ડબલિનઃ બોલીવુડના એક્ટર અભિષેક બચ્ચનને અભિનયની દુનિયાની સાથે સાથે સ્પોર્ટ્સમાં પણ રસ છે. હવે તેણે યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગ (ઇટીપીએલ)માં નાણાંનું રોકાણ કર્યું છે.
અભિષેક આ લીગનો કો-ઓનર બની ગયો છે. આ લીગ આ વર્ષે જૂલાઈથી શરૂ થશે. અભિષેક બચ્ચન ખાનગી માલિકીની યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગનો સહ માલિક બન્યો છે, જે યુરોપમાં ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી રહી છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તરફથી માન્યતા પ્રાપ્ત આ લીગ સ્કોટલેન્ડ, આયરલેન્ડ અને નેધરલેન્ડની ભાગીદારી સાથે શરૂ થઈ રહી છે અને તેની પ્રથમ સીઝન 15 જુલાઈથી 3 ઓગસ્ટ, 2025 વચ્ચે રમાશે, જેમાં આ ત્રણેય દેશોના શ્રેષ્ઠ ખેલાડીઓ વિશ્વભરના જાણીતા ખેલાડીઓ સાથે યુરોપિયન સ્ટાઈલમાં રમશે.
આયોજકો દ્વારા અહીં જાહેર કરાયેલા એક પ્રેસ રીલિઝમાં અભિષેક બચ્ચને કહ્યું હતું કે “ક્રિકેટ માત્ર એક રમત નથી પણ લોકોને જોડવાનું માધ્યમ પણ છે. ઇટીપીએલ વૈશ્વિક સ્તરે તેની લોકપ્રિયતા દર્શાવવા માટેનું આદર્શ પ્લેટફોર્મ છે. ઓલિમ્પિક 2028માં ક્રિકેટના સમાવેશ સાથે તેની લોકપ્રિયતામાં વધુ વધારો થશે.
આપણ વાંચો: ડિવોર્સની અફવાઓ વચ્ચે ઐશ્વર્યા, તેના માતા અને પુત્રી સાથે જોવા મળ્યો અભિષેક બચ્ચન!
આયરલેન્ડના ક્રિકેટના સીઇઓ અને ઇટીપીએલના ચેરમેન વોરેન ડ્યુટ્રોમે જણાવ્યું હતું કે, “અમે અભિષેક બચ્ચનનું સહ માલિક તરીકે સ્વાગત કરતા આનંદ અનુભવીએ છીએ. રમતગમત પ્રત્યેનો તેમનો જુસ્સો અને એક ઉદ્યોગસાહસિક તરીકેની તેમની કુશળતા ખૂબ જ ઉપયોગી સાબિત થશે.”
લીગના ડિરેક્ટર સૌરવ બેનર્જીએ જણાવ્યું હતું કે, “ક્રિકેટ વિશ્વભરમાં બીજી સૌથી વધુ જોવાતી રમત છે અને તે યુરોપમાં પણ લોકપ્રિય બની રહી છે. આઈસીસીના 108માંથી 34 દેશો યુરોપિયન છે અને અમે અહીં ક્રિકેટને એક મોટું પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ.
લીગના નિર્દેશક પ્રિયંકા કૌલે જણાવ્યું હતું કે પ્રથમ સીઝનમાં છ ટીમો ડબલિન, બેલફાસ્ટ, એમ્સટર્ડમ, રોટરડેમ, એડિનબર્ગ અને ગ્લાસગોમાં રમશે. તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટ દુનિયાભરના દર્શકો સુધી પહોંચશે, જેમાં યુરોપ, ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડનો સમાવેશ થાય છે.