મલયાલમ ફિલ્મોની જાણીતી અભિનેત્રી દિવ્યા પ્રભાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું છે કે કોચી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પ્રવાસ કરતી વખતે એક પુરૂષ મુસાફરે તેની સતામણી કરી હતી. અભિનેત્રીએ મંગળવારે તેના સોશિયલ મીડિયા પર આ વિશે એક પોસ્ટ પણ શેર કરી છે.
દિવ્યા પ્રભાએ જણાવ્યું હતું કે જ્યારે તેણે એર ઇન્ડિયાના સ્ટાફને આ અંગે ફરિયાદ કરી તો તેમણે આ મામલે કોઇ ખાસ પ્રતિભાવ આપ્યો નહિ. તેને હેરાન કરનાર વ્યક્તિ દારૂના નશામાં હતો. દિવ્યા પ્રભાએ લખ્યું હતું કે એર હોસ્ટેસને ફરિયાદ કર્યા બાદ ફક્ત બેઠક બદલાવી દઇને મામલો ઠેકાણે પાડવામાં આવ્યો પરંતુ તે મુસાફર વિરુદ્ધ કોઇ પગલા લેવાયા નહોતા. ફ્લાઇટ લેન્ડ થયા બાદ એરપોર્ટ પર અધિકારીઓને ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા અને ત્યારબાદ તે મુસાફરને પોલીસ હવાલે કરવામાં આવ્યો.
અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં એર ઇન્ડિયાને કરેલી લેખિત ફરિયાદ, ફ્લાઇટની ટિકિટ સહિતની ડિટેલ્સ શેર કરીને ચાહકો પાસેથી પણ સપોર્ટ માગ્યો હતો. તેણે ઘટનાની માહિતી આપતા લખ્યું હતું કે કઇ રીતે નશામાં ધૂત મુસાફરે તેની સીટ પર કબજો કરી લીધો હતો અને તેનો ‘અયોગ્ય રીતે શારીરિક સંપર્ક’ કરી ગેરવર્તન કર્યું હતું. ઘટના અંગે મીડિયા અહેવાલો બાદ પોલીસે તપાસ ચાલુ હોવાનું નિવેદન આપ્યું છે.