ધર્મતેજ

મનનઃ મોક્ષના ચાર માર્ગ

હેમંત વાળા

પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે કે આ સૃષ્ટિ હકીકતમાં છે શું. વ્યક્તિનો જ્યારે સૃષ્ટિમાં પ્રવેશ થાય ત્યારે તેની પાછળ પ્રેરણા કે મજબૂરી, શું હોય છે. આ બધા નિર્ણય અંતે કોણ લે અને શા માટે લે. આ બધા જવાબ મેળવવા માટે વ્યવહારનો એક સામાન્ય નિયમ સમજવો જરૂરી છે. આધ્યાત્મના ક્ષેત્રમાં પરિસ્થિતિ વ્યવસ્થિત રીતે પૂર્ણતામાં સમજવી હોય તો પરિસ્થિતિથી બહાર નીકળવું પડે. જ્યાં સુધી વ્યક્તિ પરિસ્થિતિનો ભાગ છે ત્યાં સુધી કાંતો તેની માહિતી અંશત હોય અથવા કેન્દ્રીત હોય. આ પ્રશ્નોનાં જવાબ માટે મોક્ષ જરૂરી છે.

પુરૂષાર્થ શબ્દ પુરૂષ અને અર્થના સમન્વયથી બન્યો છે. પુરૂષ અર્થાત માનવ અને અર્થ એટલે હેતુ, ઉદ્દેશ્ય, લક્ષ્ય. એમ કહી શકાય કે પુરૂષાર્થ એટલે કોઈ પણ કાર્ય પાછળનું લક્ષ્ય. જ્યારે કોઈપણ કાર્ય સહેતુક કરવામાં આવે ત્યારે તેની પાછળ એક ઉદ્દેશ્ય હોય. સનાતની સંસ્કૃતિમાં પુરૂષાર્થને ચાર વિભાગમાં વર્ગીકૃત કરાયો છે; ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે સ્થાપિત થયેલ કર્તવ્યનું સત્ય, નૈતિકતા, ન્યાય અને નિસ્વાર્થ ભાવથી કરવામાં આવતું પાલન.

અર્થ એટલે જીવનના નિભાવ અને જીવનની સુરક્ષા માટે જરૂરી સંસાધનો એકત્રિત કરવા માટેની પ્રક્રિયા. આમાં ભવિષ્યની ઈચ્છા સંતોષવાની વાતનો પણ સમાવેશ થઈ શકે. કામ એટલે જીવનમાં ઉદ્ભવતી આનંદ-લક્ષી બાબતોનો ઉપભોગ કરવા માટેનાં પ્રયત્ન અને મોક્ષ એટલે જન્મ-મરણનાં ચક્રમાંથી મુક્તિ માટેનો, આત્મસાક્ષાત્કાર માટેનો, કૈવલ્યની સ્થિતિ માટેનો, પરમપદ પામવા માટેનો પ્રયત્ન.

સામાન્ય સંજોગોમાં, સામાન્ય માનવી માટે આ ચારેય પુરુષાર્થ આવશ્યક પણ છે, શક્ય પણ છે અને સાર્થક પણ છે. સામાન્ય પરિસ્થિતિમાં આ ચારેય સ્તંભ જીવનને સંતુલિત રાખી શકે છે. ધર્મથી દિશા નક્કી થાય, અર્થથી તે દિશા તરફની ગતિ શક્ય બને, કામથી એક પ્રવાસમાં ખુશી પ્રાપ્ત થવાની સંભાવના ઊભી કરવામાં આવે અને ધર્મથી અંતિમ ગંતવ્ય સ્થાને પહોંચી શકાય. ધર્મથી સંતોષ મળે, અર્થથી સ્થિરતા મળે, કામથી આનંદની અનુભૂતિ થાય અને મોક્ષથી જીવનનો અર્થ સાર્થક થાય.

ધર્મ પ્રેરક બળ બની શકે, અર્થ ચાલક બળ સમાન છે, કામ વચ્ચેનું વિરામ સ્થાન છે એમ ગણી શકાય જ્યારે મોક્ષ એ પ્રવાસની પૂર્ણતા છે. એક રીતે આ ચાર પુરુષાર્થ આદર્શ ગૃહસ્થ જીવનથી સંન્યાસ સુધીનો માર્ગ દર્શાવે છે. વિગતે જોતાં એમ જણાય છે કે ધર્મ, અર્થ અને કામ એ જીવન-યાત્રાની અગત્યની ભૂમિકા છે. આ ત્રણને આધારે જીવન આગળ વધે છે, જીવનમાં વ્યવહારિક પ્રવૃત્તિ સ્થાપિત થાય છે, વ્યક્તિગત-કૌટુંબિક-તેમજ સામાજિક સમીકરણોની નિભાવણી શક્ય બને છે, અને જીવન માટે ટૂંકાગાળાના તેમજ લાંબાગાળાના ઉદ્દેશ્ય મળતાં રહે છે.

જીવનની આ યાત્રાનો મોક્ષ અંતિમ પડાવ છે. અંતિમ લક્ષ્ય મોક્ષ હોવું જોઈએ. અર્થ અને કામ પર ધર્મનો પ્રભાવ હોવો જોઈએ. કામ પર વિવેક અને સંયમનું નિયંત્રણ હોવું જોઈએ. અર્થ-પુરુષાર્થ લોભ, કપટ, ચોરી, પરિગ્રહ વૃત્તિ તથા અનૈતિકતાથી મુક્ત હોવો જોઈએ. અર્થ અને કામ જો નિયંત્રિત ન થાય તો તે આસક્તિ અને બંધન તરફ લઈ જાય છે. એક દ્રષ્ટિકોણ પ્રમાણે ધર્મ, અર્થ અને કામ સાધન છે જ્યારે મોક્ષ એ અંતિમ સાધ્ય છે.

સનાતની તત્ત્વજ્ઞાન મુજબ મોક્ષ માટે મુખ્ય ચાર માર્ગ છે; જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ અને રાજયોગ. જ્ઞાનયોગ એ વૈચારિક માર્ગ છે જેમાં સ્વ-સ્વપ વિશે ચિંતન કરી `અહમ્‌‍ બ્રહ્માસ્મિ’ની અનુભૂતિ માટેનો પ્રયત્ન થાય છે. અહીં સૃષ્ટિના પ્રત્યેક સમીકરણને યથાર્થ સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન સ્થાપવાની આ પ્રક્રિયા છે. અવિદ્યાના આવરણને દૂર કરી વિદ્યાની સ્વીકૃતિની આ વાત છે. અસત્યના પ્રભાવ હેઠળથી મુક્ત થઈ સત્યની સ્વીકૃતિનો આ પ્રયાસ છે.

વાસ્તવિકતાની પ્રતીતિ થતાં અહીં જ્ઞાનને આધારે મોક્ષ માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. ભક્તિયોગ એ ઈશ્વરના અસ્તિત્વની સ્વીકૃતિનો અને ઈશ્વરના પ્રેમનો માર્ગ છે. અહીં ભક્તજન ઈશ્વરને પોતાનું સર્વસ્વ માની, તેને સર્વસ્વ અર્પણ કરી, તેને યોગક્ષેમની ચિંતા સોંપી, ભજન-કીર્તનમાં જીવન વ્યતીત કરે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે `મારો ભક્ત મને પ્રિય છે’. અહીં ઈશ્વર કૃપાથી મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન થાય છે.

કર્મયોગ એ નિષ્કામ કર્મનો માર્ગ છે. અહીં માનવી ફળની આશા રાખ્યા વગર નિયત કર્મ કરતો રહે છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે કર્મયોગના માર્ગને ગીતા વધુ મહત્વ આપે છે. કર્મમાં જ તારો અધિકાર છે',નિયત થયેલું કર્મ કાર્ય કરવું જ પડે અને તે પણ અકર્મના ભાવથી’ – એમ ગીતા સ્પષ્ટ જણાવે છે. એમ પણ કહી શકાય કે અહીં કર્મ ઈશ્વરને અર્પણ કરી દેવાય છે.

કર્મયોગથી સ્થાપિત થયેલા અને સંલગ્ન, બધાં જ કર્મફળ શૂન્યતામાં પરિણામે અને અંતે મોક્ષ પ્રાપ્તિ શક્ય બને. મારાં વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે મોક્ષના બધા જ માર્ગમાં ધ્યાન અને સમાધિનો માર્ગ રાજયોગ સૌથી મુશ્કેલ અને સંવેદનશીલ છે. અહીં શાસ્ત્રીય વિધિ-વિધાન પ્રમાણે યોગના આઠ અંગ; યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિનું પાલન કરી આત્મસાક્ષાત્કાર માટે પુષાર્થ કરવામાં આવે છે.

આ સમગ્ર પ્રક્રિયામાં મન એકદમ શાંત થઈ જાય, પ્રકાશિત સ્વ-સ્વરૂપની અનુભૂતિ થાય અને નિજાનંદ પરિસ્થિતિ સ્થાપિત થાય. આત્મસાક્ષાત્કારથી મોક્ષની પ્રાપ્તિનો આ માર્ગ છે.

જ્ઞાનયોગમાં `હું કોણ છું’ તે સમજમાં આવે, ભક્તિયોગમાં ઈશ્વર પ્રત્યેનું દાસત્વ પ્રતીત થાય, કર્મયોગમાં પોતે નિમિત્તમાત્ર હોવાનો અને ત્રિગુણાત્મક વિશ્વકર્તા છે તે પ્રમાણે વ્યવહાર થાય જ્યારે રાજયોગમાં શૂન્યતામાં પ્રવેશતા આત્માની અનુભૂતિ શક્ય બને અને અદ્વૈત અનુભવાય. આ ચારેય માર્ગોનો હેતુ એક જ છે, મોક્ષ-પુરુષાર્થ, આધ્યાત્મિક પુરૂષાર્થ.

આ જ મનુષ્ય જીવનને અંતિમ અર્થ આપે છે. અહીં જ જીવનને શાશ્વત તેમજ સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં વર્ણવાયેલી પરમાનંદની આ સ્થિતિ છે. અસ્તિત્વ સંપૂર્ણતામાં વિરમે છે. દિવ્ય ચેતનાની આ અનુભૂતિ છે જેમાં હવે પ્રવેશ શક્ય બને.

આ પણ વાંચો…મનનઃ શ્રુતિ ને સ્મૃતિ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button