વિશેષ: ઊંઘતા હોઈએ તો સંસારચક્ર ભેદવાનું જ્ઞાન ક્યાંથી મળે?

-રાજેશ યાજ્ઞિક
ચેતના શરીરના દરેક કણમાં ફેલાયેલી છે, પરંતુ તેનો સ્ત્રોત મસ્તકમાંથી ઉદ્ભવે છે. ધ્રુવીય ચુંબકત્વની જેમ, મગજમાં પણ આકર્ષણ અને વિકર્ષણના કેન્દ્રો હોય છે. તેઓ બ્રહ્માંડમાંથી ઘણું બધું મેળવે છે અને આપે છે. આ ક્રિયા કેન્દ્રોને રિસિવરો અને ટ્રાન્સફોર્મર્સ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આંતરિક સ્વમાં સુષુપ્ત રહેલી ક્ષમતાઓને જાગૃત કરવી અને આ વિશાળ બ્રહ્માંડમાં પથરાયેલા શક્તિશાળી ચેતન તત્ત્વોને આકર્ષિત કરીને તેમને પોતાની અંદર સમાવી લેવાના પ્રયાસો આધ્યાત્મિક સાધનાઓ દ્વારા કરવામાં આવે છે. આધ્યાત્મિક વિજ્ઞાનમાં, પ્રાણ વિદ્યાનું એક સ્વતંત્ર પ્રકરણ અને વિધાન છે.
આ આધારે, આધ્યાત્મિક સાધનામાં જોડાવાથી, વ્યક્તિ પોતાની અંદર આ જીવન શક્તિનો એટલો મોટો જથ્થો એકઠો કરી શકે છે કે તેના આધારે તે ફક્ત પોતાને જ નહીં પરંતુ બીજા ઘણા લોકોને પણ લાભાન્વિત કરી શકે છે. આવો જ એક પ્રયોગ ગુરુજનોની કૃપાથી સાધકને પ્રાપ્ત થાય છે, જેને શક્તિપાત કહેવાય છે. પ્રાચીન હિન્દુ પરંપરામાં, શક્તિને હંમેશાં માતૃકા તરીકે પૂજવામાં આવી છે. તે ગતિશીલ સ્ત્રી ઊર્જા છે જે બ્રહ્માંડમાં સર્જન અને પાલનપોષણ કરવા માટે વહે છે. આશ્ર્ચર્યજનક નથી કે, આ શક્તિ કુંડલિની સ્વરૂપે દરેક વ્યક્તિમાં રહે છે. પ્રાચીન શાસ્ત્રોમાં કુંડલિની મૂળ ચક્રના ક્ષેત્રમાં ગૂંચવાયેલા સાપના પ્રતીક રૂપે રજૂ થાય છે, જે પૃથ્વી પરના વિશ્વ સાથે આપણા જોડાણ માટે જવાબદાર છે.
આ પણ વાંચો: વિશેષઃ વિજ્ઞાન મહિલાઓનો વિષય નથી, એ ભ્રાંતિને ભેદનાર આ લાડકીને ઓળખો છો?
મોટાભાગના લોકો માટે, કુંડલિની પ્રથમ ચક્રના ક્ષેત્રમાં સુષુપ્ત રહે છે. અને તે તેમના સમગ્ર જીવન માટે આ રીતે રહે છે. પરંતુ જે લોકો જ્ઞાન પ્રાપ્તિ અને દૈવી શક્તિઓ સાથે સાચા જોડાણની શોધ કરે છે, તેમણે કુંડલિની જાગૃત કરવી પડે છે. તે પોતાની મેળે જાગૃત થઈ શકે છે, પરંતુ તે ખૂબ જ દુર્લભ છે. મોટાભાગના લોકોમાં, તેને ચોક્કસ માધ્યમો દ્વારા જાગૃત કરવી પડે છે. અને તેમાંથી એક માધ્યમ આધ્યાત્મિક ગુરુ છે. સંસ્કૃતમાં “પાત” નો અર્થ પતન થાય છે. પણ શક્તિપાતમાં તેનો અર્થ થાય છે, ઉપરથી નીચે તરફ વહેવું. જે રીતે સૂર્યની ઊર્જા આકાશથી પૃથ્વી પર આવે છે, તેવી રીતે આપણાથી અધ્યાત્મની દ્રષ્ટિએ ઉચ્ચ સ્થાને પહોંચેલા ગુરુ તરફથી આપણી તરફ શક્તિનું પ્રદાન થાય છે. અંગત રીતે મારુ એવું માનવું છે કે યુદ્ધના આ સાત ચક્રો એ આપણા શરીરના રહેલા સાત ચક્રોનું જ પ્રતિનિધિત્વ કરે છે. એ રીતે આ સમગ્ર મહાભારત આપણી અંદર જ ખેલાય છે. આપણું શરીર જ કુરુક્ષેત્ર છે. આ કુરુક્ષેત્રની મધ્યમાં ઊભેલા આપણે અર્જુન છીએ અને આપણો આત્મા જ આપણા કૃષ્ણ છે! આ ભાવના કવિ સુરેશ દલાલની પંક્તિઓમાં સુંદર રીતે વ્યક્ત થઇ છે,
‘તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ,
હૈયાના આ કુરુક્ષેત્ર પર પળપળનો સંગ્રામ’
સમસ્યા એ છે કે આપણને જ્યારે આપણા આત્મા રૂપી ઈશ્વર આપણને સંસારના ચક્રો ભેદવાનો રસ્તો બતાવતા હોય છે, ત્યારે આપણે ઊંઘી રહ્યા હોઈએ છીએ, જેમ સુભદ્રા ઊંઘી ગઈ હતી. એ રીતે સુભદ્રા આપણી મનોવૃત્તિનું પ્રતીક છે. આપણું મન અધ્યાત્મ તરફ આકર્ષિત તો થાય છે, પણ જ્ઞાનની વાતોમાં પરોવાતું નથી. પરિણામ સ્વરૂપે સંસારના ચક્રોને ભેદીને આપણે મોક્ષની અંતિમ ચરણ સુધી પહોંચી શકતા નથી. પણ એવું શક્ય છે કે પ્રયત્ન કરવા છતાં, ક્યારેક સાધક માટે કોઈ એવી સ્થિતિ બાધક બની જાય છે કે સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા, ગુરુ અને ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા છતાં તે એ અવસ્થાને પ્રાપ્ત નથી કરી શકતો જેને માટે તે અવિરત સાધના કરતો હોય. આ પરિસ્થિતિમાં જ્ઞાની ગુરુ શિષ્ય પર કૃપા કરીને શક્તિપાત કરે છે, જેથી તેના માર્ગની બાધા દૂર થઇ જાય અને તે સાધનાનો બાકીનો માર્ગ સહજતાથી પાર કરી શકે.
આ પણ વાંચો: વિશેષઃ અધ્યાત્મમાં આંતરિક ઊર્જાનું અદ્ભુત વિજ્ઞાન
અહીં મહત્ત્વની વાત એ છે કે સહુ કોઈ શક્તિપાત પામવાના અધિકારી નથી હોતા. તેવી જ રીતે દરેક ગુરુ શક્તિપાત આપવાના અધિકારી પણ નથી હોતા. ગુરુ સમર્થ હોવા જોઈએ અને શિષ્ય લાયક હોવા જોઈએ. તેથી શક્તિપાત એ જવલ્લે બનતી ઘટના છે. હા, એવા કિસ્સાઓ પણ બન્યા છે, જેમાં કેટલાક સાધુઓએ સામૂહિક શક્તિપાતના જાહેર કાર્યક્રમ કર્યા હોય. પણ, જાણકારો અને જ્ઞાનીઓએ આવા કાર્યક્રમને અયોગ્ય કહ્યા છે. કારણકે અયોગ્ય વ્યક્તિને શક્તિપાત આપવો એ બોલચાલની ભાષામાં કહીએ તો ‘વાંદરાને દારૂ પીવડાવવા’ જેવું થાય! શક્તિપાત એ કોઈ જાદુનો પ્રયોગ નથી, એ તો ઊંડી આધ્યાત્મિક અનુભૂતિ છે. શક્તિપાતનો એક માત્ર હેતુ સાધકને અધ્યાત્મના માર્ગે આગળ વધારવાનો છે અને હોવો જોઈએ.



