અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનતંત્રની કેળવણી બહુ મૂલ્યવાન છે | મુંબઈ સમાચાર
ધર્મતેજ

અલૌકિક દર્શનઃ આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનતંત્રની કેળવણી બહુ મૂલ્યવાન છે

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)
(1) રેચક-પૂરકમાં શ્વાસોચ્છ્વાસની ગતિ ધીમી પડે છે અને કુંભકમાં શ્વાસ બંધ રહે છે. પરિણામે દેખીતું જ છે કે પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શરીરમાં કાર્બન ડાયોક્સાઈડ જમા થવાનું પ્રમાણ વધે છે. હવે એ એક હકીકત છે કે કાર્બન ડાયોક્સાઈડ મગજના રક્તાભિસરણ માટે ઉત્તમ ઉત્તેજક છે. મગજના રક્તાભિસરણમાં સુધારો થવાથી મગજના સ્વાસ્થ્યમાં ખૂબ સુધારો થાય છે. શરીરની ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓને નિયંત્રિત કરતા મગજના કેન્દ્રની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે. પરિણામે સમગ્ર શરીરના સ્વાસ્થ્ય પર તેની અનુકૂળ અસર થાય છે.

(2) કાર્બન ડાયોક્સાઈડનો સંચય મગજ માટે ઉત્તમ પ્રશાંતકનું કાર્ય કરે છે. તેનાથી માનસિક શાંતિ માટેની અનુકૂળ પરિસ્થિતિ તૈયાર થાય છે.

(3) પ્રાણાયામ દરમિયાન શરીરને મળતાં ઑક્સિજનના પ્રમાણમાં ઘટાડો થાય છે, પરંતુ આ ઘટાડો એટલો ધીમો-ધીમો થાય છે કે શરીર આ નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લે છે. એટલે જો પ્રાણાયામનો અભ્યાસ લાંબા સમય સુધી કરવામાં આવે તો શરીરમાં ઓછા ઑક્સિજનથી કામ ચલાવવાની અને પ્રાપ્ત ઑક્સિજનનો કાર્યક્ષમ ઉપયોગ કરવાની એક વિશેષ શક્તિ પેદા થાય છે. આ બહુ મહત્ત્વનો, મૂલ્યવાન અને મૂલગામી સુધારો છે.

અહીં એ નોંધવું પણ ઉપયોગી થશે કે અંતરંગયોગના અભ્યાસ દરમિયાન શ્વાસોચ્છ્વાસનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે અને ક્વચિત્‌‍ બંધ પણ પડી જાય છે, જો પ્રાણાયામના અભ્યાસથી શરીર ઉપરોક્ત રીતે તૈયાર ન થયું હોય તો તેના પર વિપરીત અસર થવાનો પૂરો સંભવ છે. એથી ઊલટું પ્રાણાયામના અભ્યાસથી શરીર ઓછા ઑક્સિજનથી ચલાવી લેવા માટે તૈયાર થયું હોય તો તે આ મુશ્કેલીથી બચી જાય છે.

(4) શરીરનાં ભિન્ન-ભિન્ન તંત્રોમાં જ્ઞાનતંત્ર એક એવું તંત્ર છે કે જે વ્યક્તિની માનસિક ક્રિયાઓ સાથે સૌથી વધુ સંબંધ ધરાવે છે. પરિણામે મન:સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક વિકાસ માટે જ્ઞાનતંત્રની કેળવણી બહુ મૂલ્યવાન અને આવશ્યક છે. આ હેતુ સિદ્ધ કરવા માટે પ્રાણાયામ સર્વોત્તમ સાધન છે, એમ જરા પણ અતિશયોક્તિ વિના કહી શકાય તેમ છે. આ વિશેની કેટલીક હકીકતો આપણે જોઈ ગયા છીએ. થોડી વધુ વિગતો અહીં જોઈએ:

(i) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન શ્વાસની આપ-લે ખૂબ ધીમે-ધીમે થાય છે અને કુંભકમાં તો શ્વાસ બંધ પડી જાય છે. આમ બનવાથી પ્રાણાયામ દરમિયાન સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારના સંદેશાઓ શ્વસનતંત્રના અવયવોમાંથી મગજ સુધી મોકલવામાં આવે છે.

વળી મગજ તરફથી થતી પ્રતિક્રિયાઓનું સ્વરૂપ પણ સામાન્ય શ્વાસોચ્છ્વાસ કરતાં પ્રાણાયામમાં તદ્દન જુદું જ હોય છે. પ્રાણાયામના અભ્યાસ દરમિયાન જ્ઞાનતંત્રની આ વિશિષ્ટ અને નવી રીતની ક્રિયા-પ્રતિક્રિયા સતત થયા જ કરે છે. પરિણામે પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી જ્ઞાનતંત્રની કાર્યપ્રણાલીનું નવસંસ્કરણ થાય છે આ નવસંસ્કરણ (Reconditioning)ની અસર વ્યક્તિના માનસિક બંધારણ પર સાનુકૂળ સ્વરૂપે થાય છે. તેમ થવાથી આધ્યાત્મિક વિકાસમાં સહાય મળે છે.

(ii) શ્વાસોચ્છ્વાસની ક્રિયા અર્ધ ઐચ્છિક અને અર્ધ અનૈચ્છિક છે. પ્રાણાયામમાં આપણે આ ક્રિયા વધુ ને વધુ ઐચ્છિક બનાવી રહ્યા છીએ. આમ થવાથી પ્રાણાયામના દીર્ઘ અભ્યાસથી અનૈચ્છિક જ્ઞાનતંત્ર પર ઐચ્છિક જ્ઞાનતંત્રનું આધિપત્ય વધે છે. જ્ઞાનતંત્રની કાર્યપદ્ધતિના નવસંસ્કરણથી વ્યક્તિના સાંવેગિક જીવનને વધુ સ્વસ્થ બનાવવામાં સહાય મળે છે.

(iii) જ્યાં Symathetic જ્ઞાનતંત્રનું આધિપત્ય વધારે પડતું હોય ત્યાં પ્રાણાયામના અભ્યાસથી ઉચિત સમતુલા પ્રાપ્ત કરી શકાય છે. આ સમતોલ જ્ઞાનતંત્ર મનની સમતુલામાં અને આખરે ચેતનાના ઊર્ધ્વીકરણમાં પણ ફાળો આપે છે.

(5) દીર્ઘ પૂરકના અભ્યાસને પરિણામે ઉચ્છ્વાસનો Tone વધે છે.

(6) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન નાભિથી નીચેનો ભાગ અંદર સંકોચાયેલો રાખવામાં આવે છે. પરિણામે ઉદરપટલ ઊંચો રહે છે. આમ થવાથી છાતીના પોલાણની ખાલી જગ્યા (Dead Space Volume) ઘટે છે. પેડુના ભાગમાં થતો અનાવશ્યક સંચય અટકે છે.

(7) શ્વાસોચ્છ્વાસની ક્રિયા દરમિયાન પેઢુ, પેટ અને છાતીની અંદરના ભાગમાં દબાણમાં પરિવર્તન (Pressure Change) થયા કરે છે. પ્રાણાયામમાં આ દબાણ-પરિવર્તનમાં ઘણો વધારો થાય છે. આ દબાણ-પરિવર્તન તેથી પણ વધે છે. પરિણામે આ વિસ્તારમાં રહેલ જ્ઞાનતંત્રની ગ્રંથિઓ (Nerve Plexuses) ને ઉત્તેજના મળે છે, જેને લીધે એક અપૂર્વ અને વિશિષ્ટ પ્રકારની સંવેદનાઓ ઉત્પન્ન થાય છે. આ સંવેદનાઓ સાધકની ચેતનાને અંદર વાળે છે અને ચેતનાને અંતરંગ યોગાભ્યાસ તરફ પ્રગતિ કરવામાં સહાયક બને છે.

(8) પ્રાણાયામના અભ્યાસ દરમિયાન કરોડની અંદર રહેલ પોલાણ (Central Canal of Spinal Cord) અને મગજના પોલાણ (Ventricles of brain)માં દબાણ વધે છે. પરિણામે સમગ્ર જ્ઞાનતંત્રમાં એક વિશિષ્ટ ઉત્તેજના ઉત્પન્ન થાય છે. આ ઉત્તેજનાથી ચેતના અંતર્મુખી બને છે, સાધક સમક્ષ કાંઈક અપૂર્ણ એવી અનુભૂતિઓનાં દ્વાર ખુલ્લા થાય છે અને વ્યક્તિચેતના વૈશ્વિક ચેતનામાં વિલીન થવા તરફ અગ્રેસર થાય છે.

  1. ઉપસંહાર

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય અધ્યાત્મ પરંપરામાં પ્રાણાયામનો અપરંપાર મહિમા ગવાયો છે. વેદથી માંડીને આધુનિક અધ્યાત્મ-મનીષીઓ સુધી સૌએ પ્રાણાયામનો એકી અવાજે સ્વીકાર કર્યો છે.

યોગપથમાં તો પ્રાણાયામ કેન્દ્રસ્થ સાધના છે, પરંતુ ભક્તિ, જ્ઞાન, આદિ અધ્યાત્મધારાઓમાં પણ પ્રાણાયામનો એક મૂલ્યવાન સહાયક સાધન તરીકે સ્વીકાર થયો છે.

પ્રાણાયામના શાસ્ત્રીય સ્વરૂપનો સર્વજનહિત માટે વ્યાપક પ્રમાણમાં પ્રસાર અને વિનિયોગ થાય, એ જ અભીષ્ટ છે. (ક્રમશ:)

આ પણ વાંચો…અલૌકિક દર્શનઃ પ્રાણાયામના અભ્યાસથી મગજની ને જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button