ચિંતનઃ મહાભારતનું યુદ્ધ એટલે ન્યાયની સાબિતી

- હેમુ ભીખુ
ઈશ્વરનો ન્યાય સીધો દેખાતો નથી, પણ વાસ્તવિકતા એ છે કે સમગ્ર સૃષ્ટિનો વ્યવહાર હંમેશાં ન્યાયસંગત હોય છે. એકવાર એમ જણાય કે ચીરહરણ સમયે ઈશ્વરે દ્રૌપદીને અન્યાય થવા દીધો, જીવનના એક કાળખંડ સુધી યુધિષ્ઠિરને પણ અન્યાય થયો, મીરાં અને નરસિંહને પણ અન્યાય થયો હોય તેમ કોઈ માની શકે, પરંતુ વાસ્તવમાં આમ નથી હોતું.
યોગ્ય પરિસ્થિતિ સ્થાપિત થાય ત્યારે, ઈશ્વરને સંપૂર્ણ સમર્પિતતા તથા ભક્તિભાવથી બોલાવવામાં આવે ત્યારે, ઈશ્વર ‘ન્યાય’ સ્થાપિત કરવા હાજર હોય છે. જે કંઈ વિપરીત પરિસ્થિતિ પ્રતિત થાય તેની પાછળ ક્યાં તો ભક્તના ઘડતરની યોજના હોય, તેની કસોટી હોય અથવા લાંબાગાળાના ‘ન્યાય’નું આયોજન હોય. ઈશ્વરને ત્યાં અન્યાય પણ નથી અને ન્યાયમાં વિલંબ પણ નથી. ઈશ્વરનો ન્યાય અચૂક પ્રગટ થાય છે. છતાં પણ અમુક સમયે કેટલાંક લોકોને ઈશ્વરના ન્યાય માટે શંકા રહી શકે. આ શંકાના નિવારણ માટે જ મહાભારતનું યુદ્ધ આલેખાયું હશે.
કહેવાય છે કે ઈશ્વરનો ન્યાય અદ્રશ્ય અને અતિ સૂક્ષ્મ હોય છે. સામાન્ય રીતે તે નજરે ન ચડે તેવો અને માણસની બુદ્ધિની પહોંચના બહારના વિસ્તારમાં હોય છે. ગુઢ જણાતો ઈશ્વરનો ન્યાય સમય આવતાં સ્પષ્ટ થાય છે.
અનીતિ, અધર્મ અને અસત્યનો નાશ કરવામાં ઈશ્વરની ન્યાય પદ્ધતિ સમજવા ધીરજ અને પારદર્શક દ્રષ્ટિ જરૂરી છે. ભવિષ્ય સુધી માનવીની પહોંચ ન હોવાથી ઈશ્વરનો સમગ્ર સૃષ્ટિ માટેનો હિતકારી ન્યાય ધ્યાનમાં નથી આવતો. ઈશ્વરનો ન્યાય આ રીતે પડદા પાછળ રહેતો હોવાથી ઘણીવાર સામાન્ય માનવી તેના પરથી વિશ્વાસ ગુમાવી બેસે છે. સાંપ્રત સમયમાં તો એમ જોવા મળે છે કે જે અધર્મ અને અસત્યનું આચરણ કરે છે તેનાં પર પરિસ્થિતિ વધારે ‘મહેરબાન’ રહે છે.
સમજવાની વાત એ છે કે ઈશ્વરનું સામ્રાજ્ય ન્યાયનું સામ્રાજ્ય છે, તેમાં ધર્મ અને સત્યનું જ વર્ચસ્વ છે. મહાભારતના સમયે, ન્યાયનું જ વર્ચસ્વ છે તેમ સ્થાપિત કરવા માટે, ન્યાયમાં સત્ય અને ધર્મની ભૂમિકા જ આધારભૂત છે તેમ સિદ્ધ કરવા માટે મહાભારતના યુદ્ધની આવશ્યકતા હતી.
અધર્મના મૂળ સમાન દુર્યોધને હસ્તિનાપુરની રાજ્યસત્તા પર યુધિષ્ઠિરનો હક અધર્મથી છીનવી તેમને તેમના બંધુ અને પત્ની સાથે વનવાસ માટે મજબૂર કર્યાં હતાં. લાક્ષાગૃહમાં તેમને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન પણ કર્યો હતો. કપટથી રમાયેલ જુગાર તથા દ્રૌપદીના અપમાન જેવી અનેક અધર્મી બાબતોને કારણે ભીમે ગદાયુદ્ધમાં તેનો વધ કર્યો હતો. આ ન્યાય હતો.
દુશાસને દુર્યોધનના દરેક અધર્મમાં તેને સાથ આપેલો. તેણે દ્રૌપદીનું ચીરહરણ કરવા માટે પણ પ્રયાસ કરેલો. મહાભારતના યુદ્ધમાં ભીમે તેને પણ પરાજિત કરેલો અને તેની છાતી ચીરી નાખી હતી. આ ન્યાય હતો.
કર્ણની કથા પણ આ જ પ્રકારની છે. તેણે અધર્મને, અન્યાયને સાથ આપેલો જેથી મહાભારતના યુદ્ધમાં અર્જુને તેનો વધ કર્યો હતો. આમ સાત્ત્વિક જીવન જીવનાર ભીષ્મ પિતામહે પણ જે તે મજબૂરીને કારણે અધર્મને સાથ આપવો પડેલો. વળી દ્રૌપદીના અપમાન વખતે તેઓ મૌન રહ્યાં હતાં. અંતે તેમણે બાણશય્યા પર જીવનનાં અંતિમ શ્વાસ લેવા પડ્યાં હતાં.
ગુરુ દ્રોણાચાર્ય પણ અધર્મના પક્ષે લડતાં હોવાથી ધૃષ્ટદ્યુમ્નના હાથે તેમનું મૃત્યુ થયું હતું. દુર્યોધન અને અન્ય કૌરવોને અધર્મનો પાઠ પઢાવનાર ગાંધાર દેશના રાજકુમાર શકુનીનો યુદ્ધમાં સહદેવે વધ કર્યો હતો. જયદ્રથનો પણ યુદ્ધમાં જ અર્જુનના હાથે વધ થયો હતો. અર્જુન દ્વારા તીરથી તેનું મસ્તક કપાયું હતું. અધર્મનો સાથ આપનાર ભૂરિશ્રવા, કૃપાચાર્ય, કૃતવર્મા જેવાં અનેકનો મહાભારતના યુદ્ધમાં સંહાર થયો હતો. સમાજને ઈશ્વરના ન્યાયમાં વિશ્વાસ સ્થાપિત થાય તેની માટે આ જરૂરી હતું.
માનવીને જે યોગ્ય કે અયોગ્ય જણાય તે મુજબ ઈશ્વરનો ન્યાય નથી હોતો. ઈશ્વરના ન્યાયની સ્થિતિ અને ગતિ ગહન છે. ન્યાય કર્મને આધારિત છે અને ગીતામાં જણાવ્યું છે કે કર્મ, વિકર્મ અને અકર્મ, ત્રણેયનું ચોક્કસ પરિણામ હોય છે. અહીં ક્યાંય અપવાદ નથી. જે અપવાદ જણાતો હોય છે તે પણ એક ચોક્કસ યોજનાના ભાગરૂપે હોય છે. કર્મ અને તેને આધારિત ન્યાય વચ્ચેનું સમીકરણ નજરે ન ચડે.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પણ જણાવાયું છે કે ‘દેવો ન દૃશ્યંતિ તવૈવ મહિમાનમ્’ અર્થાત્ દેવતાઓ પણ ઈશ્વરનાં કાર્યો અને ન્યાયને સંપૂર્ણ જોઈ શકતાં નથી – સમજી શકતાં નથી – પામી શકતાં નથી. એમ સમજી શકાય કે ઈશ્વરીય ન્યાય-તત્ત્વનું વર્ણન તેમજ અભિવ્યક્તિ અશક્ય છે. તે હૃદયની શુદ્ધિથી અનુભવાય છે, બુદ્ધિથી નહીં.
ઈશોપનિષદમાં કહેવાયું છે કે ‘વિદ્યા ચાવિદ્યા ચ યસ્તદ્વેદોભયં સહ’ અર્થાત્ જેને વિદ્યા અને અવિદ્યા, બંને સાથે સમજાય છે, તે જ ઈશ્વરના નિયમોને અનુભવે છે. સામાન્ય દ્રષ્ટિએ ન્યાય અદૃશ્ય છે. વિદ્યા અને અવિદ્યા, બંનેની સમન્વયિત દ્રષ્ટિ એક વ્યક્તિમાં લગભગ અશક્ય છે અને તેથી જ ઈશ્વરીય ન્યાય સમજમાં નથી આવતો.
માનવીને વર્તમાનની જાણ હોય છે, તે પણ અંશત:. માનવીને ભૂતકાળની સ્મૃતિ પણ હોય, તે પણ બહુ મર્યાદિત માત્રામાં, બહુ જ સીમિત કાળખંડ માટે. ભવિષ્ય માનવીની પહોંચની બહારનો વિસ્તાર છે. ભવિષ્ય એ ન્યાયનો વિસ્તાર છે. ભવિષ્ય હવે પછીની પળ પણ હોઈ શકે અને આગળનો કોઈ જન્મ પણ. ભવિષ્યમાં થનારી ઘટના પાછળ અનેક પરિબળો કારણભૂત રહે અને તેથી તે ઘટનાને વાસ્તવિક ન્યાય તરીકે જોવું એ માનવી માટે અસંભવ છે.
આવા સંજોગોમાં ન્યાય પર વિશ્વાસ સ્થાપિત થાય તે માટે પણ મહાભારતના યુદ્ધની આવશ્યકતા હતી. મહાભારતના યુદ્ધથી એ સમજી શકાય કે ઈશ્વરનો ન્યાય સમજમાં ન આવે પરંતુ તેનું પરિણામ સમજમાં આવી શકે.
ઈશ્વર સર્વજ્ઞ છે, તટસ્થ છે, નિષ્પક્ષ છે, સાક્ષી છે, સત્ય અને ધર્મનો આગ્રહી છે, સર્વનો હિતેચ્છુ છે, તેથી ત્યાં અન્યાયની કે વિલંબિત ન્યાયની કોઈ સંભાવના નથી. યોગ્ય સમયે દરેકને ન્યાય ઉપલબ્ધ છે. ઈશ્વરની વ્યવસ્થા જ તે પ્રકારની છે.
આપણ વાંચો: અલખનો ઓટલોઃ અમદાવાદમાં યોજાયેલા બે ગરિમાપૂર્ણ જ્ઞાનોત્સવ