ચિંતન: યતો ધર્મસ્તતો જય: જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે

હેમુ ભીખુ
મહાભારતની આ પ્રસિદ્ધ ઉક્તિ છે, યતો ધર્મસ્તતો જય:, અર્થાત જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. વિજય માટે ધર્મ આવશ્યક છે. ધર્મ જ વિજય અપાવે. જે ધર્મને અપનાવે તેનો વિજય નિશ્ચિત છે. ધર્મ અને વિજય જાણે એકબીજાનાં પર્યાય છે. જ્યાં ધર્મ હોય ત્યાં વિજય હોય, એનો એક અર્થ એમ પણ કરી શકાય કે ધર્મ એ જ વિજય છે, અથવા તો ધર્મને કારણે સ્થાપિત થતી પરિસ્થિતિ એટલે વિજય. જ્યાં ધર્મ છે ત્યાં સત્ય, ન્યાય, નૈતિક મૂલ્યો, કર્તવ્ય પરાયણતા, દૈવી સંપત્તિ અને સાત્વિક વૃત્તિ રહેતી હોવાથી સ્વાભાવિક છે કે વિજય-પતાકા ત્યાં જ લહેરાય. કારણ સમજી શકાય એવું છે.
જ્યાં ધર્મ હોય ત્યાં ઈશ્વરનો સહયોગ હોય. મહાભારતનું યુદ્ધ તેનું સાક્ષી છે. જ્યાં ધર્મ હોય ત્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ પણ હોય અને પવનપુત્ર હનુમાનજી પણ હોય. અહીં શ્રીકૃષ્ણ માર્ગદર્શન આપે છે જ્યારે હનુમાનજી ધર્મના વિજયના સાક્ષી બને છે.
મહાભારતના યુદ્ધની અઢાર અક્ષૌહિણી સેનામાંથી દસ અક્ષૌહિણી સેના કૌરવ પક્ષે હતી. સંખ્યાબળ તેમની પાસે વધુ હતું. તે ઉપરાંત ભીષ્મ, દ્રોણ, કર્ણ, દુર્યોધન, દુશાસન, જયદ્રથ જેવાં શક્તિશાળી યોદ્ધા તેમના પક્ષે હતા. તે વખતની રાજ્ય-ધુરા પણ તેમનાં હાથમાં હતી. છતાં પણ તેઓના પક્ષે ધર્મ ન હોવાથી તેમનો પરાજય થયો હતો.
યુદ્ધમાં વચ્ચે અમુક સમય એવો આવેલો કે જે વખતે કૌરવોની સ્થિતિ વધુ મજબૂત હતી. અલ્પકાળ માટે આમ થઈ પણ શકે, અલ્પકાળ માટે અધર્મ, અસત્ય, અન્યાય અને અનૈતિકતા જીતી હોય તેમ લાગી પણ શકે, પરંતુ અંતે તો વિજય ધર્મ, સત્ય, ન્યાય અને નૈતિકતાના પક્ષે જ હોય.
યુદ્ધ શબ્દને વિસ્તૃત પરિપ્રેક્ષ્યમાં જોવાની આવશ્યકતા છે. દરેકના જીવનમાં મહાભારતનું યુદ્ધ આવી ન શકે, છતાં પણ દરેક વ્યક્તિ જીવનમાં કોઈને કોઈ યુદ્ધમાં સામેલ તો હોય છે જ. સાંપ્રત સમયે એમ કહી શકાય યુદ્ધ એટલે આપત્તિકાળ, સંઘર્ષના દિવસો, કટોકટીનો સમય, વિપદાનું આગમન કે આવી ચઢેલી કોઈપણ પ્રકારની તકલીફ જનક સ્થિતિ. આવી સ્થિતિમાં જે વ્યક્તિ કે જે પક્ષ, ધર્મ પર અડગ રહે તેનો વિજય નિશ્ચિત હોય છે. એક સમયે એમ જણાય કે પરિસ્થિતિ પરાજય તરફ સરકી રહી છે તો પણ અંતે તો ધર્મનો જ વિજય થતો હોય છે.
ગીતામાં જ્યારે સ્વધર્મે નિધનં શ્રેય એમ જણાવ્યું હોય ત્યારે એ તો સ્વાભાવિક જ છે કે અહીં ધર્મની વ્યાખ્યા જ જુદી છે કારણ કે તે વખતે તો સમગ્ર વિશ્વમાં એક જ સનાતન ધર્મ – સનાતન સંસ્કૃતિ પ્રવર્તમાન હતી. ધર્મ એટલે સ્થાપિત થયેલું ઉત્તરદાયિત્વ, ન્યાય માટેની પ્રતિબદ્ધતા, સત્યનિષ્ઠા, કર્તવ્ય પાલન, સ્થાપિત નૈતિક મૂલ્યોનું આચરણ, મર્યાદાનું પાલન, નિષ્કામ સત્કર્મ માટેનો ભાવ, વ્યક્તિગત અહંકાર અને સ્વાર્થથી મુક્તિ અને વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમાજ તથા સૃષ્ટિને સુસંગત જીવન પદ્ધતિ.
આ પણ વાંચો…ચિંતનઃ મન ને વાણીના વિસ્તારથી દૂર…
ધર્મ શબ્દ સંસ્કૃતના ધૃ ધાતુમાંથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ થાય છે ધારણ કરવું, જાળવી રાખવું, સંભાળવું, જતન કરવું. ધર્મ એ એવી તત્ત્વ-શક્તિ છે કે જેનાથી જગતની વ્યવસ્થા, સામાજિક સંતુલન, ન્યાય પરાયણતા તથા સત્યનો પ્રભાવ ટકી રહે છે. સમાજની સાત્વિક તથા નૈતિક સ્થિતિ માટે ધર્મ અતિ આવશ્યક છે. ધર્મ એક વ્યાપક સિદ્ધાંત છે જે સમાજના દરેક સ્તરે એક યા બીજા સ્વરૂપે પ્રવર્તમાન છે. ધર્મ વ્યક્તિગત હોઈ શકે અને સામાજિક પણ, નૈતિક હોઈ શકે અને આધ્યાત્મિક પણ, રાજકીય હોઈ શકે અને સાંસ્કૃતિક પણ. દરેક સ્વરૂપના ધર્મની એક સકારાત્મક અસર હોય. આ સકારાત્મકતાની સ્થાપના એટલે જ વિજય.
જન્મ અને પરિસ્થિતિ અનુસાર સ્થાપિત ઉત્તરદાયિત્વનું નિર્વહન, દયા કરુણા ક્ષમા અહિંસા જેવાં સાત્ત્વિક ગુણોનું પાલન તથા મૂલ્યનિષ્ઠ સાંસ્કૃતિક પરંપરાનું અનુસરણ જેવી બાબતોનો સમાવેશ ધર્મની ભૂમિકામાં થતો હોય છે. મનુસ્મૃતિ અનુસાર ધૈર્ય, ક્ષમા, ઇન્દ્રિય સંયમ, ચોરી ન કરવી, પવિત્રતા, ભોગ-ઈચ્છાઓ પર નિયંત્રણ, વિવેક, જ્ઞાન, સત્ય અને ક્રોધનો અભાવ, આ ધર્મનાં લક્ષણો છે.
ગીતા પ્રમાણે જે તે સમયનું નૈતિક મૂલ્યોને આધારે નિર્ધારિત થયેલું ઉત્તરદાયિત્વ એટલે ધર્મ. ધર્મના વ્યાપમાં નિષ્કામ કર્મ પણ આવી જાય જેમાં કર્મફળની આશા રાખ્યાં વગર કર્મનો નિભાવ કરવાનો હોય છે. જ્યારે શાંતિની આવશ્યકતા હોય ત્યારે શાંતિની તરફેણ કરવી અને જ્યારે ધર્મની સ્થાપના માટે યુદ્ધ જરૂરી હોય ત્યારે, પીઠ ફેરવ્યા વગર, હારજીતની ચિંતા કર્યાં વગર યુદ્ધમાં સંમિલિત થવું તે પણ ધર્મ છે. જેમ કર્મની ગતિ ગહન છે તેમ ધર્મની ગતિ પણ ગહન છે તેમ કહી શકાય.
પોતાના કર્તવ્યનું નૈતિકતાનાં મૂલ્યો જાળવીને નિષ્ઠાપૂર્વક પાલન કરવું એ વ્યક્તિગત ધર્મ છે તેમ કહી શકાય. કૌટુંબિક ધર્મમાં માતા-પિતા અને વડીલોનું સન્માન અને સેવા, બાળકોનો સાત્ત્વિક ઉછેર, પરસ્પરના કર્તવ્યનો નિભાવ, તથા દરેક પ્રસંગમાં પ્રતીત થતી એકજૂટતા જેવી બાબતોનો ઉલ્લેખ કરી શકાય.
સામાજિક ધર્મમાં સ્થાપિત સામૂહિક વ્યવસ્થા માટે સન્માન, દાન, સેવાભાવ, સહકાર, સંતુલિત સહજીવન, મહેનતની કમાણી, ન્યાયપ્રિયતા જેવી બાબતોનો સમાવેશ થાય. આધ્યાત્મિક ધર્મમાં સત્ય, જ્ઞાન, માયાથી મુક્તિ, પવિત્રતા, નિર્દોષતા, નિત્ય-અનિત્યનો વિવેક, સંયમ, આત્મચિંતન તથા સર્વત્ર બ્રહ્મરૂપતા જેવી બાબતો આધારભૂત રહે. એકંદરે એમ કહી શકાય કે ધર્મ એ જીવન જીવવાનો સાત્ત્વિક, નૈતિક તેમ જ પવિત્ર માર્ગ છે. તે પૂજા, યજ્ઞ કે ધાર્મિક ક્રિયાઓનો સમૂહ નથી પરંતુ જગતની વ્યવસ્થાને જાળવી રાખતું અનાદિ અને શાશ્વત તત્ત્વ છે.
આ પણ વાંચો…ચિંતનઃ લોભ-નરકનું એક દ્વાર…



