સફળા એકાદશી અપાવશે સફળતા

ફોકસઃ આર.સી. શર્મા
આજે છે માગશર માસની કૃષ્ણપક્ષમાં આવનારી સફળા એકાદશી. આ એવી એકાદશી છે જે કરવાથી ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. ભારતીય સંસ્કૃતિમાં એકાદશી ન માત્ર ઉપવાસનો એક દિવસ હોય છે, પરંતુ આપણી અંદરના અનુશાસન, સંયમ અને આધ્યાત્મિક ઊર્જાનો ઉત્સવ હોય છે.
મહિનામાં બે વખત એકાદશી આવે છે. આવી રીતે વર્ષમાં 24 એકાદશી હોય છે. એમાં પણ સફળા એકાદશીનું મહત્ત્વ વિશેષ છે. આ દિવસે વ્રત રાખવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત કરવાથી જીવનમાં કોઈપણ પ્રકારના સંકટ કે અડચણ નથી આવતી. સફળાનો અર્થ જ થાય છે કે સફળ બનાવનારો.
ગ્રામીણ ભારત હોય કે પછી શહેરી સમાજ, દરેક ઠેકાણે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. લોકો ભક્તિ અને દાન કરીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. મનની શુદ્ધિ, વિચારોની સ્થિરતા અને જીવન પ્રતિ સકારાત્મક અભિગમ આ દિવસને દર્શાવે છે. યોગશાસ્ત્ર મુજબ ચંદ્રમાની એકાદશી તિથિ મનના તરંગોને શાંત કરે છે.
એકાદશીએ કરવામાં આવેલું ધ્યાન, ઉપવાસ અને પ્રાર્થનાનો પ્રભાવ અનેકગણો હોય છે. સફળા એકાદશીને એટલે જ સિદ્ધિ-દાયિની કહેવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાળુ પોતાની ઈચ્છાઓ જેવી કે પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ, સફળતા, પ્રગતિ અને સારા સ્વાસ્થ્યની કામનાઓ પૂરી કરી શકે છે. એક માન્યતા એવી પણ છે કે સફળા એકાદશીના દિવસે કરવામાં આવેલું વ્રત વર્ષોના પાપમાંથી મુક્તિ આપે છે.
સફળા એકાદશીનું મહાત્મ્ય વિષ્ણુ પુરાણ અને પદ્મપુરાણમાં વર્ણવવામાં આવ્યું છે. આ વ્રત દુર્ભાગ્યને દૂર કરીને સૌભાગ્યમાં વૃદ્ધિ કરનારું છે. આજના દિવસે ભોજન, ફળ, વસ્ત્ર, ઘી અથવા તો અન્ય કોઈપણ કિંમતી વસ્તુનું દાન કરી શકાય છે. આજના દિવસે ભજન-કીર્તન અને સત્સંગનું આયોજન પણ કરવામાં આવે છે.
સફળા એકાદશીના દિવસે સવારે સ્નાનાદિ અને નિત્યકર્મથી પરવારીને સ્વચ્છ વસ્ત્રો પહેરવાં. ભગવાન વિષ્ણુની પૂજા ઘરમાં અથવા તો મંદિરમાં જઈને કરી શકાય છે. તુલસી દળ, પીળા ફૂલ, ધૂપ-દીપ અને નૈવેદ્ય ધરવામાં આવે છે. આખા દિવસના ઉપવાસ બાદ બીજા દિવસે વ્રત પૂર્ણ કરવાનું હોય છે.
ભગવાનની કૃપા મેળવવા માટે કોઈ આડંબર કે પાખંડની જરૂર નથી. જીવનમાં સફળતા અને શાંતિ જોઈએ તો આજના દિવસે કરવામાં આવેલી સફળા એકાદશી ચોક્કસ મનોરથ પૂર્ણ કરે છે. એના માટે જરૂર છે તો શ્રદ્ધા અને વિશ્વસની.



