વિશેષ :શ્રી કૃષ્ણનો માખણનો ગોળો તમે જોયો છે?

- રાજેશ યાજ્ઞિક
તામિલનાડુમાં આવેલું મહાબલિપુરમ મંદિરોનું શહેર તરીકે વિખ્યાત છે. આ શહેર તામિલનાડુનાં અતિપ્રાચીન શહેરોમાંથી એક છે. તે મમલ્લાપુરમ તરીકે પણ ઓળખાય છે. 2019માં ચીનના પ્રમુખ શી જિનપિંગની ભારત મુલાકાત વખતે એક બેઠક અહીંયા, પ્રાચીન મંદિરોના સાન્નિધ્યમાં પણ યોજાઈ હતી. નોંધનીય વાત એ છે કે, 1956માં ચાઉ એન-લાઇની ભારત મુલાકાત પછી, ચીની પ્રમુખની આ બીજી મુલાકાત હતી. ચાઉ એન-લાઇ પણ મહાબલિપુરમ ખાતે મુલાકાત માટે આવેલા એ પણ નોંધવું જોઈએ. મમલ્લાપુરમ યુનેસ્કોની એક પ્રખ્યાત વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ શહેરની લોકપ્રિયતા છે.
ખેર, આ તો થઇ શહેરની વાત. શહેરમાં પથ્થરો કોતરીને બનાવેલા ભવ્ય અને દિવ્ય મંદિરો જોવા લાયક છે. પણ આજે આપણે વાત કરીશું એક ભક્તિભાવની, જે અહીંના એક પથ્થર સાથે જોડાયેલો છે. મહાબલીપુરમનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. અહીં ઘણી બધી જગ્યાઓ છે જે પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. તેમાંથી એક પ્રાચીન પથ્થર છે, જે કદમાં ઘણો વિશાળ છે. આ પથ્થરને ભગવાન કૃષ્ણનો માખણનો ગોળો પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ પથ્થર લગભગ 1200 વર્ષ પુરાતન છે. આ પથ્થર હજારો વર્ષોથી એક જ જગ્યાએ ઊભો છે. તેને ખસેડવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બધા નિષ્ફળ રહ્યા હતા. લગભગ 20 ફૂટ ઊંચો અને 5 મીટર પહોળો એવો આ પથ્થર 250 ટન વજનનો હોવાનું માનવામાં આવે છે. પરંતુ આશ્ર્ચર્યની વાત હવે આવે છે. ભૌતિક શાસ્ત્રના નિયમોને ચાતરીને આ પથ્થર માત્ર ચાર ફૂટના વ્યાસ વળી જમીન ને અડીને, તીવ્ર ઢાળવાળી જમીન પર ઉભો છે! તેમ છતાં તેને હલાવવાના કે હટાવવાના તમામ પ્રયત્નો નિષ્ફ્ળ ગયા છે. એટલુંજ નહીં 2004માં ત્યાં આવેલા સુનામી કે તામિલનાડુનાં દરિયા કિનારે વારંવાર આવતા વાવાઝોડા પણ તેને તસુભાર ડગાવી શક્યા નથી.
કેમ કહેવાય છે શ્રી કૃષ્ણનો માખણનો ગોળો?
એવું કહેવાય છે કે બાળપણમાં ભગવાન કૃષ્ણએ માખણ ખાતી વખતે થોડું માખણ પાડ્યું હતું, જે પછી પથ્થરમાં ફેરવાઈ ગયું છે અને આ જ કારણ છે કે તેને ભગવાન કૃષ્ણનો માખણનો ગોળો કહેવામાં આવે છે. હવે, આપણે સહુ જાણીએ જ છીએ કે, આ પથ્થર ઠેઠ તામિલનાડુમાં છે, અને શ્રી કૃષ્ણની લીલાઓ ઉત્તર ભારતમાં થઇ હતી. એટલે તર્ક લગાડીએ તો આ વાત વાજબી ન જ લાગે. પણ શ્રદ્ધા હોય તો કોઈ પણ પથ્થરમાં પરમેશ્વરના દર્શન થાય અને જો શ્રદ્ધા ન હોય, તો પરમેશ્વર પણ પથ્થર જ લાગે!
ખડકનો ઇતિહાસ
આ ખડક સાથે જોડાયેલી એક કથા એવી છે કે, 1908માં, મદ્રાસના ગવર્નર આર્થર લોલીએ આ ખડકને દૂર કરવાનો નિર્ણય લીધો કારણ કે તેમને ડર હતો કે આ ખડક પર્વતની ટોચ પરથી પડી જશે અને પર્વતની તળેટીમાં આવેલા શહેરને નુકસાન પહોંચાડશે. તેથી તેણે ખડકને ખસેડવા માટે સાત હાથીઓની મદદ લીધી પણ ખડક તેની જગ્યાએથી એક ઇંચ પણ ખસ્યો નહીં.
એવું કહેવાય છે કે આ પહેલા દક્ષિણ ભારતના યશશ્વી પલ્લવ રાજાઓએ પણ તેને હટાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અનેક પ્રયાસો પછી પણ તેઓ વિફળ રહ્યા હતા.
કેટલાક લોકો કહે છે કે ખડકની સ્થિરતા ‘ઘર્ષણ’ અને ‘ગુરુત્વાકર્ષણ કેન્દ્ર’ ના સિદ્ધાંતને આભારી હોઈ શકે છે. તેઓ માને છે કે ઘર્ષણ ખડકને નીચે સરકતા અટકાવે છે, જેના કારણે તે જમીન પર ટકેલો રહે છે, જ્યારે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર તેને નાના સંપર્ક ક્ષેત્રમાં સીધા ઊભા રહેવા માટે જરૂરી સંતુલન આપે છે.
સત્ય જે હોય તે, પરંતુ આ એક અજાયબી છે. ખડકની વિશાળતા સામે આપણે ખરેખર વામન લાગીએ. અને એ જોઈને વિચાર આવે કે જો એક ખડક સામે પણ આપણું અસ્તિત્વ આટલું તુચ્છ લાગતું હોય તો આ બ્રહ્માંડમાં તો આપણી શું હેસિયત. તો શેનું અભિમાન લઈને આપણે ફરીએ છીએ? આ એક ખડકને સાત હાથી હલાવી ન શક્યા અને આપણા કાનુડાએ ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકી લીધો! આ વિચારે જ આપણું શીશ શ્રદ્ધાથી ઝૂકી જાય. કદાચ, કૃષ્ણની આ અસીમ શક્તિ સામે આ ખડક તો તેના માખણના ગોળા જેવો જ લાગે ને!
આપણ વાંચો: અલૌકિક દર્શન: કુંડલિની શક્તિ: સમગ્ર બ્રહ્માંડ શિવશક્તિની લીલા છે…