ધર્મતેજ

ધર્મનો મૂળ અર્થ સમજવાની જરૂર

મનન -હેમુ-ભીખુ

શું કરવું અને શું ન કરવું એ પ્રશ્ર્ન કાયમી છે. એક પરિસ્થિતિમાં એક કાર્ય યોગ્ય લાગે તો પરિસ્થિતિ બદલાતા તે જ કાર્ય વિશે શંકા પણ થાય. કાર્ય ધર્મ આધારિત હોવું જોઈએ, પણ ધર્મની વ્યાખ્યા કરવી પણ જરૂરી છે. જ્યારે ગીતામાં કહેવામાં આવે કે સ્વધર્મે નિધનં શ્રેય ત્યારે ધર્મની વ્યાખ્યા લગભગ નક્કી થઈ જાય છે. ધર્મ એટલે એવી ઘટના કે જેની સાથે ઉત્તરદાયિત્વ જોડાયેલું હોય. ધર્મ એટલે ઉચ્ચકક્ષાની નૈતિકતાને આધારે કરાયેલું કાર્ય. ધર્મ એટલે કોઈપણ પ્રકારની અપેક્ષા વગર, કોઈપણ પ્રકારની તરફેણ વગર સત્યને સાક્ષી રાખી કરાયેલને કાર્ય. ગીતામાં ભગવાન અર્જુનને વાત કહે કે “નિયતં કુરુ કર્મ ત્વમ્ – “તું તારું નિયત થયેલું કર્મ કર, કેમ કે, કર્મ ન કરવા કરતાં કર્મ કરવું વિશેષ છે. નિયત થયેલ કર્મ કરવું એટલે જ ધર્મનું પાલન.

નિયત-કર્મ ત્રણ બાબતોને આધારિત હોય છે. મા-બાપની સેવા જેવા કેટલાક નિયત-કર્મ જન્મની સાથે નિર્ધારિત થઈ જાય છે. આપણી હાજરીમાં, રસ્તે કોઈને અકસ્માત થયો હોય તો તેમને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું નિયત-કર્મ સંજોગો દ્વારા સ્થાપિત થાય છે – કેટલીક પરિસ્થિતિ નક્કી કરે કે કયા કર્મ નિર્ધારિત થયેલ છે. કેટલાક નિયત-કર્મ સિદ્ધાંત કે વિચારધારાને આધારિત હોઈ શકે. આ ત્રણેય પરિસ્થિતિમાં માત્ર કર્મ કરવું જરૂરી નથી પણ તે કર્મ નિર્લેપતાથી કરવું જરૂરી છે.

નિયત-કર્મ માટે લગાવ ન હોવો જોઈએ. નિયત-કર્મ એ એક પ્રકારે ઉત્તરદાયિત્વ છે. આ કર્મ, અકર્મતાના ભાવથી થવું જરૂરી છે. સાથે સાથે કર્મ નિર્દોષ તેમજ સત્ય આધારિત હોવું જરૂરી છે. કોઈ વિશેષ સંજોગોમાં આ પ્રકારના માળખામાંથી બહાર જવાની જરૂરિયાત જણાય ત્યારે થયેલા નુકસાનની ભરપાઈ કરી આપવાની તૈયારી હોવી જોઈએ.

કોઈપણ કર્મ હંમેશાં ફળની આશાનો ત્યાગ કરીને કરાવવું જોઈએ. પણ જ્યારે નિયત કર્મ કરવાનું હોય ત્યારે પરિણામ-લક્ષી હોવું ઇચ્છનીય છે. મા-બાપની સેવા કરવાથી મા-બાપને સારું લાગે તેવી ઈચ્છા રાખવી વ્યાજબી છે. કુટુંબનું ભરણપોષણ કરવું તે નિયત-કર્મ છે. તેની માટે પરિશ્રમ કરવો જરૂરી છે અને તે પરિશ્રમના પરિણામે કશુંક પ્રાપ્ત થાય તેવી ઈચ્છા રાખવી સહજ છે – તો જ કુટુંબનું ભરણપોષણ શક્ય બને. એમ જણાય કે આવા સંજોગોમાં નિયત-કર્મ સાથે અપેક્ષાઓ જોડાયેલી હોય છે, પણ આમ નથી. વિશેષ સંજોગોમાં નિયત-કર્મ પાસેથી પરિણામની અપેક્ષા રાખવી એ પણ નિયત-કર્મના એક ભાગ સમાન જ હોય છે. અહીં પરિસ્થિતિ સમગ્રતામાં જોવાની હોય. જ્યારે કોઈ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે એવી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે કે તે વ્યક્તિ સાજો થઈ જાય. આ પ્રકારની અપેક્ષા વ્યક્તિગત ન હોવાથી – તેની સાથે વ્યક્તિગત લગાવ ન હોવાથી સ્વીકાર્ય છે.

પુરુષાર્થ કરવો એ નિયત-કર્મ છે. પુરુષાર્થ વગર શરીરનો વ્યવહાર તો નથી જ ટકતો પણ સાથે સાથે સામાજિક માળખું પણ વેરવિખેર થઈ જાય. માનવ તરીકે જન્મ લીધા પછી જ્ઞાન કે ભક્તિના સહારે મોક્ષ તરફ પ્રયાણ કરવું તે પણ નિયત-કર્મ છે. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા નિભાવતા વ્યક્તિગત ઉન્નતિ માટે પણ કાર્યરત રહેવું જરૂરી છે. વ્યક્તિનું ઉત્તરદાયિત્વ માત્ર અન્ય પ્રત્યે નથી, સ્વયં પ્રત્યે પણ છે. સ્વયમ્ યોગ્ય માર્ગે આગળ વધી શકે તે માટે માનસિક, શારીરિક, આધ્યાત્મિક તેમજ સામાજિક તંદુરસ્તી જળવાયેલી હોવી જોઈએ – આ પણ એક પ્રકારનું ઉત્તરદાયિત્વ છે. નિયત થયેલ કર્મનો વ્યાપ વિશાળ છે અને દરેક પાસા પર સંમિલિત થવાની જરૂર છે. છતાં પણ જો કોઈ એક પાસા પર ધ્યાન કેન્દ્રિત હોય તો, એમ જણાય છે કે, અન્ય પાસા પણ આપમેળે ગોઠવાતા જાય.

પ્રકૃતિનું દરેક તત્ત્વ પોતાનું નિયત થયેલ કર્મ નિભાવે છે. અગ્નિ દાહ આપે છે તો જળ શીતળતા બક્ષે છે. વૃક્ષ ફળ આપે છે તો ધરતી આધાર આપે છે. ઋતુઓ પોતાના ચક્ર પ્રમાણે પરિવર્તનશીલ રહે છે તો રાત પછી દિવસ જીવનમાં પ્રવેશવા તૈયાર જ હોય છે. લીંબુએ ખટાશ આપવાની હોય છે જ્યારે મધ મીઠાશ આપવા માટે સર્જાયું છે. સૃષ્ટિનું દરેક તત્ત્વ તેના ગુણધર્મને આધારિત પોતપોતાના કાર્ય કરે છે. એમાં નથી કોઈ અપેક્ષા કે નથી કોઈ અપવાદ. મૃત્યુ પોતાનું કામ કરે અને જન્મ નિયત કર્મ માટે કાર્યરત થવાનું કારણ બને.

ક્યાંક નિયત-કર્મ શૃંખલાના ભાગ સમાન હોય છે. વૃક્ષનું કાર્ય છે કે બીજનું સર્જન થાય અને બીજનું કાર્ય છે કે વૃક્ષ અસ્તિત્વમાં આવે. આ શૃંખલા આમ જ ચાલ્યા કરે. સૃષ્ટિમાં ઘણા નિયત-કર્મો પરસ્પર આધારિત રહે છે. આ ચક્રમાં એક સ્થાને ખલેલ પહોંચે તો અન્ય તત્ત્વો એ ખલેલને સરભર કરવા સમર્થ હોય છે જ, પણ ક્યાંક થોડા સમયગાળા માટે વિચલિત પરિસ્થિતિ ઊભી થઈ શકે. નિયત-કર્મોનો સમૂહ, સૃષ્ટિની કેટલીક બાબતો માટે આધાર
સમાન છે.

જીવનનો ધ્યેય અને જીવનનો અર્થ સમજી લેવાથી નિયત-કર્મની સમજ બંધાય. જીવનનો ધ્યેય જીવનથી મુક્તિનો હોવો જોઈએ. આ જન્મમાં જ બધા જ સમીકરણો પૂરા થઈ જવા જોઈએ. એ ત્યારે જ થઈ શકે જ્યારે લખાઈને આવેલા ઋણાનુબંધથી મુક્તિ મળે. આ માટે નિયત કર્મ જરૂરી છે. જીવનનો અર્થ નક્કી કરેલા, અનુસરવા યોગ્ય સિદ્ધાંતથી સ્થાપિત થાય. આમાં ક્યારેય સ્વાર્થ ન હોવો જોઈએ કે ન હોવો જોઈએ પક્ષપાત. તટસ્થતા, નિર્દોષતા તથા સાક્ષી ભાવે સિદ્ધાંત પ્રમાણે કાર્યરત થવું એટલે જીવનનો અર્થ સાધવાનો પ્રયત્ન કરવો. નિયત થયેલ કર્મ કરવાથી બંધન લાગતું નથી. નિયત-કર્મ નિર્દોષ છે. નિયત-કર્મ ધર્મ અને સત્યને આધારિત હોય છે. નિયત-કર્મ એ વિધાતાની ઈચ્છાને આધીન બાબત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…