દિવાળી પર થિયેટર્સમાં 5 ફિલ્મ મચાવશે ધૂમ: આ ફિલ્મની તો 4000થી વધુ ટિકિટો વેચાઈ…

મુંબઈ: થિયેટરમાં હવે શુક્રવારે જ ફિલ્મ રિલીઝ થાય એવી પ્રથા રહી નથી. બોલિવૂડના ઘણા ફિલ્મ નિર્માતાઓ દર વર્ષે દિવાળી અને નવા વર્ષે ફિલ્મ રિલીઝ કરતા હોય છે. આ વર્ષે 22 ઓક્ટોબર 2025ને સોમવારના રોજ દિવાળીનો દિવસ છે. આ દિવસે પણ વિવિધ ભાષાઓની રસપ્રદ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાં રહસ્યમય થ્રિલરથી લઈને આધુનિક રોમાંસ જોવા મળશે. આ ફિલ્મો કઈ કઈ છે? આવો જાણીએ.
થિયેટરમાં ચાલશે રશ્મિકા મંદાનાનો જાદુ
આ દિવાળીએ હિન્દી સિનેમામાં બે વિરુદ્ધ શૈલીની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થઈ રહી છે, જે દર્શકોને પસંદગીનો મોકો આપશે. જો તમને રહસ્ય, પૌરાણિક વાર્તાઓ અને અલૌકિક ઘટનાઓ ગમે છે, તો તમારા માટે ‘થામા’ ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની સ્ટોરીમાં પૌરાણિક કથાઓ, રોમાંસ અને રોમાંચનું અનોખું મિશ્રણ છે.

આયુષ્માન ખુરાના, રશ્મિકા મંદાના, નવાઝુદ્દીન સિદ્દીકી અને પરેશ રાવલ જેવા દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં તમને જોવા મળશે. ફિલ્મમાં તમને પોઈઝન બેબી ગીત પર મલાઈકા અરોરા અને રશ્મિકા મંદાનાના ઠુમકા પણ જોવા મળશે. મળતી માહિતી મુજબ એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મની 4000થી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે.
દિવાળી પર ‘થામા’ ફિલ્મની સાથે ‘એક દીવાને કી દિવાનગી’ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મ આધુનિક પ્રેમ, ભાવનાત્મક ઉતાર-ચઢાવ અને હૃદયસ્પર્શી રોમાંસ દર્શાવે છે. આ ફિલ્મમાં સોનમ બાજવા અને હર્ષવર્ધન રાણેની લવ સ્ટોરી જોવા મળશે.
બોલિવૂડમાં આ બંને ફિલ્મો પૈકી કોણ બોક્સ ઓફિસ પર હિટ જાય છે, એ તો દિવાળી પછી જ ખબર પડશે. જોકે બોલિવૂડની બે ફિલ્મો સિવાય 22 ઓક્ટોબરે ‘ગોડડે ગોડડે ચા 2’ નામની પંજાબી ફિલ્મ પણ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં એમી વિર્ક, તાનિયા અને ગુર્જાઝ જોવા મળશે. લવડ્રામા અને કોમેડીના ચાહકોને આ ફિલ્મ પસંદ આવશે.
ઉલ્લેખનીય છે કે, 17 ઓક્ટોબરને શુક્રવારે બે તમિલ ફિલ્મો થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. જેમાં ‘બાઇસન: કલામદન’ અને ‘ડીઝલ’ ફિલ્મનો સમાવેશ થાય છે. ‘બાઇસન: કલામદન’ એ સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ છે. જ્યારે ‘ડીઝલ’ કોમેડી-એક્શન ડ્રામા ફિલ્મ છે. આ બંને ફિલ્મોના શો હાલ થિયેટર્સમાં ચાલી રહ્યા છે.