ધર્મતેજ

પ્રહલાદ: ‘તમે મારા ભગવાન અવશ્ય છો પણ સમગ્ર સૃષ્ટિના પાલનકર્તા ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિ હું નહીં છોડી શકું.’

શિવ રહસ્ય -ભરત પટેલ

(ગતાંકથી ચાલુ)
પ્રસન્ન બ્રહ્મદેવ હોલિકાને વરદાન માગવાનું કહેતાં ડરપોક હોલિકા કહે છે, ‘હે બ્રહ્મદેવ મને અગ્નિથી બહુ ડર લાગે છે, મને એવું વરદાન આપો કે કોઈપણ અગ્નિ મને બાળી નહીં શકે.’ બ્રહ્મદેવ કહે છે, ‘તથાસ્તુ, પણ યાદ રહે હોલિકા જો આ વરદાનનો દુરુપયોગ થયો તો આ વરદાન તમારા માટે પણ અનિષ્ટકારી સિદ્ધ થશે.’ હિરણ્યકશ્યપુ પોતાના અસુરોને આદેશ આપે છે કે હવે સમસ્ત સંસારમાં મને જ ભગવાન માનવામાં આવે જે કોઈ માનવ શ્રીહરિ વિષ્ણુની ભક્તિ કરતો દેખાય તો મારી સમક્ષ લાવી તેનો વધ કરવામાં આવે. સામે કૈલાસ ખાતે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે, ‘હિરણ્યકશ્યપુ પોતાને ભગવાન માનવા માંડ્યો છે પણ તેના ઘરમાં તેનો પુત્ર તો ભગવાન શ્રીહરિ વિષ્ણુનો ભક્ત છે, આ શું લીલા છે?’ ભગવાન શિવ તેમને સમજાવતાં કહે છે કે, ‘દેવી નિયતીની લીલા અપરંપાર છે, એક વખત દેવરાજ ઇન્દ્રએ એવું વિચાર્યું કે જો હિરણ્યકશ્યપુની પત્ની કયાધુનો જ વધ કરવામાં આવે તો અસુરી શક્તિ ઉત્પન્ન જ નહીં થાય અને તેમણે હિરણ્યકશ્યપુના સેનાપતિ દુંદુભિનો વેશ ધારણ કરી કયાધુનું અપહરણ કરી તેનો વધ કરવા જાય છે. એ જ સમયે ત્યાંથી પસાર થતા દેવર્ષિ નારદ તેમને એવું કરતા રોકે છે અને કયાધુને થોડા દિવસ પોતાના આશ્રમમાં લઈ જાય છે. દેવર્ષિ નારદના આશ્રમના કણેકણમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ સમાયેલા છે. અનાયાસ જ શ્રવણ કરેલા શ્રીહરિ વિષ્ણુના ગાનથી કયાધુના ગર્ભમાં રહેલો પ્રહ્લાદ કઈ રીતે અલિપ્ત રહી શકે અને ગર્ભમાં રહેલો પ્રહ્લાદ પ્રખર વિષ્ણુ ભક્ત બની ગયો છે.’ અસુરગુરુ શુક્રાચાર્ય હિરણ્યકશ્યપુને કહે છે કે ‘તમારે સ્વર્ગલોક પર આક્રમણ કરી દેવતાઓને દાસ બનાવો અને ત્યારબાદ શ્રીહરિ વિષ્ણુને પરાજિત કરી તમારા ભાઈ હિરણ્યાક્ષના વધનો બદલો લો.’ આ સાંભળી પ્રહ્લાદ કહે છે,: ‘પિતાજી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે બદલો લેવાથી તમને શું લાભ થશે? તમે તો વરદાની છો, તમે જ્યાં પણ જશો ત્યાં તમને સફળતા જ મળવાની છે તો કોઈ પર આક્રમણ કરી બદલો લેવાની આવશ્યકતા શું છે? દરેકના ગુરુ પોતાના શિષ્યોને યોગ્ય માર્ગદર્શન અને સત્કર્મની પ્રેરણા આપતા હોય છે તો આપના ગુરુ આવું વિપરીત કાર્ય કરવાનું કેમ કહે છે.’ અસુર બાળકની આવી વાત સાંભળી ક્રોધિત અસુરગુરુ શુક્રાચાર્ય પ્રહ્લાદ પર ક્રોધાયમાન થાય છે એ જોઈ પ્રહ્લાદ તેમને એક પ્રશ્ર્ન પૂછે છે કે ‘દરેક ગુરુ ક્રોધ ન કરવો અને કટૂતાથી દૂર રહેવાની શિક્ષા આપે છે અને તમે ક્રોધ કરી કટૂ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છો.’


બાળક પ્રહ્લાદે પોતાના પર કરેલા આટલા મોટા આક્ષેપથી શુક્રાચાર્ય ત્યાંથી વિદાય લે છે અને હિરણ્યકશ્યપુને ચેતવણી આપતાં કહે છે, ‘હે અસુરશિરોમણી ધ્યાન રાખજો ક્યાંક આ તમારો દીકરો જ તમારા પતનનું કારણ ન બને.’

પોતાના ગુરુ દ્વારા અપાયેલી ચેતવણીથી હિરણ્યકશ્યપુ પણ ડઘાઈ જાય છે અને પત્ની કયાધુને કહે છે કે ‘પ્રહ્લાદને વિષ્ણુ ભક્તિ છોડી મારી ભક્તિ કરવાનું સમજાવ.’ ગભરાયેલી કયાધુ પ્રહ્લાદને પોતાના ઓરડામાં લઈ જાય છે.

કયાધુ: ‘પુત્ર તારા પિતા હિરણ્યકશ્યપુ સમગ્ર સંસારના ભગવાન છે.’

પ્રહ્લાદ: ‘નહીં માતા, પિતાજી મારા ભગવાન સમાન છે, પણ સમગ્ર સંસારના ભગવાન તો શ્રીહરિ વિષ્ણુ જ છે.’

કયાધુની વાત ન સાંભળતાં પ્રહ્લાદ ભગવાન શ્રીહરિ વિષ્ણુનું જ રટણ કરે છે.

હવે આ રટણથી સમગ્ર રાજમહેલમાં ચિંતાનું મોજું ફરી વળે છે. દરેક જણ એક જ વાત કરે છે કે પ્રહ્લાદનું શું થશે?

સેનાપતિ દુંદુભિ: ‘મહારાજ કુમાર પ્રહ્લાદ માતા કયાધુનું પણ સાંભળતા નથી તેઓ શ્રીહરિ વિષ્ણુનું જ રટણ કરી રહ્યા છે.’

હિરણ્યકશ્યપુ: ‘જાઓ, એને મારી સમક્ષ પ્રસ્તુત કરો.’

સેનાપતિ દુંદુભિ પ્રહ્લાદને હિરણ્યકશ્યપુ સમક્ષ ઉપસ્થિત કરે છે.

હિરણ્યકશ્યપુ: ‘પ્રહ્લાદ મેં તને કહ્યું છે કે સમગ્ર સૃષ્ટિનો ભગવાન હું છું તારે મારી જ ભક્તિ કરવી પડશે.’

પ્રહ્લાદ: ‘તમે મારા ભગવાન અવશ્ય છો પણ સમગ્ર સૃષ્ટિના પાલનકર્તા ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિ હું નહીં છોડી શકું.’

હિરણ્યકશ્યપુ: ‘દુદુંભિ જાઓ આ મૂર્ખને પહાડની ટોચ પરથી નીચે ફેંકી દો.’

દુંદુભિ અને સૈનિકો પ્રહ્લાદને પહાડની ટોચ પર લઈ જાય છે અને ત્યાંથી ફેંકી દે છે. પ્રહ્લાદને ફેંકી દેવાતા એક અદૃશ્ય શક્તિ (ભગવાન શ્રીહરિ વિષ્ણુ) તેની રક્ષા કરે છે અને એ પહાડની તળેટીની ભૂમિ પર અસંખ્ય ફૂલોની ચાદર બની જાય છે જેના પર પડતાં પ્રહ્લાદ ફરી ઊભો થઇ રાજમહેલ તરફ પ્રયાણ કરે છે. સૈનિકો હિરણ્યકશ્યપુને ખબર આપે છે કે અમે પ્રહ્લાદને પહાડની ટોચ પરથી ફેંકી દીધો છે એના હાડકા પણ નથી બચ્યાં. આટલું સાંભળતાં જ કયાધુ કહે છે, ‘મારો પુત્ર આ દુનિયામાં નથી રહ્યો તો હું અહીં શું કરીશ, સ્વામી મને પણ મૃત્યુદંડની સજા આપો.’
પ્રહ્લાદ : ‘માતા હું જીવિત છું, તમે આ શું બોલી રહ્યાં છો?’

પ્રહ્લાદને જીવંત જોઈ કયાધુ પ્રસન્નતા અનુભવે છે.

હિરણ્યકશ્યપુ: ‘સૈનિકો તમે શું કર્યું, આ મૂર્ખ તો જીવિત છે. આને રાજસભામાં જ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં એને નાખી દેવામાં આવે.’

સૈનિકો રાજસભામાં જ એક કઢાઈમાં તેલ ગરમ કરી એમાં નાખવા માટે ઊંચકી નાખી દે છે. એજ સમયે એક અજ્ઞાત શક્તિ કઢાઈમાં રહેલા તેલને ઠંડુંગાર બનાવી દે છે. નીચેથી ધગધગતી અગ્નિમાં મૂકેલા કઢાઈના તેલમાં બેસી પ્રહ્લાદ શ્રીહરિ વિષ્ણુનું રટણ કરે છે. આ જોઈ રાજસભામાં બેઠેલા અસુરો પ્રહ્લાદનો જયજયકાર કરવા માંડે છે. પ્રહ્લાદનો જયજયકાર સાંભળી હિરણ્યકશ્યપુ ક્રોધિત થાય છે. ક્રોધિત હિરણ્યકશ્યપુને જોઈ રાજસભાના અસુરો હિરણ્યકશ્યપુનો જયજયકાર કરવા માંડે છે. ક્રોધિત હિરણ્યકશ્યપુ ગરમ તેલના કઢાઈને લાત મારતાં પ્રહ્લાદ નીચે ગબડી પડે છે. કયાધુ પુત્ર પ્રહ્લાદને પોતાની સાથે લઈ જાય છે.

દેવગુરુ શુક્રાચાર્ય: ‘મહાપરાક્રમી હિરણ્યકશ્યપુ તમને ખબર પડી ગઈ હશે કે શ્રીહરિ વિષ્ણુ દેવગણોને સ્વર્ગલોક ખાતે સુરક્ષિત રાખવા કેવી ચાલ રમે છે.’

હિરણ્યકશ્યપુ: ‘ગુરુદેવ હું એવું વિચારું છું કે જો ઇન્દ્ર જ નહીં રહે તો, શ્રીહરિ વિષ્ણુ સ્વર્ગલોક કોને આપશે? ચાલો અસુરો સ્વર્ગલોક પર આક્રમણ કરો.’

હિરણ્યકશ્યપુનો આદેશ મળતાં જ અસુર સેના સ્વર્ગલોક પર આક્રમણ કરે છે. યુદ્ધ દરમિયાન દેવરાજ ઇન્દ્રની હાર થતાં અસુર સૈનિકો ઇન્દ્ર સહિત દેવગણને બંદી બનાવે છે અને અસુર સેના હિરણ્યકશ્યપુનો જયજયકાર કરે છે.

હિરણ્યકશ્યપુ: ‘ગુરુદેવ જુઓ મેં દેવરાજને બંદી બનાવી દીધો છે, હવે એનો વધ કરી સુંદરી શચિને મારી પત્ની બનાવીશ.’

એ જ સમયે ત્યાંથી પસાર થતાં દેવર્ષિ નારદ ત્યાં પધારે છે.

દેવર્ષિ નારદ: ‘સંસારના સૌથી શક્તિમાન એવા હિરણ્યકશ્યપુ એક સ્ત્રીનું અપમાન કરે એ શોભા નથી દેતું’

હિરણ્યકશ્યપુ: ‘દેવર્ષિ જ્યારે મારી ગેરહાજરીમાં મારી પત્નીનું અપહરણ કરી તેની હત્યાનું ષડયંત્ર યોજયું એ શું ઇન્દ્રને શોભતું હતું?’

દેવર્ષિ નારદ: ‘મહાબલી હિરણ્યકશ્યપુ ત્યારે પણ મેં જ તમારી પત્નીનું સન્માન જળવાય એ માટે મધ્યસ્થી કરેલી અને આજે પણ એક સ્ત્રીનું સન્માન જળવાય એ માટે મધ્યસ્થી કરું છું.

મારી વિનંતી છે કે તમે દેવી શચિને છોડી દો
અને દેવરાજ ઇન્દ્રને બંદી બનાવી તમારો દાસ બનાવો.’ (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…