IFFM 2025 માં અભિષેક બચ્ચને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો, બીગબીએ પુત્ર અભિષેક માટે કરી પ્રેમભરી પોસ્ટ, જાણો શું લખ્યું

મુંબઈ: બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચને મેલબર્ન 2025ના ભારતીય ફિલ્મ ફેસ્ટીવલમાં ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. આ સિદ્ધિ પર તેના પિતા અને દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને અપાર ખુશી અને ગર્વ વ્યક્ત કર્યો છે. અમિતાભે પોતાના બ્લોગમાં અભિષેકને પરિવારનું સાચું ગૌરવ ગણાવ્યા છે અને તેની મહેનત અને નિષ્ઠાની પ્રશંસા કરી છે. આ સિદ્ધિ અભિષેકની કારકિર્દીનો એક મહત્વનો સીમાચિહ્ન છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
T 5472 – THE HAPPIEST FATHER ON EARTH ..
— Amitabh Bachchan (@SrBachchan) August 15, 2025
BEST ACTOR ABHISHEK .. so so soso proud love !!! pic.twitter.com/RhdgcwXYf0
મેલબર્ન ખાતે યોજાયેલા ભારતીય ફિલ્મ મહોત્સવ 2025માં અભિષેક બચ્ચને ફિલ્મ ‘આઈ વોન્ટ ટુ ટોક’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ હાંસલ કર્યો છે. આ ફિલ્મમાં તેના એક્ટિંગની ખૂબ પ્રશંસા થઈ છે. એવોર્ડ સ્વીકારતી વખતે અભિષેક ભાવુક થઈ ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા તે આ જ મંચ પર હાજર હતા અને હવે આ સન્માન મેળવવું તેના માટે ખાસ ક્ષણ છે. તેણે ફિલ્મના ડિરેક્ટર શૂજિત સરકારનો પણ આભાર માન્યો, જેણે આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં અભિષેકની આ સિદ્ધિની ઉજવણી કરતા લખ્યું, “તું અમારા પરિવારનું ગૌરવ અને સન્માન છે. તે દાદાજીના સ્થાપેલા ઝંડાને હિંમત અને મહેનતથી આગળ વધાર્યો છે.” તેણે અભિષેકની નિષ્ઠા, હાર ન માનવાની ભાવના અને પોતાના પરિશ્રમથી ઊભા રહેવાની તાકાતની પ્રશંસા કરી. અમિતાભે લખ્યું કે અભિષેકે પોતાની મહેનતથી વિશ્વને પોતાની ક્ષમતા બતાવી છે, અને આ એવોર્ડ એક પિતા માટે સૌથી મોટી ભેટ છે.
અમિતાભે યાદ કર્યું કે ભૂતકાળમાં જ્યારે તેણે અભિષેકના અભિનયની પ્રશંસા કરી હતી, ત્યારે ટીકાકારોએ તેમને પક્ષપાતી પિતા ગણાવ્યા હતા. પરંતુ હવે અભિષેકે મેલબર્નમાં મેળવેલુ આ સન્માન તેની પ્રતિભાનો પુરાવો છે. અમિતાભે લખ્યું, “ચૂપચાપ આગળ વધો અને પોતાના કાર્યમાં લીન રહો.” તેણે એમ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે એક દિવસ અભિષેકની પ્રતિભાને તેનો દેશ પણ સન્માન આપશે.
એવોર્ડ મળ્યા બાદ અભિષેકે જણાવ્યું કે આ સન્માન તેના માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આ ફિલ્મ તેમના દીલની નજીક છે. તેણે શૂજિત સરકાર અને ફિલ્મની ટીમનો આભાર માન્યો, જેણે આ પ્રોજેક્ટને ખાસ બનાવ્યો. અભિષેકની આ સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સતત મહેનત અને લગનથી મોટી સફળતાઓ હાંસલ કરી શકાય છે.
આપણ વાંચો: ફિલ્મ ‘ધ બંગાળ ફાઈલ્સ’ વિવાદોમાં ઘેરાઈ, ગોપાલ મુખર્જીના પૌત્રએ લગાવ્યા ગંભીર આરોપ