ધર્મતેજ

રાજસ્થાન સીએમ અશોક ગહેલોતે મહિલાઓને દસ હજારની વાર્ષિક સહાયની કરી જાહેરાત

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે બુધવારે કોંગ્રેસની સરકાર સત્તામાં આવે તો રાજસ્થાનના 1 કરોડ 5 લાખ પરિવારોને ફક્ત 500 રૂપિયામાં એલપીજી સિલીન્ડર આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજસ્થાનના જે ઘર-પરિવારનું વડપણ મહિલાઓના હસ્તક હોય તે મહિલાઓને દર વર્ષે 10 હજાર રૂપિયાની સન્માન રકમ સહાયરૂપે આપવામાં આવશે. આ યોજનાને ‘ગૃહલક્ષ્મી ગેરંટી’ નામ આપવામાં આવ્યું છે. સહાયની રકમની ચૂકવણી 3 તબક્કામાં કરવામાં આવશે. રાજસ્થાનના ઝૂંઝનું ખાતે એક ચૂંટણી રેલી દરમિયાન અશોક ગહેલોતે આ જાહેરાત કરી હતી.

રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થવા જઇ રહ્યું છે, 3 ડિસેમ્બરે મતગણતરી છે અને સરકારે વધુ એકવાર મતદારોને આકર્ષવા નાણાની કોથળી ખુલ્લી મુકી દીધી છે. રાજસ્થાનમાં 5.25 કરોડ મતદાતાઓ આ વર્ષે મતદાન કરશે.

પ્રિયંકા ગાંધીએ પણ ચૂંટણી રેલીમાં સંબોધન કર્યું હતું. તેમની આ સભામાં અનેક સ્થાનિક ભાજપના નેતાઓ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાયા હતા. રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ મમતા શર્મા, કિશનગઢથી ભાજપની ટિકીટ પર ચૂંટણી લડી ચુકેલા વિકાસ ચૌધરીએ પણ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ધોલપુરના ધારાસભ્ય શોભરાણી કુશવાહાએ પણ કોંગ્રેસનું સભ્યપદ લીધું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપ્યા બાદ ભાજપે તેમને હાંકી કાઢ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button