મનોરંજન

Happy Birthday: આ સ્ટારકિડ ની એક ભૂમિકાએ તો મહારાષ્ટ્રમાં ધમાસાણ મચાવી દીધું

મોરના ઈંડા ચિતરવા ન પડે તેવું ઘણા સ્ટારકિડે એટલે કે કલાકારોના સંતાનોએ સાબિત કર્યું છે, પરંતુ આજે જેની આપમે વાત કરી રહ્યા છીએ, તેણે પિતાને પણ પાછળ મૂકી દીધા છે. તાજેતરમાં જ આવેલી ફિલ્મ છાવામાં મુગલ બાદશાહ ઔરંગઝેબનો રોલ કરી છવાઈ જનારા અક્ષય ખન્ના આજે તેનો 50મો જન્મદિવસ મનાવી રહ્યો છે.



Akshay Khannaને પિતા વિનોદ ખન્ના એક હેન્ડસમ હીરો તરીકે ઓળખાતા હતા. બચ્ચનની જેમ એંગ્રી યંગમેન તરીકે ઓળખાતા. વિનોદ ખન્નાએ પણ ઘણા પાત્રો ભજવ્યા અને સુપરહીટ ફિલ્મો આપી, પણ અક્ષયે એક અલગ જ પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું.


ગમે તે સમય હોય હીરો કે હીરોઈન દેખાવડા તો હોવા જ જોઈએ અને તેમાં પણ લીડ રોલ કરતા હીરોને જો તાલ હોય તો કેમ ચાલે. હા માત્ર 19 વર્ષની ઉંમરમાં અક્ષયના વાળ ખરવા લાગ્યા હતા અને બાપ જેવો હેન્ડસમ લાગતો અક્ષય ધીમે ધીમે ડિપ્રેશનમાં આવવા લાગ્યો. શરૂઆતમાં ઐશ્વર્યારાય બચ્ચનથી માંડી ઘણી હીરોઈનો સાથે કામ કરનારા અક્ષયને હવે કામ મળતું ન હતું અને તે ધીમે ધીમે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. જોકે આ વાસ્તવિકતાનો સ્વીકાર કર્યા બાદ તે ફરી ઉઠ્યો અને તેણે ઘણા રોલ કરી પોતાની અલગ છાપ છોડી.

આ પણ વાંચો: બ્લુ ટાન્સપરન્ટ ડ્રેસમાં અદિતિ મિસ્ત્રીએ ફોટો શૂટ કરાવીને ઈન્ટરનેટ પર લગાવી આગ

બોર્ડરમાં સેનાનો જવાન, દિલ ચાહતા હૈમાં પેઈન્ટર, પ્રિયદર્શનની ફિલ્મો હંગામા અને ચુપકે ચુપકેમાં તેની કૉમેડી, આર્ટિકલ 375, દૃશ્યમમાં તેના કેરેક્ટર રોલ, લીડ રોલ કરતા અભિનેતાને પણ ઝાંખા પાડી દે તેવા હોય છે. તેમાં પણ તાજેતરમાં જ તેણે છાવા ફિલ્મમાં કરેલો ઔરંગઝેબનો રોલ તેની અભિનયક્ષમતાને પૂરો કરવા કાફી છે.


છત્રપતિ સંભાજી મહારાજને યાતના આપતા ઔરંગઝેબને પડદા પર જોઈ ઘણાએ પડદા ફાડ્યા હતા તો તેની ક્રુરતા જોઈ ઘણાને રોષ જાગ્યો હતો. મહારાષ્ટ્રમાં તાજેતરમાં ગરમાયેલો ઔરંગઝેની કબરનો મુદ્દો પણ આ ફિલ્મ અને પડદા પર દર્શાવવામાં આવેલા ઔરંગઝેબના પાત્રને લીધે પણ હોવાનો મત ઘણાએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: જો કંગના રનૌતના બાળકો થશે તો…સલમાન કેમ કરવી પડી આવી કોમેન્ટ…

પર્સનલ લાઈફની વાત કરીએ તો 50 વર્ષની ઉંમરે પણ અક્ષય સિંગલ છે. એક સમયે કરિશ્મા કપૂર સાથે તેની સગાઈ નક્કી થઈ હતી, પરંતુ કરિશ્માની માતાને આ સંબંધ પસંદ ન હોવાથી વાત અટકી પડી તો અક્ષય ખન્નાએ પોતે સ્વીકાર્યું હતું કે આ અબ લૌટ ચલેમાં ઐશ્વર્યારાયને જોઈ તે મંત્રમુગ્ધ થઈ ગયો હતો અને તેનાં પ્રેમમાં પડી ગયો હતો.

જોકે આ સંબંધમાં આગળ કંઈ થયું કે નહીં તે કોઈને ખબર નથી. થોડા સમય પહેલા તેણે લગ્ન બાબતે જણાવ્યું હતું કે મને આ જીવન ગમે છે. હું પરિવારની જવાબદારી લેવા માગતો નથી, મને મારી આ લાઈફથી સંતોષ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button