વિશેષ -મંત્ર દ્વારા ઈચ્છિત સિદ્ધ થઇ શકે જો…

રાજેશ યાજ્ઞિક
જેમના મૂળ ભારતમાં છે, તેવા ધર્મોમાં મંત્રનો બહુ મોટો મહિમા છે. સવારના ઊઠીએ ત્યારે પૃથ્વી પર પગ મુકતા પહેલા કરાગ્રે વસતે લક્ષ્મી…ના મંત્રથી આપણા દિવસની શરૂઆત થાય. જૈન હોય તો નવકાર મંત્રથી દિવસની શરૂઆત થાય. મંત્રની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે, મનન ત્રાયતે ઇતિ મંત્ર: – મનનનો અર્થ છે સર્વજ્ઞતા અને ત્રાણનો અર્થ છે સંસારી જીવ પર અનુગ્રહ કરવો. આમ મનન અને ત્રાણ બંને ધર્મયુક્ત હોવાથી તે મંત્ર છે. મંત્ર એ છે કે જેના પર ધ્યાન કરવાથી જીવ સંસાર, વિશ્વથી મુક્તિ મેળવે છે. તેની મદદથી તે ધર્મ, અર્થ, કામ,અને મોક્ષ, ચતુર્વિધ ફળને પૂર્ણ રીતે પ્રાપ્ત કરે છે.
મંત્ર શબ્દ બે સંસ્કૃત મૂળમાંથી આવ્યો છે; મનસ એટલે ‘મન’ અને ત્ર એટલે ‘સાધન’. આમ, મંત્રોને ‘વિચારના સાધનો’ માનવામાં આવે છે, જેનો ઉપયોગ મનને એકાગ્ર કરવા અને કેન્દ્રિત કરવાના સાધન તરીકે થાય છે. મંત્રોનો ઉપયોગ, રચના, કાર્ય અને મહત્ત્વ પરંપરા પ્રમાણે બદલાય છે. જોકે, દરેક મંત્રનો ચોક્કસ અર્થ, અનન્ય સ્પંદન આવર્તન અને ચોક્કસ ઉપચાર અસરો હોવાનું માનવામાં આવે છે.
આપણે ધર્મશાસ્ત્રોએ મંત્રોની રચના, તેના ઉચ્ચાર, ક્યારે બોલવા જોઈએ, કેવી રીતે બોલવા જોઈએ તેની ઉપર એટલું ગહન સંશોધન કર્યું છે કે આપણે આશ્ર્ચર્યચકિત થઇ જઈએ. વિવિધ પ્રકારના સ્વરોની શરીર અને મન ઉપર અસર વિશે આધુનિક વિજ્ઞાન તો હવે ચિંતન કરે છે, પરંતુ આપણા ઋષિઓ તો હજારો વર્ષો પહેલા તેના ઉપર સંશોધન કરી ચુક્યા છે.
ધર્મકાર્યોમાં પ્રયોજાતા મંત્રોને ઋષિઓએ ત્રણ પ્રકારમાં વહેંચ્યા છે, સ્ત્રી મંત્રો, પુરુષ મંત્રો અને નપુંસક મંત્રો. આપણે નપુંસક શબ્દનો અવળોઅર્થ લેવા ટેવાયેલા છીએ. પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અહીં એવું નથી. જે મંત્રોના અંતમાં સ્વાહા શબ્દ પ્રયોગ થાય છે તે સ્ત્રી મંત્ર કહેવાય છે. જે મંત્રોના અંતે હુમ અને ફટ લાગે છે તેમને પુરુષ મંત્ર કહે છે. જેમના અંતે નમ: શબ્દ છે, તેને નપુંસક મંત્ર કહ્યા છે. આ ત્રણ પ્રકારના મંત્રો છ પ્રકારના કર્મો માટે પ્રયોજાય છે; જે છે શાંતિ, વશ્ય, સ્તંભન, દ્વેષ, ઉચ્ચાટન અને મારણ.
આજકાલ ઘણા એવી શંકા કરે છે કે પૂજા, અનુષ્ઠાન કે રોજ માળા કરીએ છીએ, પરંતુ ઈચ્છિત ફળ મળતું નથી. તેનો જવાબ શાસ્ત્રકારોએ પહેલા જ આપી દીધો છે. પહેલી વાત કે તમારા પૂર્વજન્મનાં પ્રબળ કર્મો હોય તો એક જ અનુષ્ઠાનમાં ઈચ્છિત ફળ ન પણ મળે. બીજું મંત્રોના ઉચ્ચારણમાં બતાવેલ નિયમોનું પાલન ન થાય તો મંત્રો વિફળ બની જાય છે. ‘સકામ સાધના’ ત્યારે જ ફળ આપે છે જ્યારે તેનું વિધિવત પાલન થયું હોય. અર્થાત શ્રદ્ધા અને વિધિ બંનેનું એકસરખું મહત્ત્વ છે. જો તેનું પાલન ન થાય તો અનિત્ય, ક્ષણભંગુર અને ક્યારેક દુ:ખદાયી ફળ મળે છે.
મંત્રના રટણમાં દિવ્યતાના પ્રગટીકરણની રહસ્યમય શક્તિ હોય છે, જેમ અણુનું વિભાજન તેમાં છુપાયેલા પ્રચંડ બળને પ્રગટ કરે છે. તેમ, જ્યારે કોઈ ચોક્કસ દેવને સમર્પિત કોઈ ચોક્કસ મંત્રનો યોગ્ય રીતે પાઠ કરવામાં આવે છે, ત્યારે આ રીતે સ્થાપિત સ્પંદનો ઉચ્ચ લોકમાં એક વિશિષ્ટ સ્વરૂપ બનાવે છે, જે તે દેવ તે સમયગાળા માટે ધારણ કરે છે. વધુમાં, ધ્વનિ, શ્વાસ અને લયનું શાંત અને સુમેળભર્યું સંયોજન – જે મંત્રોના જાપનું આવશ્યક પરિણામ છે – પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ પર ઊંડી અસર કરે છે, જેને ‘આરામ અને પાચન’ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બદલામાં, તે હૃદયના ધબકારા ધીમા પાડે છે અને શરીરના હીલિંગ પ્રતિભાવને સક્રિય કરે છે.
તમારી ઈડા કે પિંગળા કઈ નાડી ચાલે છે તેના આધારે કયા મંત્રનો જાપ કરવો તે પણ શાસ્ત્રકારોએ નિશ્ર્ચિત કર્યું છે. તેથી જ જે મંત્રની સાધના કરવી હોય તે નાડી ન ચાલતી હોય તો તેને જાગૃત કરવા પ્રાણાયામને પૂજા વિધિમાં સ્થાન અપાયું છે. અનુસ્વાર યુક્ત મંત્ર અને વિસર્ગ યુક્ત મંત્રો શ્વાસ લેતી વખતે કે છોડતી વખતે બોલવા (અનુલોમ-વિલોમ) તે પણ ઋષિઓ દ્વારા નિર્દેશ અપાયો છે. મંત્રો પણ સૌમ્ય અને આગ્નેય હોય છે. ક્રૂર કર્મોમાં આગ્નેય મંત્રો બોલાય છે. મંત્રો બોલવામાં વિવિધ પ્રકારે દોષ થાય છે. આ પ્રકારના 49 દોષ ઋષિઓએ બતાવ્યા છે! તેથી આપણે ત્યાં ગુરુની નિશ્રામાં મંત્ર દીક્ષા લીધા વિના મંત્ર જાપ કે ગુરુના માર્ગદર્શન વિના અનુષ્ઠાન ન કરવા સાધકોને સલાહ અપાઈ છે.
આટલી ગહનતા અને ઊંડાણપૂર્વક ચિંતન કરીને લખાયેલા આપણા પવિત્ર મંત્રો જો એટલી જ શુદ્ધતા પૂર્વક પ્રયોજાય તો અવશ્ય કાર્યસિદ્ધ થઇ શકે છે.



