પિતા નેતા અને દીકરો બન્યો અભિનેતા: આ સ્વતંત્રતા સેનાની સામે ચૂંટણી લડ્યા હતા શાહરૂખ ખાનના પિતા…

મુંબઈ: બોલિવૂડના બાદશાહ અને કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે, જેમણે પોતાની મહેનતથી ફિલ્મ જગતમાં આગવું સ્થાન બનાવ્યું છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાનના પિતા, મીર તાજ મોહમ્મદ ખાન, એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ હતા. તેમણે એક નેતા તરીકે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતું. પરંતુ તેઓને ખાસ સફળતા મળી નહોતી. જોકે, તેમનું નામ ભારતીય ચૂંટણી ઇતિહાસમાં એક અનોખી ઘટના સાથે જોડાયેલું છે.
રાજકારણમાં મીર તાજ મોહમ્મદ ખાનનો સંઘર્ષ
આઝાદી પહેલા મીર તાજ મોહમ્મદ ખાન પેશાવર ખાતે રહેતા હતા. તેમને પાંચ ભાઈઓ હતા. આ પૈકીના સૌથી મોટા ગુલામ મોહમ્મદ ગામાએ બ્રિટિશ સરકાર સામે લડત આપી હતી. જેથી તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. તેમના બાકીના ભાઈઓ પણ જેલમાં ગયા હતા. પરંતુ 1946માં મીર તાજ મોહમ્મદ ખાન અભ્યાસ કરવા માટે દિલ્હી આવી ગયા હતા. અહીં તેમણે કાયદાનો અભ્યાસ કર્યો હતો. જોકે, આઝાદી બાદ તેમણેે ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું.
ભારતની આઝાદી પછી, મીર તાજ મોહમ્મદ ખાને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 1957ની લોકસભા ચૂંટણીમાં ગુડગાંવ (Gurgaon) બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. અનેક અહેવાલો મુજબ, મીર તાજ મોહમ્મદ ખાને સંપૂર્ણ તૈયારી સાથે ચૂંટણી લડી હોવા છતાં, તેમને એક પણ મત મળ્યો ન હતો.
તેમને ‘શૂન્ય’ (Zero) મત મળ્યા હતા, જે ભારતીય ચૂંટણી ઇતિહાસમાં એક દુર્લભ ઘટના માનવામાં આવે છે. જોકે, આ ચૂંટણી તેઓ સ્વતંત્રતા સેનાની અને પહેલા શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ સામે લડ્યા હતા. આ ચૂંટણીમાં મૌલાના અબુલ કલામ આઝાદને 1, 91, 221 મત મળ્યા હતા. જ્યારે ભારતીય જનસંઘના મૂળચંદને 95, 553 મત મળ્યા હતા.
1957ની લોકસભાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવાર મૌલાના અબુલ કલામ આઝાદ આમિર ખાનના પરદાદા હતા. આમિર ખાનના દાદી મૌલાના અબુલ કલામ આઝાદના ભત્રીજી હતા. આમ, બોલિવૂડના બંને સુપરસ્ટારના પરિવારો વચ્ચે એક ઐતિહાસિક રાજકીય જોડાણ રહેલું છે.

માતા સાથે જોઈ હતી ‘જોશીલા’ ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાનની માતા લતીફ ફાતિમા અને પિતા તાજ મોહમ્મદ ખાને તેઓનું સારી રીતે લાલન-પાલન કર્યું હતું. જેથી શાહરૂખ ખાનમાં બાળપણથી જ અભિનયના બીજ વવાયા હતા. શાહરૂખ ખાને બાળપણમાં દિલ્હીમાં યોજાતી રામલીલામાં ‘વાનર’નું પાત્ર પણ ભજવ્યું હતું. તેઓ પોતાની માતા સાથે ‘જોશીલા’ ફિલ્મ જોવા ગયા હતા. કારણ કે તેઓના હિંદીમાં દસમાંથી દસ માર્ક આવ્યા હતા. તેમણે થિએટર ડિરેક્ટર જોન બેરી પાસેથી તાલીમ મેળવ્યા બાદ ‘દિલ દરિયા’ સીરિયલથી નાના પડદે ડેબ્યૂ કર્યું હતું, જેણે શાહરૂખ ખાનના મોટા પડદા સુધી પહોંચવાનો માર્ગ મોકળો કર્યો હતો.



