ભણસાલીની માસ્ટરપીસ સમાન ફિલ્મ 19 વર્ષ બાદ OTT પર, અમિતાભને જેના માટે મળ્યો હતો નેશનલ એવોર્ડ..
પ્રખ્યાત બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચને તેમની કારકિર્દીમાં ઘણી એવી ભૂમિકાઓ ભજવી છે જેના માટે રાષ્ટ્રીય સ્તરે તેમનું સન્માન થયું છે. આશરે 5 દાયકા જેટલો સમય બોલીવુડમાં કાઢનારા આ દિગ્ગજ અભિનેતા દરેક ભૂમિકામાં જાત નિચોવીને અદ્ભૂત અભિનય આપતા હોય છે.
વર્ષ 2005માં એક ફિલ્મ આવી હતી ‘બ્લેક’. સંજય લીલા ભણસાલીના દિગ્દર્શન હેઠળ બનેલી આ ફિલ્મે તાજેતરમાં જ 19 વર્ષ પૂર્ણ કર્યા છે. હવે આ ફિલ્મને OTT પર બતાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
4 ફેબ્રુઆરી 2005ના રોજ આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી. મૂળ હેલન કેલરના જીવન પ્રસંગો પર આધારિત આ ફિલ્મમાં હેલન કેલર જેવી જ બિમારી ધરાવાતા પાત્ર તરીકે રાણી મુખર્જી, અને હેલન કેલરના શિક્ષક પરંતુ ફિલ્મને ‘ભણસાલી ટચ’ આપવા માટે મહિલા શિક્ષકના બદલે અમિતાભ બચ્ચનના પાત્રને ઉમેરવામાં આવ્યું હતું. જો કે રાણી મુખર્જી અને અમિતાભ બચ્ચન વચ્ચેની કેમેસ્ટ્રી વખાણવાલાયક હતી.
નેટફ્લિક્સ પર હવે તેને રિ-રિલીઝ કરવામાં આવી રહી છે. એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ફિલ્મના અમુક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. વીડિયોના કેપશનમાં લખ્યું છે કે, ‘દેબરાજ અને મિશેલની સફર આપણા બધા માટે પ્રેરણારૂપ રહી છે અને અમે આશા રાખીએ છીએ કે તે શક્તિ અને કરુણાથી લોકોને પ્રેરિત કરશે.’
આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. અમિતાભ બચ્ચન અને રાની મુખર્જી સિવાય ફિલ્મની કાસ્ટમાં આયેશા કપૂર, નંદના સેન અને ધૃતિમાન ચેટર્જી સહિત અન્ય ઘણા કલાકારોએ ભૂમિકા ભજવી હતી.