સિદ્ધાર્થ-જ્હાનવીની ‘પરમ સુંદરી’ રિલીઝ માટે તૈયાર, એડવાન્સ બુકિંગમાં મચાવી ધૂમ

મુંબઈ: બોલિવૂડના ચાહકો સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાનવી કપૂરની રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પરમ સુંદરી’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 29 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના ટીઝર, ટ્રેલર અને ગીતોએ પહેલેથી જ દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે. આ સાથે, 26 ઓગસ્ટથી શરૂ થયેલી એડવાન્સ બુકિંગે પણ ફિલ્મની લોકપ્રિયતાને દર્શાવી છે.
‘પરમ સુંદરી’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને જ્હાનવી કપૂરની જોડી દર્શકોને આકર્ષી રહી છે. તુષાર જલોટાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં શાનદાર શરૂઆત કરી છે. રિપોર્ટ અનુસાર, 27 ઓગસ્ટની રાત સુધીમાં ફિલ્મે પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસ જેવી મોટા થિયેટરમાં 12,000થી વધુ ટિકિટ વેચાઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે શુક્રવાર સુધી આ આંકડો 40,000 સુધી પહોંચી શકે છે, જે ફિલ્મના સારા પ્રદર્શનના સંકેત આપે છે.
‘પરમ સુંદરી’ની વાર્તા બે અલગ-અલગ રાજ્યોના યુવાનોની છે, જેઓ અનપેક્ષિત સંજોગોમાં મળે છે. આ રોમેન્ટિક ડ્રામાની શરૂઆત બોક્સ ઓફિસ પર શાનદાર રહેવાની આશા છે. વિશ્લેષકોના અંદાજ મુજબ, ફિલ્મ પહેલા દિવસે 7થી 8 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. ફિલ્મની આકર્ષક વાર્તા અને જ્હાનવી-સિદ્ધાર્થની ફ્રેશ કેમેસ્ટ્રી વિશાળ દર્શકવર્ગને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે.
ફિલ્મની લાંબા ગાળાની સફળતા મોટાભાગે દર્શકોના પોઝિટિવ પ્રતિસાદ અને વર્ડ-ઓફ-માઉથ પર નિર્ભર રહેશે. આ સપ્તાહના અંતે રિલીઝ થતી અન્ય મોટી ફિલ્મોની સરખામણીમાં ‘પરમ સુંદરી’ને ઓછો હરીફાઈનો સામનો કરવો પડશે, જેનો ફાયદો તેને મળી શકે છે. મેડોક ફિલ્મ્સ, જે ‘સ્ત્રી 2’ અને ‘છાવા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતું છે, તેની આ ફિલ્મ પણ હિટ બની શકે છે.
મેડોક ફિલ્મ્સે હંમેશા કન્ટેન્ટ-આધારિત અને મનોરંજક ફિલ્મો બનાવીને દર્શકોનું દિલ જીત્યું છે. ‘પરમ સુંદરી’ના ગીતો અને ટ્રેલરને પહેલાથી જ સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ મેળવ્યા છે, જેના કારણે આ ફિલ્મ 2025ની સૌથી વધુ રાહ જોવાતી રોમેન્ટિક ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે. આગામી દિવસોમાં જોવું રહ્યું કે આ ફિલ્મ મેડોકની સફળતાનો સિલસિલો જાળવી રાખે છે કે નહીં.
આ પણ વાંચો….Vash Level-2 movie Review: શરૂઆત જબરજસ્ત, ક્લાઈમેક્સમાં માર ખાઈ ગઈ, પણ…