વિશેષઃ જીવની સર્વ અવસ્થાઓનું કારણ ધર્મ ને અધર્મ જ છે…

- રાજેશ યાજ્ઞિક
જ્યારે એક જ્ઞાની અને બીજો અજ્ઞાની એમ બે મનુષ્યોનો મેળાપ થાય, ત્યારે બંનેના વર્તનમાં કેટલો અને કેવો ફરક હોય? આપણે સમ્રાટ ભરત અને રાજા રહૂગણના સંવાદમાં જોયું. આત્મજ્ઞાની ભરતે રાજા રહૂગણને સાવ સરળ શબ્દોમાં જે જ્ઞાન આપ્યું તે અદ્ભુત છે.
રાજાએ ક્રોધમાં અને ચક્રવર્તી સમ્રાટને ઓળખી ન શકવાના કારણે તેને વૃદ્ધ, જાડો હોવાના કારણે નકામો કહ્યો. જો બંને અજ્ઞાની હોત તો ભરત પણ ક્રોધે ભરાઈને જવાબ આપત કે મને આવા અપમાનજનક વચનો કેમ કહ્યા?
પણ ભરત તો જ્ઞાની હતા, એટલે સમતા ખોયા વિના, રાજા રહૂગણના અજ્ઞાનના અંધકાર પર પોતાના જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. ભરત જવાબ આપે છે, ‘ન તો હું જાડો છું, ન તો મેં તમારી પાલખી ઊંચકી છે. ન તો હું થાક્યો છું, કે ન તો મને કોઈ પરિશ્રમ થયો છે. તમારી પાલખી ઊંચકનાર તો કોઈ બીજો જ છે.’
રહૂગણ અકળાઈ ગયા. કે આ માત્ર શરીરે જાડો છે કે અક્કલ પણ જાડી છે! મારી આંખ સામે આ જાડો માણસ પાલખી પકડીને ઊભો છે અને કહે છે કે હું નથી?! ભરત કહે છે, સૌથી પહેલા પૃથ્વી છે, પૃથ્વી પર મારા પગ છે, પછી જાંઘો છે, છાતી છે, ખભા છે, અને ખભા ઉપર પાલખી છે. પાલખીની અંદર જેને તમે તમારું કહો છો, એ શરીર રાખ્યું છે. હે રાજા, હું, તમે અને સર્વ વસ્તુઓ પંચભૂતો દ્વારા ઊંચકાય છે. પ્રાણીઓ ગુણોના પ્રવાહમાં વહી જઈ રહ્યા છે.
સત્ત્વ આદિ ગુણો કર્મથી વશીભૂત છે અને જીવનમાં એ કર્મો અવિદ્યાના કારણે સંચિત છે. આત્મા તો શુદ્ધ, અક્ષય, શાંત, નિર્ગુણ અને પ્રકૃતિથી પર છે. તે સર્વ જીવોમાં વ્યાપ્ત છે. તેની ન વૃદ્ધિ થાય છે કે ન તેમાં કમી આવે છે. તો તમે કઈ રીતે કહ્યું કે હું જાડો છું?! ભરત આગળ કહે છે, હે રાજન જે તત્ત્વોથી આ પાલખી બની છે, તે તત્ત્વોથી જ મારું, તમારું અને અન્ય સર્વના શરીર બન્યા છે. સહુ તેમાં પોતાની મમતાથી બંધાયેલા છે.
આ સાંભળીને રહૂગણ તરત પોતાની પાલખી પરથી નીચે ઊતર્યા અને ભરતના પગ પકડી લીધા. તેમણે પૂછ્યું, આ છદ્મ વેશમાં આપ કોણ છો. શા માટે તમારું અહીં આગમન થયું છે? ભરત ફરીથી જ્ઞાનના દરિયા જેવો જવાબ આપે છે. કહે છે, હું કોણ છું એ કહેવું અત્યંત મુશ્કેલ છે. મારું આગમન શા માટે થયું છે એમ પૂછો છો, પણ આવાગમન પોતાના કર્મફળ ભોગવવા માટે જ થતું હોય છે. ધર્મ અને અધર્મ જનિત સુખ-દુ:ખ ભોગવવા જ જીવ દેહ આદિ ધારણ કરે છે. સર્વ જીવોની સર્વ અવસ્થાઓનું કારણ તેમના ધર્મ અને અધર્મ જ છે. કર્મફળ ભોગવવા જીવ એક દેહમાંથી બીજા દેહમાં જાય છે. માટે, હું કોણ છું તેનો જવાબ આપી શકાય તેમ નથી!
ભરત આત્મજ્ઞાનની અદ્ભુત વાત કરતા કહે છે, હું શબ્દનું ઉચ્ચારણ આ જીભ, હોઠ કે દાંત કરે છે, પણ એ હું નથી. એ તો માત્ર બોલવાનું સાધન છે. તમે જેને જાડું કહો છો એ શરીર તો મારા આત્માથી અલગ છે. તો હું શબ્દનો પ્રયોગ ક્યાં અને કોના માટે કરું? રાજન, આ આત્માથી ભિન્ન કોઈ આત્મા ક્યાંય હોય તો હજી હું કહી શકાય, પરંતુ બધા શરીરમાં એક જ આત્મા બિરાજેલો હોય ત્યાં હું અને તમે કોણ એવા પ્રશ્નો વ્યર્થ છે.
તમે જેના પર બેઠા તેને પાલખી કહેશો તો તે જેમાંથી બની એ વૃક્ષ અને લાકડું એ નામ ક્યાં ગયા? કોઈ નથી કહેતું કે તમે વૃક્ષ કે લાકડા પર બેઠા છો, પરંતુ પાલખી લાકડાઓનો સમુદાય જ છે ને?! બધા લાકડા અલગ કરી દો, પછી શોધો કે તમારી પાલખી ક્યાં છે? પુરુષ, સ્ત્રી, ગાય, બકરી, પંખી, વૃક્ષ આદિ નામ કર્મજનિત ભિન્ન શરીરો માટે અપાયેલા છે. આ સત્ય જાણવું જોઈએ. આ લોકમાં આવું જે કંઈ છે તે કાલ્પનિક છે. તમે પ્રજા માટે રાજા છો, પિતા માટે પુત્ર અને પત્ની માટે પતિ છો. તમે તમારા શરીરથી અલગ થઈને શાંતિથી વિચાર કરો કે તમે કોણ છો?
આ ગહન સંવાદ પરથી શ્રીમદ રાજચંદ્રની પંક્તિઓ યાદ આવી જાય,
‘હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?, કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું?
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં સિદ્ધાંતત્ત્વ અનુભવ્યાં’
આપણ વાંચો: માનસ મંથનઃ સાચા સાધુ આપણા સપનાને વધારશે નહીં તોડશે, જેથી આપણે જાગૃતિમાં જીવી શકીએ