ડંકી બાદ હવે શાહરૂખ વિશાલ ભારદ્વાજની ફિલ્મમાં? જાણો દિગ્દર્શકે ઇન્ટરવ્યુમાં શું કહ્યું..

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન લાગલગાટ 3 ફિલ્મોની સફળતાને પગલે હાલ સુપરસ્ટારડમ ભોગવી રહ્યા છે. બાદશાહ ખાન તેમની કારકિર્દીના એવા શિખર પર છે, જ્યાં પહોંચવાનું સાહસ સ્વપ્નમાં જ કોઇ અભિનેતા કરી શકે. વર્ષ 2023માં બોલીવુડમાં જેટલી નાણાની કોથળો ઠલવાઇ, એમાંથી અડધોઅડધ કિંગ ખાનના પ્રતાપે ઠલવાઇ હતી.
‘ડંકી’ સાથે શાહરૂખે 2023નું ધમાકેદાર સમાપન કરી દીધું, શાહરૂખના ફેન્સ હવે મીટ માંડીને બેઠા છે કે નવા વર્ષે બાદશાહ ખાનની કઇ ફિલ્મ આવીને બોક્સઓફિસ પર ધૂમ મચાવશે. એવામાં એક માહિતી સામે આવી છે જે શાહરૂખના ચાહકોને ખુશખુશાલ કરી મૂકશે.
મીડિયા અહેવાલોનું સાચું માનીએ તો શાહરૂખ ખાન અને વિશાલ ભારદ્વાજ વચ્ચે એક થ્રિલર ફિલ્મ માટે વાતચીત ચાલી રહી છે. વિશાલ ભારદ્વાજે બોલીવુડને ઘણી આઇકોનિક ફિલ્મો આપી છે, ‘મકબૂલ’, ‘ઓમકારા’, ‘હૈદર’ જેવી ફિલ્મોને પગલે વિશાલ ભારદ્વાજે ભારતીય સિનેમાને એક નવી દિશા આપી છે, અને હવે ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા થઇ રહી છે કે તેઓ તેમના આગામી પ્રોજેક્ટ માટે શાહરૂખનું નામ વિચારી રહ્યા છે.
વિશાલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “શાહરૂખ હંમેશા એવું કહેતો હોય છે કે તેણે અને મારે સાથે કામ કરવું જોઇએ.” વર્ષો પહેલા ચેતન ભગતની ‘ટુ સ્ટેટ્સ’ પરથી ફિલ્મ બનાવવાનું હું આયોજન કરી રહ્યો હતો તેમાં શાહરૂખને લેવાનું પણ વિચાર્યું હતું, જો કે મારી અને શાહરૂખ વચ્ચે વૈચારિક મતભેદોને કારણે તે શક્ય ન બન્યું.” ઉલ્લેખનીય છે કે બાદમાં ડિરેક્ટર અભિષેક વર્મને અર્જુન કપૂર અને આલિયા ભટ્ટને લઇને એ જ શીર્ષક ધરાવતી ફિલ્મ બનાવી હતી જે બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી.