ્ત્ય નંદાના પિતાના રોલમાં ધર્મેન્દ્ર જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૪ની જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર અગસ્ત્યએ શ્રીરામ રાઘવન સાથે એકટિંગની ઘણી વર્કશોપ્સ કરી છે. આ ઉપરાંત અભિનેતા વિશેષ એકટિંગ કેચ પાસે પણ તાલીમ લઇ રહ્યો છે. જેથી તે અરુણ ખેતપાલના હાવભાવમાં ઢળી શકે.
પહેલા એવા સમાચાર હતા કે, ફિલ્મ બદલાપુર પછી શ્રીરામ રાઘવન અને વરુણ ધવન ફિલ્મ ઇક્કીસમાં સાથે કામ કરશે.
જેમાં વરુણ ધવન અરુણ ખેતપાલની ભૂમિકા ભજવશે. પરંતુ હવે અગસ્ત્યને રિપ્લેસ કરવામાં આવ્યો છે. શ્રીરામને પાછળથી લાગ્યુ હતું કે, આ એક યુવાન આર્મી ઓફિસરનો રોલ હોવાથી અગસ્ત્ય નંદા વધુ યોગ્ય અભિનેતા છે. મહિનાઓની મહેનત પછી શ્રીરામ અને અગસ્ત્ય શૂટિંગ શરૂ કરશે.