લવ એન્ડ વોર’ ફિલ્મ મુશ્કેલીમાં? ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ

મુંબઈ: 18 વર્ષ બાદ જાણીતા ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી અને અભિનેતા રણબીર કપૂર સાથે કામ કરી રહ્યા છે. સંજય લીલા ભણસાલી રણવીર કપૂર સાથે ‘લવ એન્ડ વોર’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. પરંતુ આ ફિલ્મને લઈને હવે સંજય લીલા ભણસાલી પર FIR નોંધવામાં આવી છે.
સંજય લીલા ભણસાલી વિરૂદ્ધ કેમ થઈ ફરિયાદ?
મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિકાનેર શહેરમાં પ્રતિક રાજ માથુર નામના વ્યક્તિએ બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી વિરૂદ્ધ FIR દાખલ કરી છે. પ્રતિક રાજ માથુરે સંજય લીલા ભણસાલી પર છેતરપિંડી, ગેરવર્તણૂક અને વિશ્વાસઘાત સહિતના આરોપ લગાવ્યા છે. આ સિવાય FIRમાં અન્ય બે વ્યક્તિઓના નામ પણ છે.
પ્રતિક રાજ માથુરે જણાવ્યું હતું કે, મેં ફિલ્મના શૂટિંગ માટે સરકારી વિભાગોનો કોન્ટેક્ટ કરીને જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. પરંતુ, હું જ્યારે ભણસાલીને હોટલ ખાતે મળવા ગયો, ત્યારે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ શરૂ
બિકાનેર સદર સર્કલ ઓફિસર વિશાલ જાંગીડના જણાવ્યાનુસાર, પ્રતીક રાજ માથુર નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે સંજય લીલા ભણસાલી અને તેમની ટીમના બે લોકોએ ‘લવ એન્ડ વોર’ ફિલ્મ માટે તેને લાઇન પ્રોડ્યુસર તરીકે રાખવા માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો, પરંતુ આ કોન્ટ્રાક્ટની પછીથી રદ કરવામાં આવ્યો હતો.
પ્રતીક રાજ માથુરને પૈસા ચૂકવ્યા વિના જ ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. તેથી સંજય લીલા ભણસાલી તથા બીજા બે લોકો સામે બિકાનેરના બિચવાલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, ગુનાહિત કાવતરું સહિતના આરોપો માટે ફરિયાદ નોંધવામાં આવી છે. જેને લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ‘લવ એન્ડ વોર’ ફિલ્મમાં રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ જોવા મળશે. આ ફિલ્મ માર્ચ 2026માં રિલીઝ થવાની છે. જોકે, રણબીર કપૂરે સંજય લીલા ભણસાલીની ‘સાંવરિયા’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો…જ્યારે સંજય લીલા ભણસાલીને કારણે આખા મુંબઈમાં લગ્નની તારીખો ઠેલાઈ આગળ…